Western Times News

Gujarati News

રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને રોલ મોડેલ બનાવવા સંકલ્પબદ્ધ બનીએઃ રાજ્યપાલ

(પ્રતિનિધિ દ્વારા)ગાંઘીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરાને રાસાયણિક કૃષિના ઝેરથી મુક્ત કરી પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને દેશનો રોલમોડેલ બનાવવા

વહીવટી તંત્રના સૌ અધિકારીઓ સંકલ્પબદ્ધ બને આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લાના ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુપાલન અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ પણ જાેડાયા હતા. રાજ્યપાલએ આ વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના પરિણામલક્ષી પ્રયાસો અને ખેડૂતોના પુરુષાર્થથી પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ગ્રામીણ સ્તર સુધી પહોંચ્યું છે,

ત્યારે જિલ્લા પ્રશાસનના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે દેશભરને પ્રેરણા પૂરી પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાકૃતિક કૃષિના જનઅભિયાનને રાષ્ટ્રવ્યાપી બનાવવાના સંકલ્પને સાકાર કરી શકાશે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના મિશનને રાજ્યવ્યાપી બનાવવા રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલા ઘનિષ્ઠ પ્રયાસો બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે જળ, જમીન અને પર્યાવરણ દૂષિત થાય છે. ગ્લોબલ વોર્મિંગની સમસ્યામાં ૨૪ ટકા હિસ્સો રાસાયણિક કૃષિનો છે. રસાયણોથી દૂષિત આહાર આરોગવાથી લોકો અસાધ્ય રોગનો ભોગ બની રહ્યા છે.

કેન્દ્ર સરકાર રાસાયણિક ખાતરો પાછળની સબસિડીને કારણે ૧,૬૦,૦૦૦ કરોડનો આર્થિક બોજ ઊઠાવે છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન દિન પ્રતિદિન ઘટતો જાય છે અને જમીન બંજર બની રહી છે. કૃષિ ખર્ચ સતત વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે, સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળે છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નહીવત આવે છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે. અને પાણીનો વપરાશ ૫૦ ટકા સુધી ઘટાડી શકાય છે. પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની દિન પ્રતિદિન માગ વધતી જાય છે અને સરવાળે ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. તેમણે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિથી જમીનની ફળદ્રુપતા વધે છે. અને ઉત્પાદન ઘટતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.