હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ભાટ ખાતે રાજ્યના હસ્તકલાના કારીગરો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
રાજ્યના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાહસિકતાનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા
હસ્તકલા સેતુ યોજના અંતર્ગત ગાંધીનગરના ભાટ ખાતે કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાજ્યના
હસ્તકલાના કારીગરો સાથે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
- છેલ્લાં બે વર્ષમાં રાજ્યના ૧૯,૩૬૧ હસ્તકલાના કલાકારોએ ઇડીઆઇઆઈમાંથી આધુનિક કૌશલ્યની તાલીમ મેળવી આશરે રૂ. ૪.૯૮ કરોડની આવક કરી છે
- રાજ્યના હસ્તકલાના ૪૦,૦૦૦ કલાકારોના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો સહિતની સૂચિકા તૈયાર કરાશે
ગાંધીનગરના ભાટમાં આવેલ ઇડીઆઇઆઇ ખાતે કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને રાજ્યના હસ્તકલાના કારીગરો સાથે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કુટિર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ રાજયના હસ્તકલાના કારીગરોને સંબોધતા કહ્યું કે રાજ્યના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપી ઉદ્યોગ સાહસિકતાનું સુદ્રઢ વ્યવસ્થાતંત્ર વિકસાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મંત્રી શ્રી વિશ્વકર્માએ ઉમેર્યુ કે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમનો ઉદ્દેશ કલાકારોની કુશળતા વધારવા અને માહિતીની અસમાનતા દૂર કરવા માટે સેતુરૂપ બનવાનો છે.
આ યોજના ગુજરાતની સદીઓ જૂની લગભગ લુપ્ત થવાને આરે હતી તેવી કળાને બેઠી કરવાની એક પ્રશંસનીય પહેલ છે. રાજ્યના કલાકારો બજારના પ્રવાહો અને માંગને પહોચી વળવા સુસંગત રીતે કામ કરી શકે તે માટે રાજ્ય સરકાર કૌશલ્ય વિકાસ લક્ષી અનેક તાલીમો યોજે છે. રાજ્યના કલાકારોને બજારમાં ટકી રહેવા માટે સંઘર્ષ ન કરવો પડે અને વર્તમાન સ્પર્ધાત્મક બજારમાં પોતાના ઉત્પાદનોના વેચાણ થકી આર્થિક વિકાસ કરે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર અનેક યોજનાઓ અમલી બનાવી રહી છે.
મંત્રી શ્રી વિશ્વકર્માએ ‘ચાય પે ચર્ચા’ પર કલાકારો સાથે સંવાદ કરતા ઉમેર્યુ કે આ યોજનાનો અમલ ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં તબક્કાવાર થઈ રહ્યો છે, જેમાં જરૂરિયાત-આધારિત તાલીમ કાર્યક્રમો, પ્રોત્સાહન અને બજાર સાથે તેમના જોડાણ સ્થાપિત કરીને કલાકારોને ટેકો આપવામાં આવી રહ્યો છે. કલાકારોની સમસ્યાઓ અને પડકારોની જાણકારી મેળવી વ્યવહારિક સમાધાનો પર મંત્રીશ્રીએ મનોમંથન કર્યુ હતું. રાજ્ય સરકાર ઇડીઆઇઆઈ જેવી સંસ્થાઓની મદદ સાથે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના વણકરો, કલાકારો અને ઉદ્યોગ સાહસિકોની કુશળતા વધારવા ગાઢ જોડાણ કરીને કામ કરે છે તથા આ પ્રકારની તાલીમ જૂની ડિઝાઇનો, વ્યવસાયના નવા પ્લેટફોર્મની મર્યાદિત સુલભતા, જાણકારી અને વિતરણ નેટવર્કનો અભાવ તથા ઉત્પાદન નવીનતાની મર્યાદા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
કલાકારોને સારી તાલીમ મળે છે, જેથી તેઓ બજારની પસંદગીને અનુરૂપ ઉત્પાદનો બનાવીને પોતાના વ્યવહારિક એકમો ઊભા કરી શકે છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું. કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ વિભાગના સચિવ અને કમિશનર શ્રી પ્રવીણ સોલંકીએ કલાકારોની સમસ્યાઓના વ્યક્તિગત સમાધાન પર ભાર મૂકી રાજ્યના કલાકારોને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કલાકારોએ રાજ્યને ઓળખ આપીને સદીઓ જૂની કળાઓ ટકાવી રાખી છે. કલાકારો કલ્પનાશક્તિ અને નવીનતા સાથે કુશળતાનું સ્તર વધારે જેથી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થાય.
ઇન્ડેક્ષ્ટ-સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી એમ શુક્લાએ કહ્યું કે, બધા કલાકારો કળાના સ્વરૂપની સાતત્યતા સુનિશ્ચિત કરી રાજ્યની વિશિષ્ટ કળાની ઉજવણીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં કલાકારોએ ઉદ્યોગસાહસિકતાના આધુનિક નિયમો અપનાવવા જોઈએ, સાથે સાથે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે યુવા પેઢી વેપાર વાણિજ્ય કરવાની નવી જાણકારી અને ટેકનોલોજી સાથે તમારા માર્ગ પર ચાલશે. ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ કહ્યુ કે ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયાએ સંપૂર્ણપણે વ્યવસાયને પરિવર્તિત કર્યો છે. દુનિયાભરમાં વ્યવસાયની કામગીરી બદલાઈ ગઈ છે એટલે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને આ તકનીકી પ્રગતિ અપનાવવી અને તેમની સાથે આવતી મોટી તકો ઝડપવી જરૂરી છે. વળી ગ્રામીણ કલાકારો આ પરિવર્તનો સાથે તાલ મેળવે અને પર્યાવરણને અનુકૂળ કામગીરી જાળવવા સજ્જ થાય એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.
જે હેતુ ઇડીઆઇઆઈ હસ્તકલા યોજના પ્રોજેક્ટ અંતર્ગત ઉદ્યોગસાહસિકોને વ્યવહારિક જાણકારી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં ૨ વર્ષમાં ઇડીઆઇઆઈએ ૧૯,૩૬૧ કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, જેમાંથી ૭,૬૦૫ને કુશળતા વધારવા આધુનિક તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. આ કલાકારોએ રૂ. ૪.૯૮ કરોડની આવક કરી છે. નવી ડિઝાઇનો, નેટવર્કિંગના નવા વિકલ્પો, નવા બજારો સુધી પહોંચ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર નોંધણી જેવા તમામ વિકાસલક્ષી પરિબળોએ તેમના વ્યવસાયમાં વધારો કર્યો છે. રાજ્યના હસ્તકલાના ૪૦,૦૦૦ કલાકારોના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો સહિતની સૂચિકા તૈયાર કરાશે જે વન-સ્ટોપ પ્લેટફોર્મ પુરૂ પાડશે. આ કાર્યક્રમમાં રાજ્યના ૩૮ એવોર્ડ વિજેતા કલાકારો અને આશરે ૧૩૦ અન્ય કલાકારો ઉત્સાહસભર જોડાયા હતા.