જાવંત્રીમાં પુત્રને પરણાવવા હરખધેલી થયેલી માતાનું વીજ કરંટથી મોત

Files Photo
પાટણ, પાટણના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામમાં પુત્રના લગ્નની ધામધુમપૂર્વક તૈયારી કરી રહેલા માતાનું વીજશોકના કારણે મોત નીપજતા પરીવાર શોકમાં ગરકાવ થયો છે. પુત્રની જાન નીકળવાની તૈયારી હતી તે પહેલા જ તૈયારી કરી રહેલા વરરાજાના માતાને પંખામાં વીજશોક લાગતા મોત નીપજયું હતું.
રાધનપુરમાં તાલુકાના જાવંત્રી ગામમાં રહેતા ભાનુભાઈ પરમારના પુત્ર અજય પરમારના લગ્ન હતા. અજયની જાન પરણવા જવાની હતી જેથી વહેલી સવારે અજયના માતા ધનીબેન તૈયારી કરી રહયાં હતા. આ સમયે જ લગ્ન માટેના મંડપમાં રાખેલા પંખાને અડી જતા વીજશોક લાગ્યો હતો. જેથી ધનીબેનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા જયાં તેઓને મૃત જાહેર કરાયા હતા.
માતાના મોતના કારણે પુત્રના લગ્ન અધૂરા ન રહે તે માટે પરીવારજનોએ ધનીબેનના મોત અંગે અજયને જાણ કરી જ ન હતી. ધનીબેનને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાની વાત કરી હતી. પરીવારના કેટલાક સભ્યોએ હાજર રહી સાદગીથી લગ્નવીધી પૂર્ણ કરી હતી.
અજયના સાદગીથી લગ્ન પૂર્ણ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ અજય તેના ઘરે પહોંચતા જ તેના માતાના મોતની જાણ થઈ હતી. વરરાજા અને નવવધુના ખુશીના પ્રસંગમાં માતમનો માહોલ સવાયો હતો.