Western Times News

Latest News from Gujarat India

ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બાળકોને પોષક દ્રવ્યયુક્ત ભોજન આપશે આ કંપની

પીએસએ ઇન્ડિયાએ અક્ષય પાત્રની ભૂખમરા સામેની લડાઈને ટેકો આપ્યો, 5,000 શાળાના ભોજનને સ્પોન્સર કર્યું

પીએસએ ઇન્ડિયાનું દાન એક વર્ષ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં સરકારી શાળાના બાળકોને 5,333 મીલ આપવામાં મદદરૂપ થશે તેમજ પશ્ચિમ બંગાળમાં 1,666 પરિવારોને ફેમિલી હેપ્પીનેસ કિટ પૂરી પાડશે.

અગ્રણી આંતરરાષ્ટ્રીય પોર્ટ ઓપરેટર અને કાર્ગો સોલ્યુશન્સ પ્રોવાઇડર પીએસએ ઇન્ડિયા અને અક્ષય પાત્ર ફાઉન્ડેશન ભૂખમરા સામેની લડાઈ માટે કોવિડ-પૂર્વેના પોતાના જોડાણને જાળવીને જરૂરિયાતમંદ લોકોનું પેટ ભરવા ફરી એકમંચ પર આવ્યાં છે. પીએસએ ઇન્ડિયા વંચિત સમુદાયોના શાળામાં અભ્યાસ કરતાં બાળકોને ભોજન અને જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટ આપવા સ્પોન્સર બનશે.

કોઈ પણ સેવાભાવી સંસ્થા (એનજીઓ) દ્વારા ચાલતી આ પ્રકારની સૌથી મોટી પહેલો પૈકીની એક અક્ષય પાત્રની મધ્યાહ્ન ભોજન યોજનાને સહાય કરવા પીએસએ ઇન્ડિયાએ રૂ. 1.08 કરોડનું દાન કર્યું છે, જે એક વર્ષ માટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં વંચિત સમુદાયના સરકારી શાળામાં અભ્યાસ કરતાં બાળકોને 5,333 ગરમ, પોષક દ્રવ્યયુક્ત ભોજન પૂરું પાડવામાં મદદ કરશે.

ઉપરાંત આ જોડાણ પશ્ચિમ બંગાળમાં 1,666 પરિવારોને ફેમિલી હેપ્પીનેસ કિટ પ્રદાન કરશે. આ કિટમાં આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ, સ્વચ્છતા માટેનાં મૂળભૂત ઉત્પાદનો અને સ્ટેશનરીની ચીજવસ્તુઓ સામેલ હશે.

સામાન્ય લક્ષ્યાંક પૂર્ણ કરતાં આ જોડાણને બિરદાવતા પીએસએ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગોબુ સેલૈયાએ કહ્યું હતું કે, “અમને વર્ષ 2019ના અંતે અમારા પ્રથણ જોડાણ પછી અક્ષય પાત્ર સાથે અમારું જોડાણ નવેસરથી કરવાની ખુશી છે. અમે પીએસએ ઇન્ડિયાના કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) કાર્યક્રમના ભાગરૂપે તેમની મધ્યાહ્ન ભોજન યોજના અને ફેમિલી હેપ્પીનેસ કિટ્સમાં ટેકો આપીશું.

અક્ષય પાત્ર અગ્રણી સેવાભાવી સંસ્થા છે, જે સમગ્ર દેશમાં સ્વસ્થ અને પોષકદ્રવ્ય યુક્ત ભોજન પ્રદાન કરવામાં કિંમતી સહયોગ આપે છે અને સંસ્થા બાળકો માટે 1.8 મિલિયનથી વધારે લંચટાઇમ મીલ પ્રદાન કરે છે. આ પીએસએ ઇન્ડિયા કામ કરે છે એ દરેક રાજ્યમાં સક્રિય છે –

ગુજરાત (પીએસએ હનીકોમ્બ), મહારાષ્ટ્ર (પીએસએ આમેયા અને પીએસએ મુંબઈ), દિલ્હી-એનસીઆર (પીએસએ કાર્ગો સોલ્યુશન્સ ઇન્ડિયા), તમિલનાડુ (પીએસએ ચેન્નાઈ અને પીએસએ સિકાલ) અને પશ્ચિમ બંગાળ (પીએસએ કોલકાતા). આ સ્થાનોમાં અમારી સીએસઆર પહેલોની સાથે અમને ફાઉન્ડેશનની ઉત્કૃષ્ટ કામગીરીમાં પ્રદાન કરવાની ખુશી છે.”

પીએસએ ઇન્ડિયા લાંબા સમયથી અક્ષય પાત્ર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. વર્ષ 2019માં પીએસએ ઇન્ડિયાએ એક વર્ષ માટે બેંગલોરમાં 1,273 લાભાર્થી બાળકોને ભોજન પ્રદાન કરવામાં મદદરૂપ થવા રૂ. 14 લાખનું દાન કર્યું હતું. વર્ષ 2020માં પીએસએ ઇન્ડિયાએ રૂ. 5 લાખના દાન સાથે અક્ષય પાત્રના બ્રેકફાસ્ટ પ્રોગ્રામને ટેકો આપ્યો હતો,

જેમાં TAPFને ચેન્નાઈમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં 455 લાભાર્થી બાળકોને ગરમ અને પોષક દ્રવ્યયુક્ત ભોજન આપવામાં મદદ મળી હતી.

આ જોડાણની પ્રશંસા કરીને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સીએમઓ શ્રી સુંદીપ તલ્વારે કહ્યું હતું કે, “અમે પીએસએ ઇન્ડિયાના આ ઉદાર દાન બદલ આભારી છીએ, કારણ કે એનાથી ભારત અને અમને ભૂખમરા અને કુપોષણ જેવી સદીઓ જૂની સમસ્યાઓ સામે લડવામાં મદદ મળશે.

અમારા અભિયાનમાં અમારી સાથે જોડાણ કરવાના તેમના સતત પ્રયાસો લાંબા ગાળે ઉજ્જવળ, સ્વસ્થ પેઢીનું નિર્માણ કરશે. અમારાં અભિયાનનો ઉદ્દેશ શાળાના બાળકોને ભોજન પ્રદાન કરવાની સાથે તેમના સર્વાંગી વિકાસમાં પ્રદાન કરવાનો છે. અમારો હેતુ તેમને સારું જીવન જીવવા અને જરૂરી પોષક દ્રવ્યો પ્રદાન કરવાનો છે તેમજ આ પ્રકારની ભાગીદારીઓ દ્વારા જ એ હાંસલ થઈ શકશે.”

અગાઉ વર્ષમાં પીએસએ ઇન્ડિયાની સીએસઆર પ્રવૃત્તિઓ મુખ્યત્વે જરૂરિયાતમંદોને શિક્ષણ આપવા અને કોવિડ-19માં રાહત પ્રદાન કરવા પર કેન્દ્રિત હતી. પીએસએ ઇન્ડિયાએ અંતરિયાળ ગામડાઓમાં કન્યાઓ માટે છાત્રાલય, દિવ્યાંગ બાળકો માટે ડે કેર, શાળાઓ માટે આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી છે. કંપનીએ ગંભીર કોવિડગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર્સ અને જરૂરી દવાઓ માટે જોગવાઈ કરી છે તેમજ હોસ્પિટલના બેડ સ્થાપિત કર્યા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers