Western Times News

Gujarati News

પાટીદારોનો ઉત્કર્ષઃ વિદ્યાનગરમાં રૂા.૨૫ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાયો

આણંદ, સામાન્ય રીતે યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાઓના છાત્રાલય હોય છે પરંતુ એક નગર એવું છે કે જ્યાં યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓની સાથે સમાજ અને ધાર્મિક સંસ્થાનોના પણ છાત્રાલય આવેલા છે. આ નગર એટલે વિદ્યાનું ધામ વલ્લભ વિદ્યાનગર.

વલ્લભ વિદ્યાનગરમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા દ્વારા વર્ષ ૧૯૬૫માં ૪૦ રૂમનું છાત્રાલય બનાવવામાં આવ્યું હતું.

હવે સમયની માંગ મુજબ છાત્રાલયનું નવનિર્માણ કરવા સાથે મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્ષ ઉત્કર્ષનો રૂ.૨૫ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જેની માટે ચરોતર મોટી ૨૭માં સમાવિષ્ટ ગામો આર્થિક સહયોગ આપશે. જેમાં દરેક ગામદીઠ ઓછામાં ઓછા રૂ.૧૧ લાખનો ફાળો આપવા હાકલ કરવામાં આવી છે.

ચરાતેર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ-માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ, મંત્રી ડો.એમ.સી.પટેલ, કારોબારી સભ્યો સહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તાજેતરમાં અજરપુરા ખાતે યોજાયેલી વાર્ષિક સભામાં સહમંત્રી ધીરુભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષ ૧૯૬૫માં વલ્લભ વિદ્યાનગરમાં સ્વ.દાદાભાઈ નારણભાઈ પટેલ પરિવાર-આણંદ દ્વારા દાનમાં અપાયેલી ૨૩ ગૂંઠા જમીન પર સમાજના વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સુવિધા મળી રહે તે માટે ૪૦ રૂમની છાત્રાલયનંુ નિર્માણ કરવામાં આવ્યું હતું.

એ સમયે જમીન દાનમાં મળી હતી પરંતુ છાત્રાલયના બાંધકામ માટે પૈસાની જરૂર હતી ત્યારે સમાજના ગામોમાંથી રૂ.૧૦૦૦નો આર્થિક ફાળો મળ્યો હતો. ગામો તરફથી મળેલા આર્થિક સહયોગથી છોટાભાઈ ભીખાભાઈ પટેલ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ સમયની જરૂરિયાત મુજબ બીજા માળના બાંધકામની આવશ્યકતા ઉભી થઈ ત્યારે રૂમદીઠ રૂા.૧૫૦૦૦નું દાન દાતાઓ તરફથી મળ્યું હતું. હવે છાત્રાલયનું નવનિર્માણ કરવાની સાથે મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્ષ ઉત્કર્ષનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ઉત્કર્ષના ભૂમિપૂજન માટે પધારેલા સ્વામી સચ્ચિનંદજીએ છાત્રાલયના નવનિર્માણ માટે સૌ પ્રથમ રૂ.૧૧ લાખનો આર્થિક સહયોગ આપ્યો છે.

આ ઉપરાંત સમાજના ગામોમાંથી પણ આર્થિક સહયોગ માટેની તૈયારી દર્શાવવામાં આવી છે. રૂ.૨૫ કરોડના ઉત્કર્ષ પ્રોજેક્ટના નિર્માણ માટે દરેક ગામદીઠ ઓછામાં ઓછા રૂ.૧૧ લાખનો આર્થિક સહયોગ મળી રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

જેમાં બાકરોલ, ચકલાસી, અજરપુરા, આણંદ, પીપળાવ, મલાતજ, ડભોઉ, ખાંધલી, ડુમરાલ, ચાંગા, મહેળાવ, બાંધણી વગેરે ગામો તરફથી આર્થિક સહયોગની તૈયારી દર્શાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.