Western Times News

Gujarati News

મુંબઈના રસ્તા પર ફૂલ વેંચનારી વિદ્યાર્થિનીની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પીએચડી માટે પસંદગી

મુંબઇ, જીવનમાં દ્રઢ નિશ્ચયથી જાે આગળ વધવાની કામના હોય તો તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ સફળતાનું શિખર સર કરી શકાય એ વાતને મુંબઈની એક વિદ્યાર્થિનીએ સાબિત કરી બતાવી છે. પિતા જાેડે ફૂલ વેંચવાનું કામ કરતી સરિતા માલી હવે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં પીએચડી કરવાની તૈયારી કરી રહી છે. તેને યુનિવર્સિટીમાં દાખલા માટે ચાંસેલર ફોલોશિપ મળી છે.

જ્યાં તે ‘ભક્તિ કાલ કે દૌરાન નિમ્નવર્ગીય મહિલાઓં કા લેખન’ વિષય પર પીએચડી કરશે. સંઘર્ષ છતાંય આ મુકામ પર પહોંચવું જરાય સહેલું નથી.

મુંબઈના ઘાટકોપરના સ્લમ વિસ્તારમાં જન્મેલી સરિતા ઘરના ભરણપોષણમાં પિતાને સાથ આપવા તેમની જાેડે તે ફૂલ વેંચવાનું પણ કામ કરતી.

મૂળ ઉત્તરપ્રદેશના પછાતવર્ગમાંથી આવતી હોવા છતાં ક્યારેય તેણે ક્યારેય શિક્ષણ જાેડે કોઈ સમાધાન કર્યું નથી.તેણે શરુઆતનું શિક્ષણ નગરનિગમની સ્કૂલમાં લીધું. તે જ્યારે છઠ્ઠા ધોરણમાં આવી ત્યારે પિતા સાથે ટ્રાફિક સિગ્નલ પર ગાડીઓની પાછળ દોડીને ફૂલ વેંચવા પણ જતી. કારણ તેના પરિવારમાં માતા-પિતા ઉપરાંત એક મોટી બહેન અને બે નાના ભાઈઓ મળી કુલ છ જણનો સમાવેશ અને કમાનાર વ્યક્તિ એકમાત્ર પિતા.

ભણવામાં હોંશિયાર એવી સરિતાએ પોતાના સ્વપ્નોને પૂરા કરવા દસમા બાદ આસપાસના વિસ્તારના બાળકોના ટયુશન લેવાનું શરુ કર્યું અને ત્યારબાદ મુંબઈની કે.જે.સોમૈયા કોલેજ ઓફ આર્ટ્‌સ એન્ડ કોમર્સમાં હિન્દી વિષયમાં ડિગ્રી લીધા બાદ તેણે જેએનયુમાંથી એમએ અને એમફીલની ડિગ્રી મેળવી. જેએનયુમાંથી તે જ્યારે રજાના દિવસોમાં ઘરે આવતી ત્યારે પણ તે ફૂલોની માળા બનાવીને વેંચવાનું કામ કરતી.

લોકડાઉનમાં જ્યારે તેનું કામ અટકી ગયું ત્યારે તેને ખબર પડી કે આ વ્યવસાય સિવાય તેમની પાસે રોજગારનું કોઈ સાધન નથી. પરંતુ ત્યારે પણ હિંમત ન હારતાં કામ સાથે જ અભ્યાસમાં રત રહી અને પોતાનું સ્વપ્ન સાકાર કરવા તરફ ડગ માંડતી ગઈ.

સરિતા હાલ જેએનયુમાં ભણી રહી છે અને તે ભારતીય ભાષા કેન્દ્રથી હિંદી સાહિત્યમાં પીએચડી કરી રહી છે. તે જેએનયુની સૌથી નાની વયની સ્કૉલર છે. સરિતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકોને જેએનયુથી અમેરિકા સુધીની સફરની જાણ કરી છે.

અમેરિકાની બે યુનિવર્સિટીમાં તેની પસંદગી થઈ છે. જેમાં કેલિફોર્નિયા યુનિવર્સિટી અને વૉશિંગ્ટન યુનિવર્સિટીનો સમાવેશ છે. તેને યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ચાન્સેલર ફેલોશિપ પણ મળી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.