RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત બીજા રાઉન્ડમાં ૬,૩૩૪ વિદ્યાર્થીઓને પ્રવેશ

બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૩ મે-૨૦૨૨ સુધી શાળામાં જરૂરી આધાર પુરાવા જમા કરી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે
RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ દ્વારા બીજા રાઉન્ડ માટે તા. ૧૨ થી ૧૪ મે-૨૦૨૨ દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન આશરે ૬,૩૩૪ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ અપાયો હતો.
આ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા. ૨૩ મે-૨૦૨૨ સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે એમ પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર RTE ACT-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં આશરે ૬૪,૪૬૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો.
જેમાંથી નિયત સમયમર્યાદામાં ૫૮,૩૪૭ જેટલાં વિદ્યાર્થીઓએ પ્રવેશ નિયત કરાવ્યો હતો, જયારે ૧૩,૦૪૯ જગ્યાઓ ખાલી રહી હતી. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહેલાં અને માન્ય અરજી ધરાવતા ૧,૧૧,૯૬૭ અરજદારોને પુન: પસંદગીની તક આપવામાં આવી હતી. જેમાંથી ૧,૦૩,૦૧૯ અરજદારોએ શાળાઓની પુન: પસંદગી કરી હતી જ્યારે ૮,૯૪૮ અરજદારોએ તેમને ફાળવેલ શાળાઓ યથાવત રાખી હતી.
બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ સમગ્ર રાજ્યમાં અરજદારોની પસંદગીના અભાવે ગુજરાતીમાં ૭૧૭, અંગ્રેજીમાં ૪,૭૦૬, હિન્દીમાં ૧,૧૮૪ અને અન્ય માધ્યમમાં ૧૦૮ એમ કુલ ૬,૭૧૫ જગ્યાઓ ખાલી રહી છે તેમ વધુમાં જણાવાયું છે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં શૈક્ષણિક વર્ષ-૨૦૨૨-૨૩ દરમિયાન કુલ ૯,૯૫૫ જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદાં-જુદાં માધ્યમમાં કુલ ૭૧,૩૯૬ જગ્યાઓ RTE હેઠળ ઉપલબ્ધ હતી.