Western Times News

Gujarati News

ગેરકાયદે અમેરિકા મોકલતા મહેસાણાના એજન્ટોએ ઠેકાણું બદલ્યું

અમદાવાદ, ગુજરાત પોલીસની ભીંસ વધતા લાખો રુપિયા લઈ લોકોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલતા મહેસાણાના એજન્ટોએ પોતાનું ઠેકાણું બદલ્યું છે. બીજી તરફ, ડીંગુચા કેસમાં કથિત સંડોવણી ધરાવતો એજન્ટ ભરત પટેલ ઉર્ફે બોબી હાલ પશ્ચિમ બંગાળમાં હોવાનું પોલીસને જાણવા મળી રહ્યું છે.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર, ભરત પટેલ ગમે તેમ કરીને બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશ ભાગી જવાની ફિરાકમાં છે. જેને લઈને પોલીસે પશ્ચિમ બંગાળ પોલીસ તેમજ બીએસએફને એલર્ટ કર્યા છે. છેલ્લા ઘણા સમયથી ભરત પટેલ પોલીસને હાથતાળી આપી રહ્યો છે.

તેણે સરેન્ડર કરવા માટે પણ ઓફર કરી છે, પરંતુ પોલીસ તેની ધરપકડ કરવા માગે છે. અગાઉ ભરત પટેલનું લોકેશન પંજાબમાં પણ ટ્રેસ થયું હતું. તેને પકડવા માટે પોલીસે ઠેર-ઠેર ટીમો પણ મોકલી છે, પરંતુ હજુ સુધી તે હાથમાં નથી આવી શક્યો. ભરત પટેલનો સાથી ચરણજીત સિંહ પણ પોલીસથી બચવા માટે અમેરિકા ભાગી ગયો છે. ચરણજીત પાસે તો અમેરિકાનો પાસપોર્ટ પણ છે.

બોબી પણ ૧૯૯૭માં અમેરિકા ગયો હતો પરંતુ પકડાઈ જતાં અમેરિકામાં તેના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. અલગ-અલગ નામ અને સરનામાવાળા પાસપોર્ટ ધરાવતા ભરત પટેલે તેના પર વિદેશ યાત્રાઓ પણ કરી છે. બીજી તરફ, મહેસાણામાં સક્રિય એજન્ટો હવે આણંત તેમજ મધ્ય ગુજરાતના અલગ-અલગ ઠેકાણેથી ઓપરેટ કરી રહ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.

હાલમાં જ વિદેશ મોકલવાની લાલચે મહેસાણાના એક યુવકની સાથે આણંદના એજન્ટે કરેલી ઠગાઈના કેસમાં તપાસ કરતા પોલીસને આ દિશામાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ છે.

અહેવાલ અનુસાર, મહેસાણાના પાર્થકુમાર જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે તે મહેસાણાના જ બિમલ ચૌધરી નામના શખસ મારફતે આણંદના કુલદીપસિંહ વાઘેલાને મળ્યો હતો. કુલદીપે પાર્થને કેનેડા મોકલવાની સાથે ત્યાં નોકરી અપાવવાનું વચન આપી ૨૫ લાખની ડિમાન્ડ કરી હતી.

કુલદીપસિંહ આણંદમાં સમ્રાટ વિઝા કન્સલ્ટન્સી ચલાવે છે. ડીલ અનુસાર, પાર્થને અડધા રુપિયા પહેલા અને બાકીના કેનેડાના વિઝા અને નોકરી મળી જાય ત્યારબાદ આપવાના હતા. ફરિયાદ અનુસાર, પાર્થના પિતાએ ટૂકડે-ટૂકડે કરીને સાડા બાર લાખ રુપિયા કુલદીપસિંહને ચૂકવી આપ્યા હતા. જાેકે, એક વર્ષ વિતી ગયા બાદ પણ પાર્થને વિઝા ના મળતા તેણે કુલદીપનો સંપર્ક કર્યો હતો

. કુલદીપે તેને એવો દિલાસો આપ્યો હતો કે તેનો માણસ સાડા બાર લાખ રુપિયા ચૂકવી દેશે. ત્યારબાદ તેણે પોતાની પત્નીના અકાઉન્ટનો ૧૦ લાખનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે મહેસાણા અને ઉત્તર ગુજરાતમાં વેપલો કરતા એજન્ટો પર ઘોંસ બોલાવતા હવે તેમણે પોતાની પ્રવૃત્તિ આણંદ તેમજ આસપાસના શહેરોમાં શરુ કરી છે.

તેમાંય બોબી અને ચરણજીત સાથે ધંધો કરતા મોટાભાગના એજન્ટ કલોલના છે અને અમદાવાદમાં તેઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે વૈભવી ફ્લેટ્‌સમાં રહે છે.

ગુજરાત પોલીસના સૂત્રોને ટાંકીને અમદાવાદ મિરર જણાવે છે કે પોતાની પત્ની અને બે બાળકો સાથે પગપાળા બોર્ડર ક્રોસ કરી અમેરિકા જવા નીકળેલા જગદીશ પટેલના ભાઈ મહેન્દ્ર પટેલને જગદીશ પટેલ અને તેમના પરિવારના જ્યાં અંતિમ સંસ્કાર થવાના હતા તે શહેર નજીક કેનેડામાં અટકાવાયા હતા, જ્યાંથી તેમને ભારત પરત મોકલી દેવાયા હતા.

ગુજરાત પોલીસનું માનવું છે કે આ બાબત ઘણી જ શંકાસ્પદ છે. પોલીસને એવી પણ શંકા છે કે અમેરિકામાં સ્ટોર ચલાવતા મહેન્દ્ર પટેલે જ જગદીશ તેમજ તેમના પરિવારની અમેરિકા પહોંચવાની વ્યવસ્થા કરી હોઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.