પતિએ પાગલ કહીને કાઢી મૂકી, માતા-પિતાએ સાંકળે બાંધી, અભયમે બચાવી
નડિયાદ,મહિલાઓની સુરક્ષા માટે શરુ કરવામાં આવેલી હેલ્પલાઈન અભયમ ૧૮૧ દ્વારા એક મહિલાને તેના ઘરમાંથી બચાવવામાં આવી હતી. આ મહિલાને સાંકળથી બાંધવામાં આવી હતી અને ચોંકાવનારી હકીકત એ છે કે મહિલાને તેના માતા-પિતાએ જ સાંકળથી બાંધી હતી. ઉલ્લેખનીય છે કે મહિલા એક દીકરીના માતા છે.
મહિલાને વધારે બોલવાની આદત હોવાને કારણે પતિએ પાગલ કહીને તેને કાઢી મૂકી હતી. તે સમયે દીકરીની ઉંમર માત્ર દોઢ મહિના હતી. ચાર જ વર્ષના સમયગાળામાં આ રીતે પતિએ ત્યજી દેતા મહિલા દીકરી સાથે માતા-પિતા પાસે પહોંચી હતી. જાે કે માનસિક રીતે અસ્વસ્થ દીકરીને માતા-પિતાએ પણ પાગલ સમજી અને તેઓ પણ તેને સાંકળથી બાંધીને રાખતા હતા.
વિસ્તારપૂર્વક વાત કરીએ તો કપડવંજની એક યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી તેઓ એક બાળકીના માતા-પિતા બન્યા હતા. પરંતુ યુવતીને વધારે બોલવાની આદત હોવાને કારણે પતિએ તેને પાગલ કહીને છૂટાછેડા આપી દીધા હતા. આટલુ જ નહીં, ૫૦,૦૦૦ રુપિયા યુવતીના માતા-પિતાને ચૂકવીને તેણે વાત પતાવી દીધી હતી.
એક તરફ દોઢ મહિનાની દીકરી હતી અને ઉપરથી પતિએ સાવ આવા કારણોસર છોડી દીધી હોવાને કારણે યુવતીને આઘાત લાગ્યો હતો. આ આઘાતમાં તે માનસિક રીતે અસ્વસ્થ બની હતી. તેના માતા-પિતા પણ સમજતા હતા કે તેમની દીકરી પાગલ થઈ ગઈ છે માટે તેને સાંકળથી બાંધીને રાખતા હતા.
જાે કોઈ દિવસ સાંકળ છોડતા તો યુવતી ભાગી જવાનો પ્રયત્ન કરતી હતી. આખરે એક દિવસ કંટાળીને પીડિતાઓ ત્રાહિત વ્યક્તિની મદદથી અભયમ હેલ્પલાઈનને ફોન કર્યો અને મદદ માંગી. નડિયાદ ટીમના રીટાબેન ભગત અને અન્ય સભ્યો સ્થળ પર પહોંચ્યા તો તેમણે પણ જાેયું કે યુવતીને સાંકળથી બાંધવામાં આવી છે.
માતાપિતાએ હોસ્પિટલમાં દવા ચાલુ હોવાનું કહીને ફાઈલ પણ બતાવી હતી. જ્યારે યુવતી દ્વારા ફરિયાદ કરવામાં આવી કે તે પોતાનું અને દીકરીનું ભરણ પોષણ કરવા માટે બહાર જઈને કામકાજ કરવા માંગે છે. પરંતુ માતા-પિતા બહાર જવા જ નથી દેતા.
અભયમની ટીમે યુવતીના માતા-પિતાને સમજાવ્યુ હતું કે તેને સાંકળથી બાંધવામાં ન આવે અને પ્રેમભર્યું વર્તન કરવામાં આવે. તેની સ્થિતિને પણ સમજવાનો પ્રયત્ન કરવાની અપીલ અભયમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.ss2kp