Western Times News

Gujarati News

૨૦૨૦માં ૧૦૦ અકસ્માતમાં ૩૭ લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અહેવાલ પ્રમાણે વર્ષ ૨૦૨૦માં પ્રતિ ૧૦૦ રોડ અકસ્માતોમાં ઓછામાં ઓછા ૩૭લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડો છેલ્લા ૨૦ વર્ષોમાં સૌથી ઉંચો છે. ડેટા પ્રમાણે સૌથી વધારે મૃત્યુ દ્વીચક્રી વાહનો પર સવાર લોકોના થયા છે.

કુલ ૪૩.૫ ટકા લોકોના મોત દ્વીચક્રી વાહનો દ્વારા મુસાફરી દરમિયાન થયા છે. જ્યારે ટ્રાફિક સિગ્નલનું ઉલ્લંઘન કરવાના અનુસંધાને થતા મૃત્યુની સંખ્યામાં ૭૯ ટકાનો વધારો થયો છે. આ બધા કારણોસર વર્ષ ૨૦૨૦માં રોડ અકસ્માતો દરમિયાન થતાં મૃત્યુની સંખ્યામાં ૨૦ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

ઉલ્લેખનીય છે કે, માર્ચ ૨૦૨૦માં કોરોના મહામારીના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. તે દરમિયાન રસ્તાઓ ખાલી હોવા છતાં પણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓની સંખ્યામાં ઉછાળો જાેવા મળ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે, તે સમય દરમિયાન લોકોએ આડેધડ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૦માં માર્ગ આકસ્માતમાં ૫૭,૨૮૨ ટુ વ્હીલર ચાલકોના મોત થયા છે.

જાે કે હેલ્મેટ ન પહેરવાના કારણે થતાં મૃત્યુમાં ઘટાડો થયો છે. ૨૦૧૯માં ૪૪,૬૬૬ લોકોના મોત હેલ્મેટ ન પહેરવાના કારણે થયા હતા જ્યારે આ આંકડો ૨૦૨૦માં ઘટીને ૩૯,૫૮૯ જાેવા મળે છે.

આ રિપોર્ટ પ્રમાણે માર્ગ અકસ્માતનો સૌથી વધુ ભોગ યુવા વર્ગ બને છે. વર્ષ ૨૦૨૦માં ૧૮થી ૪૫ વર્ષની વયજૂથના આશરે ૭૭,૫૦૦ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જે ભારતમાં કુલ માર્ગ અકસ્માતના મૃતકઆંકના ૬૯ ટકા હતા.

દેશમાં માર્ગ અને પરિવહન મંત્રાલય અને એનસીઆરબીમાર્ગ અકસ્માતો અંગે પોતાના આંકડાઓ બહાર પાડતા હોય છે. એનસીઆરબીએ ગયા વર્ષે નવેમ્બરમાં ૨૦૨૦નો રિપોર્ટ જાહેર કર્યો હતો જેના આંકડાઓ પ્રમાણે ૨૦૨૦માં દર ૧૦૦ માર્ગ અકસ્માતોમાં ૩૭ લોકોનાં મોત થયા હતા.

માર્ગ અને પરિવહનના તાજેતરના આંકડા દર્શાવે છે કે કોવિડ-૧૯ની પહેલી લહેર પછી અવર-જવર માટેના નિયંત્રણો હટાવ્યા બાદ માર્ગ આકસ્માતમાં થતાં મૃત્યુની સંખ્યામાં નાટકીય રીતે વૃદ્ધિ થઈ છે.

આંકડાઓ પ્રમાણે એપ્રિલ ૨૦૨૦માં મૃત્યુઆંક ઘટીને ૩,૭૧૨ થઈ ગયો હતો, જ્યારે ફેબ્રુઆરીમાં તેનો આંકડો ૧૩,૧૭૨ હતો પરંતુ મે મહિના પછી આ આંકડાઓમાં ઝડપથી વૃદ્ધિ થઈ અને ડિસેમ્બર ૨૦૨૦માં આ આંકડો કુલ ૧૪,૯૦૮ થઈ ગયો હતો.

વૈશ્વિક માર્ગ સુરક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, પરિવહનના નિયમોનો ચુસ્તપણે અમલ કરવાની સાથે અન્ય ઉપાયોને અપનાવીને માર્ગ દુર્ઘટનામાં થતા મોટાભાગના મૃત્યુને અટકાવી શકાય છે.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.