Western Times News

Gujarati News

વેપારીઓએ ખાદ્ય ચીજવસ્તુઓ  કયા કુકીંગ માધ્યમથી બનાવી છે એ નોટીસ બોર્ડ પર લખવી પડશે

file

દિવાળીના તહેવારો નિમિત્તે મીઠાઇ-ફરસાણનો વેપાર કરતા વેપારીઓને તકેદારી રાખવા સૂચના

રાજ્યમાં નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઇ અને ફરસાણ મળી રહે એ માટે રાજ્ય સરકારે મીઠાઇ અને ફરસાણના વેપારીઓને તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે.

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ.જી.કોશિયા દ્વારા જણાવ્યાનુસાર મીઠાઇ તથા  ફરસાણના વેપારીઓએ તેઓ દ્વારા વેચવામાં આવતી ખાદ્યચીજ વસ્તુઓ કયા કુકીંગ માધ્યમમાં બનાવવામાં આવી છે જેવા કે ઘી, ખાદ્યતેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટની જાણકારી નાગરિકો જોઇ શકે તે રીતે દુકાનના નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે.

શ્રી કોશિયાએ ઉમેર્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઇ, ફરસાણ, ચોકલેટ, દુધ, ઘી, માવો વગેરેની માંગ ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોવાના કારણે ખાદ્યચીજવસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કરતા તમામ વેપારીઓએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ-૨૦૦૬ તથા તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તેમણે ઉમેર્યું કે, વેપારીઓ દ્વારા વેચાણ કરાતી ખાસ કરીને દુધની બનાવટો માટે પેક તથા લુઝમાં મીઠાઇમાં બેસ્ટ બીફોર/યુઝડ બાય ડેટ અવશ્ય લખવાની રહેશે. તમામ વેપારીઓએ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ ખાદ્યચીજવસ્તુ બનાવવાની, વેચાણ કરવાની તેમજ સંગ્રહ કરવાની રહેશે. કોઇપણ જાતના અમાન્ય કલર/સુગંધીત દ્રવ્યો કે એડીટીવ્સ વાપરવાના રહેશે નહીં.

ખાદ્યતેલનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવાનો રહેશે નહીં તમામ ખાદ્યચીજવસ્તુઓના પેકીંગ ઉપર યોગ્ય ટેબલ તથા શેલ્ફ લાઇફ અવશ્ય લખવાની રહેશે. જે મીઠાઇ કે ફરસાણનું લુઝ અવસ્થામાં વેચાણ કરવામાં આવે છે તેના કન્ટેઇનર કે ટ્રે ઉપર બેસ્ટ બિફોર અથવા યુઝ બાય ડેટ અવશ્ય લખવાના રહેશે તેમજ તે મીઠાઇ કે ફરસાણ જે ખાદ્યતેલ/ઘી કે વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે

તેની વિગત અવશ્ય જાહેર કરવાની રહેશે. ડેરી આધારિત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકર્ડ અવશ્ય નિભાવવાનો રહેશે. એફ.એસ.એસ.એ.આઇ.નું લાયસન્સ/રજીસ્ટ્રેશન નાગરિકો જોઇ શકે તે રીતે લગાવવાનું રહેશે. તેમજ હંગામી ધોરણે માંડવા/સામિયાણા બાંધીને વેચાાણ કરતા વેપારીઓએ રજીસ્ટ્રેશન અવશ્ય કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર ગાઇડ લાઇન એફ.એસ.એસ.એ.આઇ.ની વેબસાઇટ www.fssai.gov.in પર ઉપલબ્ધ છે એમ, વધુમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.