ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં આશરે 46% પુરુષો તમાકુના બંધાણી

પ્રતિકાત્મક
તમાકુના સેવનથી કોવિડ-19 ઇન્ફેક્શનની આડઅસરો અને મૃત્યુદરમાં વધારો થયો
એનએચએફએસ 5 (NHFS) ના ડેટામાં જાણકારી મળી છે કે, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં આશરે 46 ટકા પુરુષો અને ફક્ત 6 ટકા મહિલાઓ તમાકુના એક યા બીજા સ્વરૂપનું સેવન કરે છે
● ગુજરાતમાં પુરુષો અને મહિલાઓ વચ્ચે શહેરી વિસ્તારો (4 ટકા મહિલાઓ અને 37 ટકા પુરુષો)ની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારો (7 ટકા મહિલાઓ અને 53 ટકા પુરુષો)માં તમાકુના એક યા બીજા સ્વરૂપનું સેવન થોડું વધારે જોવા મળે છે
અમદાવાદ, દુનિયાભરમાં મૃત્યુ માટે જવાબદાર મુખ્ય પરિબળો પૈકીનું એક પરિબળ તમાકુનું સેવન છે. ડૉક્ટર્સે એ પણ જોયું છે કે, તમાકુના સેવન કરતાં લોકોમાં કોવિડ-19 ઇન્ફેક્શનની આડઅસરો અને મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થયો છે. World No-Tobacco Day: Tobacco consumption aggravated side effects and mortality of COVID 19 infection
અપોલો સીબીસીસી કેન્સર કેરના સીનયિર સર્જિકલ ઓન્કોલોજિસ્ટ લક્ષ્મીધર મુર્તઝાએ મંગળવારે વર્લ્ડ નો-ટોબેકો ડેના પ્રસંગે કહ્યું હતું કે, “કોવિડને કારણે તમાકુના સેવનમાં વધારો થયો છે.
નાણાકીય ખેંચ, કામનું પ્રતિકૂળ વાતાવરણ, માનસિક અસ્વસ્થતા, રોજગારી ગુમાવવી – કેટલાંક મુખ્ય પરિબળો છે, જેણે તમાકુના સેવનમાં વધારામાં પ્રદાન કર્યું છે. તમાકુના સેવનથીકોવિડ-19 ઇન્ફેક્શનની આડઅસરો અને મૃત્યુદરમાં વધારો થયો છે. ગુજરાતમાં શાળાએ જતાં કુલ 20થી 25 ટકા છોકરાઓએક યા બીજા સ્વરૂપેતમાકુનું સેવન કરે છે.”
નોંધપાત્ર બાબત એ છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, તમાકુનું સેવન દર વર્ષે દુનિયામાં 8 મિલિયનથી વધારે મૃત્યુ માટે જવાબદાર છે, જેમાંથી મોટા ભાગના મૃત્યુ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં થાય છે. ભારતની વાત કરીએ તો
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હાથ ધરેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએચએફએસ 5)માંથી પ્રાપ્ત ડેટામાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારમાં તમાકુનું સેવન કરતાં લોકોની સંખ્યા થોડી વધારે છે. સર્વે મુજબ, સિગારેટ અને બીડીની સરખામણીમાં ગુટકા કે પાનમસાલા જેવા તમાકુના ધુમ્રરહિત સ્વરૂપોનું સેવન બહોળા પ્રમાણમાં થાય છે.
સર્વેમાં ખુલાસો થયો છે કે, ગુજરાતમાં 15થી 49 વર્ષની વયજૂથમાં આશરે 46 ટકા પુરુષો અને ફક્ત 6 ટકા મહિલાઓ તમાકુના એક યા બીજા સ્વરૂપનું સેવન કરે છે. પુરુષો મોટા ભાગે ગુટકા કે તમાકુ સાથે પાનમસાલા (34 ટકા), બીડી (5 ટકા), સિગારેટ, તમાકુ સાથે પાન (4 ટકા) અને ખૈની (3 ટકા)નું સેવન કરે છે.
મહિલાઓ અને પુરુષો વચ્ચે ગુજરાતમાં શહેરી વિસ્તારો (મહિલાઓમાં 4 ટકા અને પુરુષોમાં 37 ટકા)ની સરખામણીમાં ગ્રામીણ વિસ્તારો (મહિલાઓ માટે 7 ટકા અને પુરુષો માટે 53 ટકા)માં તમાકુના કોઈ પણ સ્વરૂપનું સેવન થોડું વધારે થાય છે.
દર વર્ષે 31 મેના રોજ વર્લ્ડ નો-ટોબેકો ડેની ઉજવણી થાય છે, જેનો ઉદ્દેશ સ્વાસ્થ્ય પર તમાકુની મહામારી અને એની નુકસાનકારક અસરો વિશે જાગૃતિ લાવવાનો છે. તમાકુના સેવનથી શ્વાસોશ્વાસ અને હૃદય સાથે સંબંધિત રોગો થવાની સાથે 20થી વધારે પેટાપ્રકારના કેન્સરો થઈ શકે છે.
કેન્સરના વિવિધ જોખમો પર સમજાવતાં ડૉ. મુર્તઝાએ કહ્યું હતું કે, “સામાન્ય રીતે તમાકુનાં સેવનથી મુખના પેઢાનું કેન્સર, ફેંફસાનું કેન્સર, પાચનમાર્ગના ઉપલા ભાગનું કેન્સર (અપર એરો-ડાઇજેસ્ટિવ ટ્રેક્ટ કેન્સર), સ્વાદુપિંડ અને મૂત્રાશયનું કેન્સર થાય છે. ગુજરાતમાં પુરુષોમાં 50 ટકાથી વધારે અને મહિલાઓમાં 12થી 15 ટકા કેન્સર માટે તમાકુનું સેવન અને એની સાથે સંબંધિત અસરો જવાબદાર છે. તમાકુના તમામ સ્વરૂપોમાં ગ્રામીણ અને શહેરી ગુજરાતમાં ધુમ્રપાનરહિત તમાકુનું વ્યસન અતિ વધારે છે.”