Western Times News

Latest News from Gujarat India

ચારધામ યાત્રાના ૨૭ દિવસમાં ૧૦૮ યાત્રાળુનાં મોત થયા

આ વર્ષે સૌથી વધુ લોકોના મોત હાર્ટ અટેકને કારણે થયા, મોટી સંખ્યામાં મોત પાછળ કોરોના અને પોસ્ટ કોવિડ ઈફેક્ટને પણ જવાબદાર

દેહરાદૂન, ૦૩મેથી શરુ થયેલી ચારધામ યાત્રામાં એક મહિનાથી પણ ઓછા સમયમાં ૧૦૮ યાત્રાળુના અવસાન થયા છે. ૨૦૧૯માં છ મહિના સુધી ચાલેલી આ યાત્રામાં ૯૦ યાત્રાળુ મોતને ભેટ્યા હતા, જ્યારે ૨૦૧૮માં આ આંકડો ૧૦૨ અને ૨૦૧૭માં ૧૧૨ હતો. ૨૦૨૦ અને ૨૦૨૧માં કોરોનાકાળ દરમિયાન યાત્રાનું આયોજન ના થયું હોવાથી મૃત્યુ પામનારા શ્રદ્ધાળુઓનો આંકડો ખૂબ જ નીચો હતો.

જાેકે, ચાલુ વર્ષે એક મહિનાથી પણ ઓછા સમયમાં રેકોર્ડ સંખ્યામાં યાત્રાળુના મોત થતાં સૌ કોઈને એક જ સવાલ સતાવી રહ્યો છે કે આખરે આટલી મોટી સંખ્યામાં મોતનું કારણ શું છે?૨૦૨૨માં ૧૨ લાખ શ્રદ્ધાળુ ચારધામની યાત્રા કરવા આવ્યા છે, ૨૦૧૯માં આ આંકડો ૩૨ લાખ જ્યારે ૨૦૧૮માં આ આંકડો ૨૬ લાખ હતો. સ્થાનિક તંત્રનું માનીએ તો, આ વર્ષે સૌથી વધુ લોકોના મોત હાર્ટ અટેકને કારણે થયા છે.

ચારધામના પવિત્ર યાત્રાધામો ૧૦ હજારથી લઈ ૧૨ હજાર ફુટ સુધીની ઉંચાઈ પર આવેલા છે. જાેકે, ડૉક્ટર્સ અને જાણકારો મોટી સંખ્યામાં મોત પાછળ કોરોના અને પોસ્ટ કોવિડ ઈફેક્ટને પણ જવાબદાર ઠેરવી રહ્યા છે.સિક્સ સિગ્મા હેલ્થેકરના પ્રેસિડેન્ટ ડૉ. પ્રદીપ ભારદ્વાજ જણાવે છે કે કેદરાનાથમાં આ વર્ષે થયેલા ૯૫ ટકા મોત અને ઈમરજન્સીના કેસમાં સીધી કે આડકતરી રીતે કોરોના જવાબદાર છે.

આ માહિતી મૃતકોના વારસદારો તરફથી અપાયેલી જાણકારીના આધારે બહાર આવી છે. ૨૦૧૩માં ડૉ. ભારદ્વાજની એજન્સીને કેદરનાથમાં યાત્રાળુઓને મેડિકલ મદદ પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જે આ વર્ષે પણ ચાલુ છે.છેલ્લા ૨૪ દિવસમાં કેદારનાથમાં ૫૨ લોકોના મોત થયા છે.

રુદ્રપ્રયાગ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. બી.કે. શુક્લાના જણાવ્યા અનુસાર, ઘણા લોકોને કોરોના થયો હતો, પરંતુ તેમનામાં કોઈ લક્ષણ ના દેખાતા તેમને ઈન્ફેક્શનની જાણ જ નહોતી થઈ. ડૉ. શુક્લાની ટીમ પણ દરેક મૃતકના સંબંધી કે પરિવારજનનો સંપર્ક કરીને તેમની મેડિકલ હિસ્ટ્રી મેળવી રહી છે, જેમાં જાણવા મળ્યું છે કે કોરોના થયો હતો તેવા લોકોને હાર્ટ અટેક આવવાના ચાન્સ વધારે છે.

સ્ટેનફોર્ડ યુનિ. સાથે જાેડાયેલા દુનિયાના ટોચના ફાર્મસી અને ફાર્માકોલોજી સાયન્ટિસ્ટમાંના એક અજય સેમાલ્તીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘વૈશ્વિક ડેટા દર્શાવી રહ્યો છે કે કોરોના અને હાર્ટ અટેકથી વધેલા મોત વચ્ચે સીધું કનેક્શન છે. ઈટાલીમાં પણ આ ટ્રેન્ડ જાેવા મળ્યો છે. તેમાંય જેમ-જેમ ઉંચાઈવાળા સ્થળ પર જાઓ તેમ આ રિસ્ક ઓર વધે છે.

ખાસ કરીને ઓક્સિજનનું ઓછું પ્રમાણ અને ઠંડીને કારણે આમ થવાની શક્યતા વધી જાય છે.’ તેમણે એમ પણ જણાવ્યું હતું કે જાે કોઈ વ્યક્તિને કોરોના થયો હોય તો તેના હાર્ટ અને ફેફસાં પર તેની અસર થઈ હોય છે, ઠંડી વધારે હોય ત્યારે શરીરનું તાપમાન જાળવી રાખવા હ્રદયને વધારે કામ કરવું પડે છે, જે હાર્ટઅટેકનું કારણ બની શકે છે.SS2KP

Copyright © All rights reserved. | Developed by Aneri Developers