Western Times News

Gujarati News

ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓનો વાગશે દેશભરમાં ડંકો

PDEU ને નંબર 1 તરીકે સ્થાન આપવામાં આવ્યું -રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી 

ગુજરાત આમ તો દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે પરંતુ જ્યારે વાત શિક્ષણની આવે ત્યારે હંમેશા ગુજરાત પ્રથમ હરોળમાં પોતાની દાવેદારી નોંધાવતું  હોય છે અનેઆપણી સામે એવાં ઘણા ઉદાહરણો છે કે જેઓ ગુજરાતમાં ભણીને આગળ વધ્યા હોય અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં પોતાનો,પોતાના દેશનો પોતાના રાજ્યનો ડંકો વગાડ્યો હોય અને એ જ વસ્તુ એ સાબિત કરે છે કે ગુજરાતનું શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થા સમગ્ર દેશમાં અગ્રીમ સ્થાને છે.

આ સાથે ગુજરાતની એવી અનેક સંસ્થાઓ આવેલી છે કે તે વિદેશથી પણ લોકો ભણવા માટે આવતા હોય છે અને દેશભરમાં આ સંસ્થાઓની પોતાની એક આગવી ઓળખ છે અને આવી જ અનેક સંસ્થાઓ વિશે આજે વાત કરવાની છે.

ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટ્રસીદ્વારા તા. ૧ અને ૨ જૂન ૨૦૨૨ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે “સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર કોન્ફરન્સ”નું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી,તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીશ્રીઓ, શિક્ષણ સચિવશ્રીઓ અને સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે.

આ વેળાએ તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશના શિક્ષણ મંત્રીશ્રીઓ  ગાંધીનગર સ્થિત ૪ નામાંકિત સંસ્થાની મુલાકાત લેશે. જેમાં ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)નો સમાવેશ થાય છે. આ સંસ્થાઓની દેશભરમાં એક આગવી ઓળખ છે.

આવો જાણીએ આ સંસ્થાઓ વિશે..

ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG)

ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓઇન્ફોર્મેટિક્સ (BISAG)એ નકશા-આધારિત જીઓસ્પેશિયલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સના અમલીકરણમાં સેવાઓ અને ઉકેલો પ્રદાન કરવા માટે ગુજરાત સરકારની રાજ્ય સ્તરની એજન્સી છે. BISAGનું SATCOM નેટવર્ક એ ઉપગ્રહ સંચાર આધારિત નેટવર્ક સેવા છે

જે રાજ્યભરમાં દૂરવર્તી ક્રિયા-પ્રતિક્રિયા પૂરી પાડે છે. હાલમાં BISAG કૃષિ, જમીન અને જળ સંસાધન, વ્યવસ્થાપન, પડતર જમીન/વોટરશેડ વિકાસ, વનસંવર્ધન, આપત્તિ વ્યવસ્થાપન, ઈન્ફ્રાસ્ટ્રક્ચરઅને શિક્ષણને લગતાં આયોજન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ માટે ભૌગોલિક-અવકાશી તકનિકોનો અમલ કરવા માટે કામ કરી રહી છે.

SATCOMમાં અપલિંક અર્થ સ્ટેશન, કંટ્રોલ રૂમ, ટીવી સ્ટુડિયો અને પ્રાપ્ત વર્ગખંડોનું નેટવર્ક સામેલ છે. આ નેટવર્કનો ઉપયોગમાઈક્રોસોફ્ટ અને TCS દ્વારા આયોજિત .net અને java શિક્ષણ સત્રો માટે વ્યવહારુ તાલીમ પ્રસારિત કરવા માટે થાય છે.

થોડા સમય પહેલા ભારતીય સેનાએ BISAG-N, ગાંધીનગર સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં GIS અને IT આધારિત એન્ટરપ્રાઇઝ રિસોર્સ, પ્લાનિંગ સૉફ્ટવેર, તાલીમ, સામગ્રી, ઑડિયો-વિઝ્યુઅલ સામગ્રીનું પ્રસારણ, સંશોધન અને જ્ઞાન ભાગીદારી, તકનીકી સમર્થન હેઠળ વિકસિત સંસાધનોના અપગ્રેડેશનના વિકાસ માટે ઉભરતી તકનીકીઓના ક્ષેત્રોમાં જ્ઞાન અને સહયોગના આદાન-પ્રદાનને સરળ બનાવશે.

આ સીમાચિહ્નરૂપ એમઓયુ તાલીમ, સંશોધન અને ક્ષમતા વિકાસને લગતા કાર્યક્રમોની વ્યૂહરચના અને અમલીકરણ તરફ ભારતીય સેના અને BISAG-N વચ્ચે સંસ્થાકીય સહયોગને સરળ અને મજબૂત બનાવશે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર

ગાંધીનગર સેક્ટર ૧૯ સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત વર્ષ-૨૦૧૯માં થઇ હતી. આ કરવા પાછળનો ઉદ્દેશ્ય શિક્ષકોને દૈનિક ધોરણે સોંપાયેલ કાર્યોને વળગી રહી,શિક્ષણની ગુણવત્તા સુધરેતેવો સુનિશ્ચિત આશય આ કેન્દ્રનો છે.આ કેન્દ્રના સર્વેલન્સ સિસ્ટમથી ડ્રોપ-આઉટ, શાળા માન્યતા, શિક્ષકો-વિદ્યાર્થીઓની નોંધણી તેમજ હાજરી,બ્લોક અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કો-ઓર્ડિનેટરનું નિરીક્ષણ કરે છે.

આ કેન્દ્ર ૫૫,૦૦૦ પ્રાથમિક-માધ્યમિક સરકારી શાળાઓ પર દેખરેખ રાખે છે અને લગભગ ૧.૨ કરોડ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોને સુધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. અંદાજે ૪ લાખ શિક્ષકો પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે.

ગત મહીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને આ સંસ્થાની રાજ્યમાં શિક્ષણને સુધારવામાં કઈ રીતે મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે તેની સમીક્ષા પણ કરી હતી.

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU)

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) સંસ્થા અગાઉ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી (PDPU) તરીકે ઓળખાતી હતી. તા. ૪ એપ્રિલ ૨૦૦૭ના રોજ PDEU, GERMIની ખાનગી યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી હતી. નોલેજ કોરિડોર તરીકે, ઓળખાતી ગિફ્ટ સિટી નજીક ગુજરાતની રાજધાની ગાંધીનગરથી ૮ કિ.મી.  દુર રાયસણમાં શિક્ષણ સંસ્થા આવેલી છે.

પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા તરીકે માન્યતા આવી છે. PDEU ને નંબર 1 તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટી અને ગુજરાત સરકાર દ્વારા “સેન્ટર ઑફ એક્સેલન્સ સ્ટેટસ”માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

યુનિવર્સિટી પાસે ચાર સ્કૂલ છે, જે એક જ કેમ્પસમાં સ્થિત છે જેમાં સ્કૂલ ઑફ પેટ્રોલિયમ ટેક્નોલોજી (SPT), સ્કૂલ ઑફ ટેક્નોલોજી (SoT), સ્કૂલ ઑફ પેટ્રોલિયમ મેનેજમેન્ટ (SPM) અને સ્કૂલ ઑફ લિબરલ સ્ટડીઝ (SLS)નો સમાવેશ થાય છે.

યુનિવર્સિટી પાસે તેનો પોતાનો એક મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ પણ છે.ગુજરાત સરકારે મારુતિ સુઝુકી સાથે સંયુક્ત સાહસમાં PDPU ખાતે રૂ.150 કરોડના રોકાણ સાથે ઓટોમોબાઈલમાં ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનું નક્કી કર્યું છે. યુનિવર્સિટીને UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા માન્યતા આપવામાં આવી છે અને તે AIU (એસોસિએશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટી)ની સભ્ય છે.

યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા ગ્રેડ A સાથે માન્યતા આપવામાં આવી છે. માર્ચ 2018માં, માનવ સંસાધન વિકાસ મંત્રી, પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ભારત) એ PDPUને સ્વાયત્તતા આપી છે. ભારતની બે ખાનગી યુનિવર્સિટીઓએ આ સ્વાયત્તતા આપી છે.

PDEU એ ગુજરાતની પ્રથમ કોલેજ છે જેને સ્વાયત્તતા આપવામાં આવી છે. હવેથી યુનિવર્સિટી પાસે નવા અભ્યાસક્રમો, કેમ્પસની બહારના કેન્દ્રો, કૌશલ્ય વિકાસ અભ્યાસક્રમો, સંશોધન ઉદ્યાનો અને અન્ય કોઈપણ નવા શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવાની સ્વતંત્રતા હશે. તે તેને વિદેશી ફેકલ્ટીની નિમણૂક કરવાની, વિદેશી વિદ્યાર્થીઓની નોંધણી કરવાની, ફેકલ્ટીને પ્રોત્સાહક-આધારિત ઈમોલ્યુમેન્ટ્સ આપવા, શૈક્ષણિક સહયોગમાં પ્રવેશવાની અને ઓપન ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ ચલાવવાની સ્વતંત્રતા પણ આપશે.

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)

ગુજરાત સરકાર દ્વારા 2008માં રચના કરવામાં આવી હતી.જે અગાઉ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU)તરીકે ઓળખાતી હતી. જે ગાંધીનગરમાં આવેલી ગુજરાતની કેન્દ્રીય યુનિવર્સિટી છે. તે ફોરેન્સિક અને તપાસ વિજ્ઞાનને સમર્પિત છે. અને સંસદના અધિનિયમ દ્વારા તેને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા તરીકે માન્યતા આપવામાં આવી છે.

રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો ધરાવતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે,જે ફોરેન્સિક, બિહેવિયરલ, સાયબર સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક્સ અને સંલગ્ન વિજ્ઞાનને સમર્પિત છે. તેની સ્થાપના ભારત સરકાર દ્વારા એક્ટ, 2020 (2020 ના 32) દ્વારા દેશમાં અને સમગ્ર વિશ્વમાં ફોરેન્સિક નિષ્ણાતોની વધતી માંગ સામે તીવ્ર અછતને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી.

ગુજરાત ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીપ્રથમ કેમ્પસ છે. જે ગાંધીનગર ખાતે આવેલ છે.  નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટી આઠ સ્કૂલમાં ૪૬ અભ્યાસક્રમો ચલાવી રહ્યું છે. જેમ કે, સ્કૂલ ઓફ ડોક્ટરલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, સ્કૂલ ઓફ ફોરેન્સિક સાયન્સ, સ્કૂલ ઓફ સાયબર સિક્યુરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી,

સ્કૂલ ઑફ ફાર્મસી, સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સ અને સ્કૂલ ઑફ ઓપન લર્નિંગ. દરેક શાળા દ્વારા ચલાવવામાં આવતા અદ્યતન અને વિશિષ્ટ અભ્યાસક્રમોને લીધે, તે હાલમાં ફક્ત અનુસ્નાતક સ્તરના શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે. આ કેમ્પસમાં યોગ્ય સવલતો સાથે શિક્ષણ, સંશોધન અને તાલીમમાં શ્રેષ્ઠતા જાળવી રાખવાથી બહુવિધ વિદ્યાશાખાઓ અને કૌશલ્યોમાં સહયોગને પ્રોત્સાહન મળે છે.

શિક્ષણ ક્ષેત્રે જ્યારે ભારત આગેકુચ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય પણ કદમથી કદમ માંડી આગળ વધી રહ્યું છે. તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીશ્રીઓ ગુજરાતની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ અહીંની સારી બાબતોની નોંધ લઈ પોતાના રાજ્યમાં પણ ઉચ્ચકક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ ઉભી કરવા પ્રયત્નો કરશે એ ઉદ્દેશ્ય સાથે આ મુલાકાત ખૂબ મહત્વની બની રહેશે. -ધ્રુવી ત્રિવેદી/ઋચા રાવલ/ભરત ગાંગાણી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.