Western Times News

Gujarati News

જામનગરમાં ડેંગ્યુથી બેના મોત

અમદાવાદ : સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ડેન્ગ્યુની એસર જામનગર જિલ્લામાં જોવા મળી રહી છે અને ત્યાં ડેન્ગ્યુએ ભારે હાહાકાર મચાવ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુને કારણે બેડ પણ ખૂટી પડ્‌યા છે અને દર્દીઓને નીચે જમીન પર સારવાર લેવાની ફરજ પડી રહી છે.

ડેન્ગ્યુને ઝપેટમાં રેસીડેન્ટ ડોક્ટરો પણ આવી ચૂક્યા છે. ત્યારે આજે જામનગરના ખાખીનગર વિસ્તારમાં રહેતી છ વર્ષની બાળકી ભૂમિ નંદાણીયાનું ડેન્ગ્યુની સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. તો, બીજી તરફ રાજકોટના કોર્પોરેટર વિજય વાંક અને તેમની પત્ની પણ ડેન્ગ્યુ થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર હેઠળ છે.
ધ્રોલના તબીબ પુત્રનું પણ આજે રાજકોટ ખાતે ડેન્ગ્યુના કારણે મૃત્યુ નીપજતા આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઇ છે અને તંત્ર દોડતુ થયુ છે. તો, ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું પણ ડેન્ગ્યુના કહેરમાં મોત નીપજતાં પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. જામનગર શહેર સહિત જિલ્લાભરમાં દિન પ્રતિદિન વકરતા ડેન્ગ્યુનો જીવલેણ મુકામ હજુ પણ યથાવત રહ્યો છે. જેમાં સોમવારે ડેન્ગ્યુનો ભોગ બનેલા એક યુવાનનું સારવારમાં મૃત્યુ નીપજ્યુ હતુ. જેના પગલે ચાલુ સીઝનનો ડેન્ગ્યુથી મૃતાંક ૧૭ પર પહોંચ્યો છે.

બીજી બાજુ સપ્તાહના પ્રારંભે પણ ડેન્ગ્યુના વધુ ૯૯ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. તમામ દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં સઘન તબીબી સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે ડેન્ગ્યુગ્રસ્ત ૫૩ દર્દીઓ પુનઃ સ્વસ્થ થતા તેમને જી.જી.હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી. ત્રણ દિવસ પહેલા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનું અમદાવાદ ખાતે ડેન્ગ્યુથી મોત નીપજ્યું હતું. જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે રોગચાળા ખાસ કરી ડેન્ગ્યુની બિમારીએ માઝા મૂકી છે.

છેલ્લા ત્રણેક સપ્તાહથી ડેન્ગ્યુનો રોગ વકરતા ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં રોજીંદા નોંધપાત્ર સંખ્યામાં દર્દીઓ સામે આવી રહ્યા છે. સોમવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુની સારવારમાં રહેલા ભીમરાણાના અરજણભાઇ નાગેશ (ઉ.વ.૪૫) નામના યુવાનનું મૃત્યુ નીપજ્યુ હોવાનું જાહેર થયું હતું. હાલ સરકારી હોસ્પિટલમાં ડેન્ગ્યુના ૨૦૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું સુત્રોએ જણાવ્યું હતુ.

જામનગર સહિત હાલ રાજયભરમાં ડેન્ગ્યુને અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કવાયત હાથ ધરવામાં આવી રહી છે. જા કે, તેની કોઇ અસરકારકતા અથવા તો, કોઇ પરિણામ દેખાતા નથી તે પણ એટલી જ વાસ્તવિકતા છે. ડેંગ્યુએ અન્ય જગ્યાઓએ પણ આતંક મચાવ્યો છે. જામનગર અનેરાજકોટમાં ગઇકાલે એક એકના મોત થઇ ચુક્યા છે.

ઓક્ટોબર મહિનામાં ટૂંકા ગાળામાં જ ડેંગ્યુથી ગ્રસ્ત લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી ઉપર પહોંચી રહી છે. અમદાવાદ, રાજકોટ, જામનગરમાં ડેંગ્યુના અનેક મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. અમદાવાદમાં ૧૯ દિવસમાં ૫૪૬ અને જામનગરમાં આ સંખ્યા તેના કરતા પણ વધારે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.