Western Times News

Gujarati News

ઓડિસાની આ યુવતીને હતી “બ્લેડર એસ્કટ્રોપી”ની સમસ્યા, જન્મના ૧૩ વર્ષ બાદ “ડાયપરમુક્ત” થઇ !

સિવિલના તબીબોએ મારા સ્વપ્નને પાંખો આપી- સાયના – બાળપણથી સમસ્યાઓ વચ્ચે જીવી છું પરંતુ ક્યારેય હાર ના માની. સ્વપ્નને પૂર્ણ કરવાના જુસ્સા સાથે જ નિ:સંકોચપણે જીવતી રહી.

ઓડિસાની સાયના મઢવાલને (Odisha’s Sayna Madhval) જન્મજાત “બ્લેડર એસ્કટ્રોપી” એટલે કે પેશાબની નળીમાં લીકેજની સમસ્યા હતી : જેના પરિણામે સતત ડાયપર પહેરીને રહેવું પડતું

This young girl from Odisha had a problem with “bladder astropy”, became “diaper free” after 13 years of birth!

ઓડિસા સહિત દેશના અન્ય રાજ્યોની નામાંકિત હોસ્પિટલમાં નિદાન અને સારવાર કરાવી પરંતુ સંતોષકારક પરિણામ મળ્યું નહીં – વળી ૪૦ લાખ જેટલો ખર્ચ પણ થયો

ગુગલથી સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે યોજાતા બ્લેડર એસ્કટ્રોપીના કેમ્પની જાણ થઇ- ૧૪ કલાકની જટીલ સર્જરીના અંતે સાયના પીડામુક્ત બની :- હવે તેણી ભરશે પોતાના સ્વપ્નની ઉડાન

-: પ્રતિભાવ :- રૂપશ્રી મઢવાલ (માતા) – અમે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે સરકારી હોસ્પિટલમાં સારવાર સાથે સંભાળ અને હુંફ પણ મળશે. ગુજરાત સરકારની આરોગ્યવ્યવસ્થાઓ અને તબીબોની આજીવન ઋણી રહીશું

એને મોડલ બનવું છે. ફેશનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી ઉજ્જવળ કરવી છે. પરંતુ તે ફ્રોક સિવાયના જીન્સ, ટોપ, ક્રોપ ટોપ, સોર્ટ્સ જેવા કપડા પહેરી શકતી નથી.. કારણ ?  કેમકે તેને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપી નામની ગંભીર બિમારી છે.જેના કારણે સતત તેણીને ડાયપર પહેરીને જ રહેવું પડે છે !!!

બ્લેડર એસ્કટ્રોપી એટલે કે પેશાબની નળીમાં સતત લીકેજ હોવું. તેણીને જન્મજાત બ્લેડર એસ્કટ્રોપીની તકલીફ હોવાના કારણે યુરીનનું સતત લીકેજ થતું રહેતું .જે કારણોસર સ્કુલમાં હોય કે અન્ય સ્થળે તેણીને ડાયપર પહેરી જ રાખવું પડતું

તેણીએ ડાયપર સાથે ૧૩ વર્ષ જીવન ગાળ્યું. (Spend 13 years with dyper) પિતા બાળરોગ ડૉક્ટર છે. ઓડિસા સહિત દેશના અન્ય નામાંકીત ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવીને બે વખત તો સર્જરી પણ કરાવી .જે સર્જરી બાદ પેશાબની કોથળી મોટી ન થતા લીકેજની સમસ્યાનું નિરાકરણ આવ્યું નહીં.

એક દિવસ સાયનાની માતા રૂપ શ્રી મઢવાલએ ગુગલ પર આ સમસ્યા અંગેના શ્રેષ્ઠ તબીબ અને નિવારણ સેન્ટર અંગે સર્ચ કર્યું. જેમાં તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અંગે જાણ થઇ.

તેમણે બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીને (Dr. Rakesh Joshi, Children Surgery Department, Ahmedabad Civil Hospital, Gujarat)  સંપર્ક કર્યો. સમગ્ર સમસ્યા વિશે વિગતવાર ચર્ચા કરી. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં બ્લેડર એસ્કટ્રોપી અંગેનો આંતરરાષ્ટ્રીય કેમ્પ સિવિલ હોસ્પિટલમાં યોજાય છે. જેમાં આ વર્ષના માર્ચ મહિનામાં સાયના અને તેમના પરિવારજનો પણ સમસ્યાના નિવારણની આશા સાથે સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા.

આ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને વિદેશી તબીબોના સહિયારા પ્રયાસોથી દેશભરના બાળકોની અત્યંત જટીલ કહી શકાય તેવી બ્લેડર એસ્કટ્રોપીની સર્જરી કરવામાં આવે છે. માર્ચ મહિનામાં સાયનાની પણ સર્જરી હાથ ધરવામાં આવી.જેમાં ઇન્ડો-અમેરિકન કોલોબ્રેસનની ટીમ દ્વારા આંતરળું લગાવીને પેશાબની કોથળી મોટી કરવામાં આવી. ૧૪ કલાકની ભારે જહેમતના અંતે ઓપરેશન સફળ રહ્યું.ત્યારબાદ અંદાજીત ૨ મહિના જેટલો સમય પોસ્ટ ઓપ કેર તરીકે સિવિલ હોસ્પિટલની જ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ગાળ્યો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરીના ૧૨ થી ૧૪ લાખ જેટલો ખર્ચ અને પોસ્ટ ઓપ આઇ.સી.યુ.માં દાખલ રહેવાની તોતીંગ રકમ વસૂલવામાં આવે છે. જે ગુજરાત સરકારની સિવિલ હોસ્પિટલમાં સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલ્બધ બની. (Free of cost in Ahmedabad Civil)

હાલ તેઓ જ્યારે ફોલોઅપમાં સિવિલ હોસ્પિટલમાં આવ્યા ત્યારે માહિતી વિભાગની ટીમે તેમના પ્રતિભાવો પૂછતા તેઓ ભાવવિભોર બન્યા.

સાયનાની માતાએ જણાવ્યું કે, મારી દીકરી ૧૩ વર્ષથી અત્યંત જટીલ પ્રક્રિયામાંથી પસાર થઇ રહી હતી.હું એમ કહીશ કે મારી દીકરી જ નહીં પરંતુ ચાર વ્યક્તિઓનું મારુ નાનુ કુટુંબ ઘણી મોટી સમસ્યામાંથી સંયુક્ત રીતે પસાર થઇ રહ્યું હતુ. બે વખત સર્જરી કરાવ્યા છતા પણ તે નિષ્ફળ રહી. મારી દિકરી ક્યારેય સાજી થઇ શકશે કે કેમ તે એક પ્રશ્નાર્થ બની ગયો હતો. વળી ૪૦ લાખ જેટલો અંદાજીત ખર્ચ પણ થઇ ગયો હતો

પરંતુ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવીને જ્યારે તબીબોએ મારી દીકરીની સફળતાપૂર્ણ સર્જરી કરીને તેને પીડામુક્ત કરી ત્યારે અમારા જીવનમાં તો જાણે સુખનો સુરજ ઉગ્યો હોય તેવી પ્રતીતિ થઇ છે.

ઓડિસાથી ગુજરાતમાં આવીને સર્જરી કરાવ્યા બાદ જે ૨ મહિના અમે અહીં વિતાવ્યા છે તે બે મહિનામાં અમને ગુજરાતના લોકો ગુજરાતની સંસ્કૃતિથી હુબહુ થવાનો અવસર પણ મળ્યો.

અમે સ્વપ્નેય વિચાર્યુ ન હતું કે, એક સરકારી હોસ્પિટલમાં તબીબોથી લઇ નર્સિંગ અને સફાઇકર્મી સહિતનો તમામ સ્ટાફ આટલો સપોર્ટીવ અને સંવેદનશીલ હોઇ શકે. સિવિલ હોસ્પિટલ તંત્ર સારવાર સાથે સંભાળ અને હુંફ પણ આપે છે. કદાચ તેના પરિણામે જ આજે અમારી સાયનાના સ્વપ્નોને ઉડવા માટે પાંખ મળી છે.

સાયના પોતાના પ્રતિભાવોમાં કહે છે કે, બાળપણથી જ મને ડાયપર પહેરીને ફરવું પડતુ ત્યારે ઘણું સંકોચ અનુભવતી હતી. મારૂ જીવન સામાન્ય બાળકી જેવું ન રહીને અસામાન્ય બની ગયુ હતુ. તે સંકોચમાં પણ નિ:સંકોચપણે જીવીને ક્યારેય હાર ન માની.

મને મારા મોડલ બનવાના સ્વપ્નના જુસ્સાએ આ પીડા સાથે જીવતા શીખવાડ્યું. મને દ્રઢ વિશ્વાસ હતો કે એક દિવસ જરૂરથી આવશે જ્યારે મારી આ સમસ્યાનો અંત આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ મારી વર્ષોની સમસ્યાનો અંત લાવીને મારા સ્વપ્નને તો જેમ પાંખ આપી દીધી હોય તેવો અનુભવ થઇ રહ્યો છે

મારી જેમ દેશમાં ઘણાં બાળકો બ્લેડર એસ્કટ્રોપીની પીડાથી પીડાઇ રહ્યા છે. હું તે તમામ બાળકોને એક જ સંદેશો આપીશ કે સમસ્યા કેટલીય વિકરાળ કેમ ન હોય બસ તેનો જુસ્સાપૂર્ણ સામનો કરવાનો છે. જેમ રાત પછી દિવસ થાય છે તેમજ સમસ્યા ઉદભવી હોય તો તેનું નિવારણ અચૂક થી આવે જ છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડ્ન્ટ ડ઼ૉ.રાકેશ જોષી કહે છે કે, અમારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશી તબીબોના સહયોગથી બ્લેડર એસ્કટ્રોપીના કેમ્પ કરવામાં આવે છે. આ કેમ્પમાં અત્યંત જટીલ પ્રકારની એસ્કટ્રોપીની સમસ્યાથી પીડાતા બાળકોને પીડામુક્ત કરવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે, ભૂપેન્દ્રભાઇ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્યસેવાઓ અને માળખાગત સુવિધાઓમાં અત્યાધુનિકરણ કરીને સર્વાંગીણ વિકાસ સાધવામાં આવ્યો છે. વસુદૈવ કુટુંબકમને સાર્થક કરતા રાજ્ય આરોગ્ય વિભાગની આરોગ્ય સેવાઓનો લાભ ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યના પીડિત દર્દીઓ સુપેરે મેળવી રહ્યા છે.

ગુજરાતના આરોગ્ય મોડલે દેશના અન્ય રાજ્યો માટે પણ ઉદાહરણરૂપ બન્યું છે. કેન્સર, કિડની, હ્યદયરોગ સહિતની અન્ય ગંભીર પ્રકારની બિમારીઓની સારવાર ક્ષેત્રમાં ગુજરાતનું આરોગ્યક્ષેત્ર અક્લપનીય કામગીરી કરી રહ્યું છે. -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.