Western Times News

Latest News from Gujarat India

કોરોના મહામારીથી ઉદ્યોગ-ધંધાઓને વિપરીત અસર છતાં આર્થિક ક્ષેત્રે ગુજરાત દેશમાં ટોચ પર: મુખ્યમંત્રી

સુરેન્દ્રનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-૨૦૨૨નાં બીજા સંસ્કરણનો શુભારંભ કરાવ્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કોન્કલેવને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં દૂરંદેશી અને સતત પ્રયાસોનાં પરિણામે ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસનું મુખ્યકેન્દ્ર બન્યું છે.

આ પ્રયાસોનાં પરિણામે જ આજે દેશમાં બિઝનેસ કરવા માટે સૌથી વધુ પસંદગીનાં રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે.ગુજરાત સરકાર વેપાર-ઉદ્યોગોનાં વિકાસ માટે તેમને કૌશલ્યયુક્ત માનવ સંસાધનોની સરળ ઉપલબ્ધિ, આંતરમાળખાકીય સુવિધાઓનો સતત વિકાસ, પ્રક્રિયાનાં સરળીકરણ સહિતનાં ક્ષેત્રોમાં સતત સુધારાઓ લાવી રહી છે.

જેનાં પરિણામે કોરોના મહામારીનાં કારણે ઉદ્યોગ-ધંધાઓને વિપરીત અસર છતા આર્થિકક્ષેત્રમાં દેખાવની રીતે ગુજરાત દેશમાં ટોચ પર છે.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક અને વેપારી પ્રવૃતિઓનાં સંચાલન અને વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે અને તે દિશામાં અવિરત પ્રયાસો યથાવત રહેશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાનાં સ્વપ્નને પૂર્ણ કરવામાં ગુજરાત તેનાં ઉદ્યોગ સાહસિકોની મદદથી આગળ રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.વડાપ્રધાનશ્રીની પરિકલ્પના દેશનાં દરેક છેવાડાનાં માનવી સુધી સરકારી લાભો સરળતાથી પહોંચે તેવી વ્યવસ્થા ઉભી કરવાની છે અને ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યુ છે ત્યારે દરેક જિલ્લો આ વિકાસયાત્રામાં સમાન રીતે આગળ વધે તે સુનિશ્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં રહેલી તકો વિશે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કૃષિ આધારિત ઉદ્યોગોનાં વિકાસની વિપુલ સંભાવના છે ત્યારે સરકાર દ્વારા ટેક્સટાઈલ પાર્કની સ્થાપના જેવા પ્રકલ્પો વિકસાવવા માટે પૂરતા શકય પ્રયાસો કરવામાં આવશે.આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ એક આવકારદાયક નવિન પહેલ છે, જે વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લાને પ્રગતિ માટે એક સુંદર પ્લેટફોર્મ પૂરુ પાડશે. ગુજરાત રાજ્ય વિદેશી મૂડી રોકાણ ક્ષેત્રે અગ્રેસર છે તેમ જણાવતા કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ગુજરાતમાં ઉદ્યોગોનો વ્યાપ વધે, નવા ઉદ્યોગો સ્થપાય, મૂડીરોકાણની તકો સર્જાય તેવા ઉમદા હેતુથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરવામાં આવી હતી.

આજે દેશના અન્ય રાજ્યો આ વાઈબ્રન્ટ સમિટનું અનુકરણ કરી રહ્યા છે. સરકારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાનાં નીર ઉપલબ્ધ કરાવતા હવે સૂકોભઠ્ઠ પ્રદેશ હવે હરિયાળો બનશે અને કૃષિ પેદાશો આધારિત ઉદ્યોગોનાં વિકાસની અનેક તકો જિલ્લામાં સર્જાશે.hs3kp

Copyright © All rights reserved. | Developed by Aneri Developers