Western Times News

Latest News from Gujarat India

કુટુંબની ટુંકી આવકને લીધે ગર્ભાવસ્થામાં ઘર ખર્ચના લીધે બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડતી હતી

બહેનો માટે આશીર્વાદરૂપ બની છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના -માતા અને બાળકની દેખભાળ કરવામાં આ યોજનાથી થઈ છે સરળતા

વડોદરા, મહુવડના કિરણબેન રાણા કહે છે. “સરકારની કોઈપણ યોજના અમારા જેવા જરૂરિયાતમંદ લોકો માટે કોઈ ને કોઈ રીતે મદદરૂપ નીવડી છે. સરકારે કરેલી નાણાકીય સહાયથી હવે બચત પણ થાય છે.”

આપણી અર્થવ્યવસ્થા સામાન્ય જીવન સાથે જોડાયેલી છે.જેની અસર સમગ્ર દેશના અર્થતંત્ર પર પડતી હોય છે.તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક મજબૂતી માટે સરકારે ઘણી નાણાંકીય સહાય યોજનાઓ કાર્યરત કરી છે. એમાં પી. એમ. માતૃ વંદના યોજના અંતર્ગત ગર્ભવતી બહેનોને પણ આર્થિક મદદ મળી રહે તે હેતુથી વાર્ષિક ૩ હપ્તામાં તેઓના ખાતામાં રૂ.૫૦૦૦/- જમા કરવામાં આવે છે.

એનો મુખ્ય આશય ગર્ભવતી બહેનો તેમજ ગર્ભસ્થ બાળકને પૂરતું પોષણ મળી રહે તેમજ આર્થિક મદદ થાય એ છે.પ્રથમ હપ્તો રૂ.૧૦૦૦ નોંધણી વખતે, બીજો હપ્તો રૂ.૨૦૦૦ પ્રસુતિ વખતે તેમજ ત્રીજો હપ્તો રૂ.૨૦૦૦ પ્રસુતિ પછી એમ ત્રણ હપ્તા વડે લાભાર્થીના ખાતામાં સીધા જમા કરી દેવામાં આવે છે.

કુટુંબની ટુંકી આવકને લીધે ગર્ભાવસ્થામાં ઘર ખર્ચની સાથે માતા અને બાળકના આરોગ્યની સંભાળના ખર્ચને લીધે બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી પડતી હતી. તેવા સમયે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ મળેલી સહાય થી ઘર ચલાવવામાં મુશ્કેલી ન પડી અને જરૂરી દવાઓ,પોષક આહાર લેવાનું પણ સરળ બન્યું એવી તેમની લાગણી છે.

મહુવડ, પાદરા ખાતે રહેતા કિરણબેન રાણા આ યોજના વિશે જણાવતા આનંદની લાગણી અનુભવે છે.તેઓ આ યોજનાનો લાભ મેળવ્યા પછી ઘરમાં આર્થિક રીતે બચત પણ કરતા થયા. ઉપરાંત ઘરમાં અન્ય રીતે પણ સરકારે આપેલ નાણાં સહાયરૂપ બન્યા. જેમકે દવાઓ ખરીદવા, દવાખાનાનો ખર્ચ જેવી મહત્વની બાબતો અંગે ઘણી મદદ થઈ છે.

તેમના પતિ કંપનીમાં કામ કરે છે.તેઓએ પણ કિરણબેનને  સરકારી સહાય મેળવવામાં બનતી મદદ કરી હતી. પહેલાં જયારે તેઓ ભાડેના મકાનમાં રહેતાં ત્યારે ભાડુ , ઘરખર્ચ, અન્ય પરચુરણ ખર્ચ થતાં નાણાકીય ખોટ વર્તાતી હતી.દવાખાને જવા-આવવાનો ખર્ચ વધી જતો હતો.કિરણબેનનાં માતા મૂંજપુર આંગણવાડીમાં કાર્યકર છે,એમના થકી પી. એમ. માતૃ વંદના યોજના અંગેની જાણ થતાં ત્યાં જ રજીસ્ટ્રેશન કરાવ્યું.

સહાય મેળવ્યા પછી હવે તેઓ ખુબ જ ખુશ છે.તેઓ વધુમાં જણાવે છે કે “મારી દીકરી માટે વ્હાલી દીકરી યોજનાનોય લાભ લઈશું.આવી યોજનાઓ દ્વારા સરકાર અમારા જેવા લોકો માટે મદદે આવી છે તો દરેક લોકોએ તેનો લાભ લેવો જોઈએ.આ યોજના ખરેખર ફાયદાકારક છે.” એમ જણાવતાં કિરણબેન સરકારશ્રી નો ખુબ આભાર વ્યક્ત કરે છે અને કહે છે કે, બહેનો માટેની આવી યોજનાઓ થતી રહે તો દરેક ઘરમાંથી મુશ્કેલીઓ જતી રહેશે.

આપણી સરકાર કે જેણે આમ જનતાની ચિંતા કરી એમની પરિસ્થિતિ જાણી, સમજી અને અનુભવીને તેનો ઉકેલ લાવવા માટે અનેક બનતા પ્રયાસો કર્યા. એ પછી શિક્ષણને લગતા, ખેતીને લગતા કે આરોગ્યને લગતા હોય સરકાર હંમેશ માટે સામાન્ય જનતાના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યશીલ રહી છે અને એનો અર્થસભર પુરાવો ભારતભરના છેવાડાના લોકોનેય સરકારશ્રી તરફથી મળતા લાભ છે. આલેખન – કાકુલ ઢાકીઆ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers