Western Times News

Gujarati News

કેન્દ્રના મંત્રાલયોમાં 10 લાખથી વધુ સ્થાનો પર ભરતીનો પ્રધાનમંત્રીનો આદેશ

વડાપ્રધાન દ્વારા કેન્દ્રના તમામ મંત્રાલયોના ખાલી પદોની સમીક્ષા બાદ 10 લાખથી વધુ સ્થાનો પર ભરતીનો આદેશ

નવી દિલ્હી: દેશમાં કોરોના કાળ તથા હાલના આર્થિક પડકારો વચ્ચે વિકાસ દર જાળવી રાખવા તથા રોજગારી સહિતના ક્ષેત્રે હવે મોદી સરકાર એકશનમાં આવી ગઈ છે અને એક તરફ દેશમાં રોજગારીમાં નંબર વન ગણાતા રેલવે દ્વારા મોટાપાયે આધુનિકરણ અને નવીનીકરણના કારણે નવી રોજગારી સર્જનમાં તેનો ફાળો આગળ વધારી રહી છે

તે વચ્ચે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા એક સપ્તાહમાં કેન્દ્રના વિવિધ વિભાગો તથા સરકારી સાહસોના માનવ સંસાધન વિભાગો સાથે સમીક્ષા કર્યા બાદ આગામી દોઢ વર્ષમાં 10 લાખ નોકરી માટે નિર્ણય લીધો. વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા ટવીટ કરીને અપાયેલી માહિતી મુજબ શ્રી મોદીએ તમામ મંત્રાલયોને મીશન મોડ પર રહેવા અને દોઢ વર્ષમાં 10 લાખ પદો પર ભરતી કરવા સૂચના આપી છે.

કોરોના સહિતના કારણોથી અટકી પડેલી સરકારી ભરતીઓમાં હવે ઝડપ: પી.એમ.ઓ.નું ટવીટ

ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં અર્થતંત્ર રફતાર પકડી લેશે અને તેની ખાનગી સહિતના ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન થશે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ હતું કે માર્ચ 2020ની સ્થિતિએ કેન્દ્રના વિવિધ વિભાગોમાં 8.72 લાખ પદો ખાલી છે અને હવે તે 10 લાખ સુધી પહોંચી ગયો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં કોરોના સહિતના કારણોથી ફકત અત્યંત મહત્વના સ્થાનો પર જ નિયુક્તિ થઈ હતી પણ હવે તમામ પદો જે ખાલી છે તેની સમીક્ષાની સાથે ટેકનીકલ સહિતના પદો પર નિયુક્તિ કરવામાં આવશે. સરકારના વિવિધ વિભાગોમાં કુલ 40 લાખથી વધુ પદો છે જેમાં 31.32 લાખ પદો પર કર્મચારીઓ કાર્ય કરે છે અને હવે આ ખાલી પદો માટે આગામી દિવસોમાં મોટાપાયે ભરતી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.