Western Times News

Gujarati News

પિતાએ પોતાની કમાણીમાંથી ખરીદેલી સંપતિમાં પુત્રીનો સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ

Supreme court of India

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે પુત્ર અને પુત્રી વચ્ચેના વધુ એક અંતરને સમાપ્ત કરતા આપેલા ચુકાદામાં જણાવ્યું કે પિતાની સ્વઅર્જિત (ખુદની કમાણી)ની સંપતિમાં પુત્ર-પુત્રીને સમાન અધિકાર રહેશે. કર્ણાટક હાઈકોર્ટ અગાઉ આવેલા એક ચુકાદાને રદ કરતા સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ. એ. નઝીર અને વિક્રમ નાથની ખંડપીઠે ટ્રાયલકોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો.

અગાઉ કર્ણાટક હાઈકોર્ટે પુત્રીને પિતાની સંપતિમાં ફકત 25% જ ભાગ આપતો ચુકાદો આપ્યો હતો. આ કેસમાં કર્ણાટકના પ્રતન્ના નામના વ્યક્તિ પાસે પિતાના વારસાની અને સ્વઅર્જિત બન્ને પ્રકારની મિલ્કતો હતી. 1974માં તેમના નિધન બાદ પુત્રીએ પિતાની મિલ્કત માટે 1990માં એક દાવો દાખલ કર્યો હતો અને ટ્રાયલ કોર્ટે પિતાની સ્વઅર્જિત (ખુદની કમાણીમાંથી મેળવેલી મિલ્કતો) મિલ્કતમાં સમાન હિસ્સો આપતો ચૂકાદો આપ્યો હતો.

ટ્રાયલ કોર્ટના વિસ્તૃત ચુકાદા મુજબ પુત્રીને પિતાની વારસાગત મિલ્કતમાં 25% અને પિતાની સ્વઅર્જિત મિલ્કતમાં 50% હીસ્સો આપવા જણાવ્યું હતું પણ હાઈકોર્ટે આ ચુકાદો રદ કરતા પિતાની સ્વઅર્જિત મિલ્કતમાં પુત્રીને 25% હિસ્સો આપવા જણાવ્યું હતું. હાઈકોર્ટે પુત્રની એ દલીલ સ્વીકારી કે પિતાની સ્વઅર્જિત મિલ્કતમાં પુત્રીને કોઈ હિસ્સો મળતો નથી.

ખાસ કરીને ખેતીની જમીન જેમાં પુત્ર અગાઉ તેના પિતા સાથે ખેતીકામ કરતો હતો અને તેથી તેમાં પુત્રીનો હકક-હિસ્સો રહેતો નથી. આ ઉપરાંત એ પણ દલીલ કરી હતી કે પુત્રીના લગ્નમાં પિતાએ મોટો ખર્ચ કર્યો હતો અને તેને એક એકર જમીન પણ અલગથી ખરીદી આપી હતી.

જો કે સર્વોચ્ચ અદાલતે તે તમામ મુદાઓને અવગણતા આપેલા ચૂકાદામાં જણાવ્યું કે પિતાની સ્વઅર્જિત મિલ્કતમાં સંતાનોનો સમાન હિસ્સો રહે છે અને તે હવે પુત્રીને પણ સમાન હિસ્સો મળશે જે સંપતિ એ પિતાની સ્વઅર્જિત છે તેમાં પુત્રીનો પણ હિસ્સો રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.