૧૩૦૦ કરોડના કૌલસા કૌભાંડમાં અભિષેક બેનર્જીની પત્નીની CBI દ્વારા પૂછપરછ
કોલકતા, પશ્ચિમ બંગાળ સાથે સંબંધિત કોલસા કૌભાંડના મામલામાં સીબીઆઇની એક ટીમ આજે દક્ષિણ કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જીના ઘરે પહોંચી હતી. આ કૌભાંડના સંબંધમાં ટીમ અભિષેક બેનર્જીની પત્ની રૂજીરા બેનર્જીની પૂછપરછ કરી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ૧૩૦૦ કરોડ રૂપિયાના કાળા નાણાંની લેવડ-દેવડના સંકેત મળ્યા છે. આનો મોટો હિસ્સો રાજયના પ્રભાવશાળી લોકોના વિદેશી બેંક ખાતાઓમાં જમા થયો હતો.
આ કેસમાં અભિષેક અને રૂજીરાની પૂછપરછ થઇ ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિવેદનોમાં વિસંગતતા મળ્યા બાદ નવેસરથી તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડ બંગાળમાં કોલસાની ખાણોમાંથી કોલસાની કથિત ચોરી સાથે સંબંધિત છે. આ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અગાઉ બેનર્જી દંપતિની પૂછપરછ કરી ચૂકયું છે. આ કૌભાંડની સીબીઆઇ અને ઇડી દ્વારા લાંબા સમયથી તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ માર્ચમાં ઇડીએ તૃણમૂલના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની દિલ્હીમાં આઠ કલાક પૂછપરછ કરી હતી. મની લોન્ડરિંગ એકટ હેઠળ ઇડીએ બેનર્જીનું નિવેદન નોંધ્યું હતું અને તપાસકર્તાઓ દ્વારા તેમની સમક્ષ કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા.
બેનર્જીના ઘરે પહોંચેલી સીબીઆઇની આઠ સભ્યોની ટીમમાં એક મહિલા અધિકારી પણ છે. ટીમ મંગળવારે સવારે ૧૧.૩૦ વાગે કોલકાતામાં હરીશ મુખર્જી માર્ગ સ્થિત બેનર્જીના નિવાસસ્થાન ‘શાંતિનિકેતન’ પહોંચી હતી.
કહેવામાં આવી રહયું છે અભિષેક બેનર્જી ત્રિપુરાના પ્રવાસે છે. સીબીઆઇ દ્વારા રૂજીરાની બીજી વખત પૂછપરછ કરવામાં આવી રહી છે. પશ્ચિમ બંગાળની શાસક પાર્ટી તૃણમૂલ કોંગ્રેસએ રૂજીરા બેનર્જીની સીબીઆઇની પૂછપરછને રાજકીય બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું છે. ટીએમસીએ ટવીટ કરીને કહયું, ‘કેન્દ્ર દ્વારા રાજકીય બદલો શરમજનક છે! અમારા જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી અગરતલા પહોંચ્યા કે તરત જ રિમોટ ઓપરેટેડ સીબીઆઇ એકશનમાં આવી ગઇ.
ભાજપનો ડર સ્પષ્ટ છે, પરંતુ અમે ઝૂકીશું નહી. સીબીઆઇએ નવેમ્બર ૨૦૨૦માં આ કેસમાં એફઆઇઆર નોંધી હતી. તેના આધારે ઇડીએ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ એફઆઇઆરમાં આસનસોલ અને તેની નજીકના કુનુસ્ટોરિયા અને કજાેરા વિસ્તારોમાં ઇસ્ટર્ન કોલફિલ્ડ લિમિટેડની ખાણોમાંથી કરોડો રૂપિયાનો કોલસાની દાણચોરીનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કોલસાની ખાણ સંચાલક અનૂપ માંઝી ઉર્ફે લાલા આ કેસમાં મુખ્ય આરોપી છે.HS2KP