Western Times News

Latest News from Gujarat India

‘ફાધર્સ ડે’ પિતાનું મહત્વ હજી પણ આપણે સમજી શક્યા નથી

દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જાેવા ઉંબરા ઘસતા પિતા, ઘરનાં લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલાં ગ્રેટ હોય છે, ખરું ને? ..પિતાનું મહત્વ કોને સમજાય છે?

દર સાલની માફક આ વર્ષે પણ ‘ફાધર્સ ડે’ સંતાનો પિતાજીને યાદ કરીને તારીખ ૧૯ મી ઓગષ્ટ ૨૦૨૨, રવિવારે ઉજવશે. પિતાજીએ આપેલા સંસ્કાર, શિખામણ તથા હિમ્મત વારસામાં મળેલ પૂંજીને પોતાના જીવનમાં ઉતારે છે જેથીસંતાનો આ દિવસે જીવંત પિતાજીને પોતાની લાગણીથી ભરપૂર ભેટ સમર્પણ કરતા હોય છે,  અને સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને તેમની છબી પર હાર ચઢાવીને તેમના આત્મા માટે પ્રાર્થના કરે છે. પિતા એ પિતા છે જે આપણા જીવનનાં નાયક છે તે ભૂલાવું ન જાેઇએ.

ઘણા વર્ષો પહેલાં આ દિવસની ઉજવણી સેરીના નામની દીકરીએ શરું કરી હતી. સેરીના તથા તેના નાના ભાઇને માની ગેરહાજરીમાં તેમના પિતાજીએ એકલાં હાથે ઉછેર કર્યો હતો. તેથી સેરીનાએ ફાધર્સ ડે ઉજવવાનું નક્કિ કરેલ અને ત્યારથી આ દિવસની ઉજવણીની પ્રણાલિકા ચાલું થઇ છે.

પપ્પાથી ઘણા સંતાનોને બીક લાગે છે કેમ કે પપ્પા ઘણી વખત કડક સ્વભાવના હોય છે તો ઘણા સંતાનોને પપ્પા દોસ્ત જેવા લાગે છે. અલબત્ત દરેક પિતાને સંતાનો પ્રત્યે વિષેશ પ્રેમ હોય જ છે. કોઇક સંતાનોને અમુક વખત લાગતું હશે કે પપ્પાને અમારા માટે સમય જ નથી. પણ સંતાનોએ સમજવું જાેઇએ કે પપ્પા સંતાનોના ભવિષય માટે જ મહેનત કરીને કમાય છે જેથી સંતાનોના ભણતર માટે તથા તેમની માગણીઓ પુરી કરવા માટે સમય આપે છે.

જે પિતા સંતાનો માટે આટલું બધું કરતા હોય તો સંતાનોએ પણ પપ્પાને ખુશી મળે એવા કામ કરવા જાેઇએ જેથી પપ્પાને સરપ્રાઇઝ આપવા માટે આ દિવસની ઉજવણી દરેક દેશમાં શરૂ થઈ છે. પપ્પાનો આભાર વ્યક્ત કરવા તથા શુભેચ્છા આપવા માટે સંતાનોએ શો રૂમમાંથી સુંદર કાર્ડ આપતા હોય છે કે પોતે સરસ મઝાનું કાર્ડ પોતે બનાવીને આપતા હોય છે.

તે દિવસે પપ્પા માટે ચા તથા સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને પીરસવામાં આવે છે અને સાથે સાથે સરસ પ્રેઝન્ટ પણ પપ્પાને આપીને ખુશી વ્યક્ત કરવામાં આવે છે. પિતાનું મહત્વ હજી પણ આપણે સમજી શક્યા નથી જે છે આપણા જીવનનાં શૂરવીર નાયક.

દરેક સંતાન માટે પિતા સર્વશ્રેષ્ઠ હીરો હોય છે. ધરમાં એવી કોઇ વ્યક્તિ હોય છે જે પરિવારના સંતાનોની માગણી પૂરી કરે છે. મિત્ર બનીને મસ્તી-મજાક કરે છે. રમત રમે છે એ છે પપ્પા.. પપ્પા કેટલા સારાં લાગે છે. સંતાનો માટે ઘરમાં નવી નવી વસ્તુઓ લાવી આપે છે. બાળક માટે ઘોડો બનીને પોતાની પીઠ ઉપર બેસાડે છે. બાળકને બહાર ફરવા લઇ જાય છે.

પપ્પાનો દિવસ ‘ફાધર્સ ડે’;તરીકે ઉજવાય છે આ દિવસની ઉજવણી સેરીના નામની લેડીએ શરુ કરી હતી. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે. આ દિવસે સંતાન પિતાને સરપ્રાઇઝ આપે છે જેમ કે હાથથી બનાવેલું શુભેચ્છા કાર્ડ આપે છે તો કોઇ સંતાન ચા-પાણી તથા નાસ્તો તેમને બનાવી આપે છે તો કોઇ સંતાન મા-બાપને તેમની મન-ગમતી હોટલમાં ડીનર માટે લઇ જાય છે. તથા પિતાએ જાેએલા સપનાઓ પૂરા કરવા વચન આપે છે આનાથી કઇ મોટી ભેટ હોતી નથી ‘પપ્પા માટે જે કરશું તે ઓછું જ છે’

માતા ઘરનું માંગલ્ય ગણાય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે પણ ઘરનાં આ અસ્તિત્વને આપણે ક્યારે સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતા પણતેના વિષે ખાસ લખવામાં આવતું નથી કે બોલવામાં આવતું નથી.

કોઇ પણ વ્યાખાનકાર માતા વિષે બોલ્યા કરે છે. સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશે જ વધારે કહે છે. દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગાયા છે. લેખકો તથા કવિઓએ પણ માતાના ખૂબ વખાણ કર્યા છે. સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે.

પણ ક્યાંય પિતા વિશે બોલાતું નથી. કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે જેમ કે તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારાજ હોય છે. પણ અવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશે જ પણ સારા પિતાઓ વિશે શું લખાયું છે?
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દિવાલ હોય છે.

માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધું મહેનત કરવી પડે છે કારણ કે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છે ને! પણ શ્રેય તો હમેંશા દીવાને જ મળે છે.
રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પરંતુ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઇએ છીએ?..

બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાતે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે છતા આપણા પિતા રડી શકતા નથી કારણ કે નાના ભાઇ બહેનોને તેમને સાચવવાના હોય છે. પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે. પત્નિ અડધે રસ્તે સાથ છોડીને દુનિયામાંથી જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે.

જીજાબાઇએ શિવાજીને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જાેઇએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જાેઈએ. દેવકી-યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ. રામ કૌશલ્યાનો પુત્ર છે પણ પુત્રના વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતાં.

પિતાના ઠેક ઠેકાણે સંધાયેલા જાેડા જાેઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જાેઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે. તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા-દકરીને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જૂનો પાયજામો જ પહેરશે. સંતાનો સો થી બસો રૂપિયા પાર્લર કે સલુનમાં જઇને બીલ કરશે પણ તેમના જ પિતા દાઢીનો સાબુ ખલાસ થઇ ગયો હશે તો નહાવાનાં સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીને દાઢી કરી લેતાં હોય છે.

પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને જતાં નથી તે માંદગીથી ડરતા નથી પણ જાે ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે. ઘરમાં આવકનું બીજું કોઇ પણ સાધન હોતું નથી.

પંહોચ હોય કે ન હોય પણ દીકરાને એન્જિનીયરિંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે. ખેંચ ભોગવીને પણ સંતાનને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે. પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તે જ તારીખે પરમીટ રૂમમાં પાર્ટી આપે છે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે. પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.

જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઇ પણ ઉંચી આંખ કરીને જાેઇ શકતું નથી કારણ કે તે ઘરના કર્તાહર્તા જીંવત છે. જાે તેઓ કંઇપણ કરતા ન હોય તો પણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે અને ઘરના કામકાજ સંભાળતા હોય છે.

માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધે જ અર્થ મળે છે એટલે કે પિતા હોય તો જ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઇ પણ પરિક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સહુથી નજીકની લાગે છે કારણ કે તેની બાજુમાં લે છે. વખાણ કરે છે તથા આશિષ આપે છે

પણ ગુપચુપ જઇને પેંડા લાવનારા પિતા કોઇના ધ્યાનમાં રહેતા નથી. બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઇને આમથી તેમ આંટા મારનારા એ આવનાર બાળકના પિતાની કોઇ નોંધ લેતું નથી.

દાઝી ગયા, ઠેસ લાગી કે માર વાગ્યો કે તરત જ ‘ઓ મા’ અ શબ્દો મોઢામાંથી બહાર પડે છે પણ રસ્તો ઓળંગતા એકાદ ગાડી કે ટ્રક નજીક આવીને જાેરથી બ્રેક મારે તો ‘બાપ રે’ આ જ શબ્દ બહાર પડે છે. નાના સંકટો માટે મા યાદ આવી જાય પણ મોટી સમસ્યાઓનાં વાદળો ઘેરાય છે ત્યારે પિતા જ યાદ આવે છે. કોઇ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે પણ મરણનાં પ્રસંગે પિતાએ જ જવું પડે છે.

પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહું જશે નહિ પણ દીકરી ગરીબ કે સાધારણ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે તો ચોક્કસ દીકરીના ઘરનાં ચક્કર કાપશે. યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જાેઇને મધરાત સુધી ઉજાગરા કરતાં હોય છે.

દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જાેવા ઉંબરા ઘસતા પિતા, ઘરનાં લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલાં ગ્રેટ હોય છે, ખરું ને? ..પિતાનું મહત્વ કોને સમજાય છે?

બાળપણમાં જ પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમ્મરમાં સંભાળવી પડે છે.તેને એક એક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે ઘરની દીકરી! સાસરે ગયેલી કે ઘરથી દૂર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત ઓરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે…

મારા બાળપણમાં મેં જાેયેલું અને જાણેલું કે મારા પિતાજી ઈ. સ.૧૯૪૦ થી ૧૯૫૦નાં સમયના ગાળામાં ધંધાર્થે સ્ટીમરમાં રંગુન અવારનવાર મુસાફરી કરતા હતા તે દરમિયાન તેઓએ વાંચન તથા લેખણનો શોખ કેળવેલો હતો. તેમના અક્ષર મોતીનાં દાણા જેવા હતાં. તેમને લેખો લખવાનો તથા કવિતાઓ રચવાનો શોખ હતો. કાળા માથાનો માનવી જાે ધારે તો શું ન કરી શકે? માનવીએ પોતાનું મનોબળ મજબૂત રાખવું જાેઇએ અને કોઇ પણ સંજાેગોમાંથી પસાર થતાં ગભરાવું નહિ તેવું તેમનું માનવું હતું.

એ સિદ્ધાંતોને મેં મારા જીવનમાં ઉતારવાનો સાર્થક પ્રયત્ન કરેલ છે. મારી કિશોરાવસ્થામાં તથા આજે પણ ખોટી વસ્તુઓ સામે હું સંઘર્ષ કરતો હતો અને કરતો રહીશ…

કહે શ્રેણુ આજ
‘મળી પ્રેરણા મુજને માતા-પિતા થકી બાળપણથી જીવનમહિ’
‘સાંખી ન લેતો તું, અન્યાય કે અપમાનને, અનીતિ કે આરાતીને કદી’
‘મળી શિખામણ મુજને, વહોરી ન લેતો કોઇની નારાજગી કદી’
‘કરી લે જે કોઇની ભલાઇ તું, પણ કરીશ ન કોઇની બુરાઈ કદી’
‘જીવનભર હું મારા પપ્પાને ભૂલી શકીશ નહિ. આજે ફાધરર્સ ડે ના દિવસે હું એમને વંદન કરું છું.’
‘પપ્પા માટે જે કરશું તે ઓછું જ છે’

Copyright © All rights reserved. | Developed by Aneri Developers