Western Times News

Latest News from Gujarat India

લોકલ ક્રાઈમ બ્રાન્ચે મ.પ્ર.ની પુષ્પા ગેંગના ત્રણને ઝડપ્યા

મહેસાણા, પાછલા કેટલાક સમયથી સાબરકાંઠાના ખેડૂતોએ પોતાના ખેતરમાં રહેલા ચંદનના કિંમતી ઝાડની ચોરી થતી હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશની ‘પુષ્પા ગેંગ’ના ત્રણ શખ્સોને રૂપિયા ૪.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ પુષ્પા ગેંગ ચંદનના લાકડાની ચોરી કર્યા પછી તેને ઉત્તરપ્રદેશના કોનોજમાં સગેવગે કરતા હતા. હવે પોલીસે આ મામલે વધુ તપાસ કરતા અન્ય કેટલાક રહસ્યો ખુલશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચંદનના લાકડાની ગામમાં ઓળખ કર્યા પછી તેની ચોરી માટેનો પ્લાન ઘડવા માટે સવારે આરોપીઓ એક ખાસ કામ કરતા હતા. એક આરોપીએ પુષ્પા ફિલ્મના પોસ્ટરવાળી ટીશર્ટ પણ પહેરેલી હતી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓએ ફિલ્મ પરથી કિંમતી લાકડાની ચોરીનો પ્લાન બનાવ્યો હશે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં ચંદનના ઝાડને કાપીને તેના લાકડાની ચોરી કરવામાં આવતી હોવાની ઘણી ફરિયાદ નોંધાઈ હતી,

આ સિવાય ઈડર તાલુકાના સૂર્યનગર કંપા, જાદર તથા હિંમતનગરની સબજેલ પાસેના ફોરેસ્ટ અધિકારીના ક્વાર્ટર્સમાં ઉછરેલા ચંદનના ઝાડ પણ કપાતા હોવાના બનાવને પોલીસે ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી હતી.પોલીસે ચંદનના છોડની ચોરીની ઘટનાઓ પર બ્રેક મારવા માટે એક ટીમ બનાવીને તપાસ શરુ કરવામાં આવી હતી, જેમાં જૂના ગુનેગારોની તપાસ સહિત ટેક્નિકલ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી હતી. એક્શન પ્લાનના આધારે તપાસને આગળ વધારવા માટે પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હતું.

જેમાં મંગળવારે રાત્રે ઈડર-ભિલોડા હાઈવે પર મોહનપુરા ફાટક પાસે શંકાસ્પદ જણાતા ત્રણ લોકોની પૂછપરછ કરતા મોટો ભેદ ઉકેલાયો છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે પુષ્પા ગેંગના સાગરીતો છેલ્લા અઢી મહિનાથી ઈડર પાસે આવેલા બાલાજી કોમ્પ્લેક્સની પાછળ આવેલા મેદાનમાં રહેતા હતા. આ ગેંગ સભ્યો ચાંડપ, સૂર્યનગરી કંપા, બડોલી, ફિંચોડ સહિતના ગામોમાંથી ખેડૂતોએ ખેતરમાં ઉગાવેલા ચંદનના વૃક્ષો કાપીને લઈ જતા હોવાનુ કબૂલ્યું છે.

ચંદનના કિંમતી લાકડાની ચોરી કર્યા પછી તેને સંતાડવા માટે જમીનમાં પણ દાટી દેતા હતા. આરોપીઓએ ચંદનના લાકડાની ચોરીના ૭ ગુનાની કબૂલાત કરી છે.પોલીસે ગેંગની ધરપકડ કરીને કરેલી તપાસમાં સામે આવ્યું છે કે ચંદનના લાકડાની ચોરી કર્યા પછી ઉત્તરપ્રદેશના કનોજના સમીર નામના શખ્સને તનું વેચાણ કરવામાં આવતું હોવાનું આરોપીઓએ કબૂલ્યું છે હવે પોલીસ આ ચંદનચોર માસ્ટર માઈન્ડ સમીરને પકડી પાડવા માટે પણ કાર્યવાહી કરશે.

પુષ્પા ગેંગના સભ્યો ચંદનના છાડ ક્યાં આવેલા છે અને તેની ચોરી કઈ રીતે કરવી તેનો પ્લાન ઘટવા માટે ગામમાં જવા માટે પણ એક ટ્રીક બનાવી હતી. આ સભ્યો સવારે રૂદ્રાક્ષ વેચવાના બહાને ગામોમાં ફરતા હતા અને પછી રાત્રે કઈ રીતે ઝાડ કાપીને લાકડું ચોરી શકાય તેનો પ્લાન બનાવતા હતા. પછી જેટલું લાકડું ચોરી જવાય તેટલું ચોરી જતા હતા અને બાકીનો જથ્થો જમીનમાં દાટી દેતા હતા.

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પુષ્પા સ્ટાઈલમાં ચંદનની ચોરી કરતી ગેંગને પકડી પાડીને ચંદનનું ઝાડ કાપવા માટે ઉપયોગમાં લેવાતી ૪ કરવત, ૧ કુહાડી, ૨ કિલોગ્રામ ચંદનનું લાકડું, મોટર સાઈકલ, ૫ મોબાઈલ ફોન મળીને ૪,૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ શખ્સો ચોરેલા ચંદનના લાકડાને બારોબાર વેચીને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હતા.ss2kp

Copyright © All rights reserved. | Developed by Aneri Developers