Western Times News

Latest News from Gujarat India

બોપલની સ્ટર્લિંગ સીટીની બદતર હાલત ક્યારે સુધરશે?

વહીવટદાર દ્વારા પણ સોસાયટીમાં ચૂંટણી યોજી સોસાયટીનો વહીવટ સોસાયટીના ચૂંટાયેલા સભ્યોને સોંપવા માટે જે ઝડપી કામગીરી થવી જાેઈએ તે થતી નથી.

(પ્રતિનિધિ )અમદાવાદ, બોપલ વિસ્તારમાં આવેેલી સૌથી વધારે મકાનો ધરાવતી ‘સ્ટર્લિંગ સોસાયટી’ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાબા હેઠળ આવવા છતાં ઘણી ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે.

સમગ્ર સોસાયટીમાં કોર્પોરેશન દ્વારા રોડ-ગટર લાઈન-પીવાના પાણી વગેરે કામોના અધકચરા કામોથી કદાચ આ ચોમાસામાં સોસાયટીના નાગરીકોને પુષ્કળ મુશ્કેલીઓનો સામનો કરવો પડે અને કદાચ ખરાબ રસ્તાઓને કારણે નાના-મોટા ખાડાઓ આ વિસ્તારમાં પડતા નાગરીકોમાંથી કોકનો ભોગ લે તો નવાઈ નહી.

છેલ્લા કેટલાંક વર્ષથી આ સોસાયટીના વહીવટ માટેે સરકારે વહીવટદાર નીમી દીધા અને વહીવટદારોની કામગીરી સરકારી કામકાજની જેમ ચાલતી હોવાના પરિણામે આ વિસ્તારમાં રહેતા નાગરીકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

નાગરીકોની માંગણીઓની વારંવાર રજુઆતો છતાં તંત્ર દ્વારા ઉદાસીનતાથી આવનારી ચૂંટણીમાં નુકશાન થાય એવી ભીતિ

વહીવટદાર દ્વારા પણ સોેસાયટીમાં ચૂંટણી યોજી સોસાયટીનો વહીવટ સોસાયટીના ચૂંટાયેલા સભ્યોને સોંપવા માટે જે ઝડપી કામગીરી થવી જાેઈએ તે થતી નથી. અને સહકારી મંડળીઓના રજીસ્ટ્રારને વારંવાર રજુઆતો કરવા છતાં ર૦૧૮ ના વર્ષથી સોસાયટીના જુદા જુદા સભ્યો દ્વારા ચૂંટણી યોજવાની માંગણીને હજુ સુધી સ્વીકારાઈ નથી. પરિણામે સોસાયટીના પ્રાણપ્રશ્નો ઉકેલવામાં ઘોર બેદરકારી દેખાઈ રહી છે.

કમનસીબે આ સોસાયટીમાં રહેનારા ઘણા રાજકીય આગેવાનો, મોટા બિલ્ડરો, નિવૃત્ત અમલદારો જેવા લોકો રહેતા હોવા છતાં પણ સોસાયટીના પ્રશ્નો બાબતે તે લોકોની ઉદાસીનતાથી સોસાયટીને ઘણુ મોટુ નુકશાન થાય છે તેમની પહોંચ હોવા છતા વહીવટદાર અને રજીસ્ટ્રાર દ્વારા સોસાયટીમાં ચૂંટણીઓ યોજવાનું કોઈપણ કાર્ય ગંભીરતાથી લેવાયુ નથી.

આવી પરિસ્થિતિમાં પણ વધારામાં સોસાયટીની સુરક્ષા માટે પણ ગંભીર પ્રશ્નો સર્જાયા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી સ્ટર્લિંગ સોસાયટીના અંતરીયાળ ભાગોમાં અને રેલ્વે ટ્રેકને પેરેલલ (સમાંતર) મોટા મોટા બિલ્ડરો દ્વારા મોટી મોટી સ્કીમો અમલમાં મુકાઈ છે. જેમાં હજારો મજુરો જુદા જુદા કામ હેઠળ કામ કરતા હોય છે. અને રહેતા પણ હોય છે.

આ મજુરોમાં ભૂતકાળમાં બોપલ પોલીસ દ્વારા ચોરી કરતી ગેંગો પણ અગાઉ પકડાઈ છે. તેમ છતાંય હજુ પણ બોપલ પોલીસ દ્વારા સ્ટર્લિંગ સોસાયટીમાં રહેતા નાગરીકોની સુરક્ષા માટે રાત્રી પેટ્રોલીંગ, પોઈન્ટ પેટ્રોલીંગ જેવી બાબતોએ ઉદાસીનતા દેખાડતા હજુ પણ ચોરીના બનાવોનો સીલસીલો ચાલુ જ રહ્યો છે. જેને અટકાવવા માટે બોપલ પોલીસે જાગૃત થવાની અત્યંત આવશ્યકતા છે.

થોડાક સમય પહેલાં સ્ટર્લિંગના વહીવટદાર દ્વારા બોપલ પોલીસને આ અંગે સુરક્ષા માટે પેટ્રોલીંગ વધારવાની રજુઆત પણ કરાઈ છે. જેનું પણ હજુ કોઈ પરિણામ નહીં દેખાતા હજુ પણ રાત્રીના સમયે મજુરોના વેશમાં આવતા આવા તત્ત્વો રાત્રીના સમયે છુટથી સ્ટર્લિંગમાં મકાનોમાં ચોરીનો સીલસીલો યથાવત રાખ્યો છે.

જેના પરિણામે આ સોસાયટીમાં રહેતા લોકો ભયભીત થઈ ગયા છે. પોલીસ હવે ક્યારેે આ બાબતે ગંભીર બની પગલાં લે તેની આ વિસ્તારના નાગરીકો રાહ જાેઈ રહ્યા છે.

પોલીસ ખાતુ ગંભીરતાથી આ સોસાયટીમાં ભાડે રહેતા ભાડૂઆતો અને કેટલાંક મકાનોના માલિકો દ્વારા કાયદેસર રીતે જે ભાડુઆતની પોલીસ ખાતાને જાણ કરવાની હોય છે જે કરાઈ છે કે નહીં તેની ગંભીરતાથી નોંધ લેવાની જરૂર છે. સોસાયટીના જવાબદાર નાગરીકો પાસેથી જાણવા મળ્યા અનુસાર કેટલાંક મકાનમાં ભાડુઆતો ગેરકાયદેસર રીતે રહી રહ્યા છે કે જે લોકોની જરૂરી માહિતી પોલીસના દફતરે પણ નોંધાઈ નથી. અને સોસાયટીના દફતરે પણ નોંધાઈ નથી. જે આ એક સોસાયટીની સુરક્ષા માટે ગંભીર પ્રશ્ન છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટર વ્યવસ્થાની કામગીરી કેવી થઈ છે તેનો અનુભવ એ આ ચોમાસામાં જ આ વિસ્તારના નાગરીકોને ખબર પડશે તેમાં કોઈ મીનમેખ નથી. આ વિસ્તારના ભાજપના જાગૃત કાર્યકરો-કોર્પોરેટર અને ધારાસભ્યશ્રી આટલી મોટી સોસાયટીની આટલા બધા પ્રશ્નોની ગંભીરતાથી નોંધ લે

તો જ આ સોસાયટીના પ્રશ્નોનો ઝડપથી નિકાલ આવી શકે તેમ છે. અધુરામાં પૂરૂ આ વખતે આવતી ચૂંટણીમાં જાે આ પ્રાણપ્રશ્નો બાબતે સતાધારી પક્ષની ઉદાસીનતા હજુ રહેશેે તો તેની અસર આશરે ચારથી પાંચ હજાર વોટ પર પડે તો નવાઈ નહી.

વડાપ્રધાનની વિકાસની યાત્રામાં કોર્પોરેશનની દ્રષ્ટિમાંથી બોપલની સ્ટર્લીંગ સીટી અદ્રશ્ય કેમ?
(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતના વિકાસમાં અમદાવાદનો વિશેષ ફાળો છે તો દેશના વિકાસમાં ગુજરાતના ફાળા વિશે કંઈ કહેવાની જરૂર નથી. અમદાવાદનો ભૌગોલિક વિસ્તાર વધ્યો અનેક સોસાયટી, ફલેટો, વહેપારી કોમ્પલેક્ષો બન્યા અગર તો બની રહયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના શમણાને સાકાર કરવા અથાગ પ્રયાસ થઈ રહયો છે. ગુજરાતના પનોતા પુત્ર અમીત શાહ પણ વારંવાર અમદાવાદ આવે છે તેઓ વિકાસના કામોની ઝીણામાં ઝીણી વિગતો મેળવતા હશે.

આમ, દેશના બે મહાનુભાવો ગુજરાત સહિત દેશના વિકાસ માટે સતત ચિંતિત છે અને પ્રયત્નશીલ છે પરંતુ કોણ જાણે અમદાવાદના છેવાડાના વિસ્તારો જાણે કે કોર્પોરેશનની અમીદ્રષ્ટિથી અદ્‌શ્ય થઈ ગયા છે કે આ વિસ્તારોની સોસાયટી વિકાસની વ્યાખ્યામાં નથી આવતી ??

વાત છે બોપલની સૌથી મોટી સોસાયટી સ્ટર્લીંગસીટીની ૯૦૦ મકાનોની વિશાળ સોસાયટીમાં રહેતા નાગરિકો પાયાની સુવિધાથી વંચિત હોય તેવુ ચિત્ર ઉપસી રહયુ છે. ૯૦૦ મકાનોની સાથે સાથે ચાર સ્કુલો તથા ચારથી પાંચ મોટી ફલેટોની સ્કીમો આવેલી છે. અહીંયા રહેતા સેંકડો નાગરિકો વિકાસને ઝંખી રહયા છે.

શું તેમના નસીબમાં સારા રસ્તા- ગટર લાઈન તથા સુરક્ષા નથી ?? સ્ટર્લીંગ સીટીની ઉપેક્ષા શા માટે ? કોર્પોરેશનની નજરમાં આ સોસાયટીના વિકાસના કામો કેમ દેખાતા નથી? આ સોસાયટીના નાગરિકો ઈચ્છી રહયા છે કે અન્ય વિસ્તારોના નાગરિકોને મળતી સુવિધા જેવી જ સુવિધાઓ તેમને મળે. પરંતુ કોક ચોક્કસ કારણોસર સ્ટર્લીંગસીટીના રહીશોને ન્યાય મળતો નથી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers