Western Times News

Gujarati News

પાવાગઢમાં નવનિર્મિત મંદિરનું ઉદ્‌ઘાટન કરતા મોદી: માના ચરણોમાં થોડો સમય વિતાવવાની તકથી ધન્ય થયો

પાવાગઢમાં ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરાયો છે અને શિખરનું નિર્માણ કરાયું છે

વડોદરા, સવારે માતાના હીરાબાના વડાપ્રધાન મોદીએ આશીર્વાદ લીધા બાદ તેઓ પાવાગઢના પ્રખ્યાત મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના રાયસણમાં પહોંચીને ૧૦૦મા જન્મદિવસ પર તેમના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા.

આ પછી તેઓ પાવાગઢ મંદિરે મહાકાળી માતાના મંદિર દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અહીં મહાકાળી મંદિરને ધજા ચઢાવી છે, લગભગ ૫૦૦ વર્ષથી મહાકાળી મંદિરમાં ધજારોહણ કરવામાં આવતું નહોતું. પીએમએ પાવાગઢથી કહ્યું કે, ગુજરાતે જેટલું યોગદાન દેશની આઝાદી માટે આપ્યું છે તેટલું જ યોગદાન દેશના વિકાસમાં પણ આપ્યું છે.

સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે આવેલા માધવપુરના ઐતિહાસિક મંદિરનો પણ વિકાસ કરવામાં આવશે તેવી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢના નવનિર્માણના ઉદ્‌ઘાટન પ્રસંગે કહી છે. વડાપ્રધાન મોદીએ મંદિરના નવા નિર્માણનું ઉદ્‌ઘાટન કર્યું છે અને તેમણે જણાવ્યું કે, વર્ષો પછી પાવાગઢમાં મહાકાળીના ચરણોમાં થોડો સમય વિતાવવાની તક મળી, આ મારા જીવનની સૌથી સારી પળ છે.

સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેની કલ્પના શું હોય છે તેનો આનંદ અનેરો હોય છે. પાંચ સદી પછી આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયા પછી પણ મહાકાળીના શિખર પર ધજા નહોતી ફરકી. આ પલ અમને પ્રેરણા આપે છે, ઉર્જા આપે છે. અને મહાન પરંપરા પ્રમાણે જીવવા માટે પ્રેરિત કરે છે.

ગુપ્ત નવરાત્રી શરુ થઈ રહી છે, તે પહેલા મહાકાળી મંદિરમાં ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આપણી સામે છે. શક્તિ અને સાધનાની આ જ વિશેષતા હોય છે. ગુપ્ત નવરાત્રી છે, પણ શક્તિ ક્યારેય લૂપ્ત નથી થતી. આ મંદિર આપણા મસ્તકને ઊંચું કરે છે, સદીઓ પછી પાવાગઢ મંદિર પર ધ્વજારોહણ થયું છે. આ માત્ર આસ્થા અને આધ્યાત્મનું પ્રતિક નથી, પરંતુ તે એ પણ જણાવે છે કે સદીઓ બદલાય છે પણ આસ્થાનું શિખર કાયમ રહે છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર આકાર લઈ રહ્યું છે.

મૂળ મંદિરને યથાવત રાખીને આસપાસના વિસ્તારનો વિકાસ કરવામાં આવ્યો છે તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, હવે મોટી સંખ્યામાં એક સાથે દર્શન અને આરતી કરી શકશે. આ સાથે પાવાગઢ ચઢવા માટેના પગથિયા પણ પહોળા અને વધારે અનુકૂળ બનાવવામાં આવ્યા હોવાનું વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. આ સાથે અહીંના પ્રખ્યાત દુધિયા તળાવનો પણ વિકાસ કરવામાં આવશે. રોપ-વે દ્વારા પાવાગઢની સુંદરતાને માણવા મળતી હોવાનું પણ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

જણાવી દઈએ કે, પાવાગઢમાં ૧૨૧ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરાયો છે અને શિખરનું નિર્માણ કરાયું છે. શિખર ન હોવાના કારણે મંદિરને સદીઓથી મંદિર પર ધજા ચડાવી શકાતી ન હતી. જાેકે, હવે લગભગ ૫૦૦ વર્ષ પછી મંદિર પર ફરીથી ધજા લહેરાશે. મંદિર આસપાસ બનાવાયેલો કોરિડોર ૨ હજાર જેટલા શ્રદ્ધાળુઓ ઊભા રહી શકે તેટલો પહોળો છે. સાથે મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓ પણ પહોળી કરી દેવામાં આવી છે.

૧૫મી સદીમાં મોહમ્મદ બેગડાએ પાવાગઢ પર ચડાઈ કરી ત્યારે તેણે મંદિરમાં તોડફોડ કરી શિખરને નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યાં એક દરગાહ બનાવી દીધી હતી. જેના કારણે મંદિર પર ધજા ચડાવી શકાતી ન હતી. જાેકે, હવે આ દરગાહનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.