Western Times News

Latest News from Gujarat India

વડાપ્રધાને કંડારેલા માર્ગ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધુ નવી ઊંચાઇએ લઈ જવા મુખ્યમંત્રીનું આહ્વાન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, આઝાદીના અમૃત પર્વે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતના સુવર્ણકાળનું પ્રભાત આપણે સૌ જોઈ રહ્યા છીએ. ભારતની આગામી સુવર્ણ યાત્રામાં ગુજરાતે ગ્રોથ એન્જિનની ભૂમિકા વધુ તેજ ગતિથી અદા કરવાની છે. વર્તમાન સમયે ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે, ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ તે વાતનું મોટું ઉદાહરણ છે, એમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું કે, અંત્યોદયથી સર્વોદયનું લક્ષ્ય સાધી સૌને વિકાસની મુખ્યધારા સામેલ કરવાનો વડાપ્રધાનશ્રીનો સતત પ્રયાસ રહ્યો છે, વડાપ્રધાનશ્રીએ સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવીનતા અને દઢનિશ્ચય, આ પંચ-સિદ્ધાંત પર કામ કરીને છેલ્લા આઠ વર્ષથી દેશની જનતાને સુશાસનની અનુભૂતિ કરાવી છે. ગુજરાતને આ લાભ છેલ્લા ૨૦ વર્ષથી મળી રહ્યો છે અને વિશ્વભરમાં ગુજરાતનું ગૌરવ વધી રહ્યું છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ‘જે કહેવું તે કરવું’ની કાર્ય-સંસ્કૃતિના પ્રણેતા છે. તેમણે વિકાસના કામો કર્યા ન હોય તેવું એક પણ અઠવાડિયું હોતું નથી, તે વાતનો વધુ એક પુરાવો તેમણે ગુજરાતને રૂ.૨૧,૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને આપ્યો છે

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નવતર વિકાસની જે પહેલ કરી હતી તેમજ સૌના સાથ, સૌના વિકાસની જે નીતિ-રીતિ અપનાવી હતી, તેનાથી ગુજરાતે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે. ગુજરાતનું ગૌરવ વધારનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ હવે મા ભારતીનું ગૌરવ વિશ્વસ્તરે વધારી રહ્યા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર નવા ભારતની શિલ્પકાર બની છે, તેમ તેમણે ઉમેર્યું હતું

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત ગૌરવ અભિયાનના બીજા તબક્કામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જનતાને સમર્પિત થનારા આવાસ, ઊર્જા, પાણી, રોડ-રસ્તા, રેલવે, શહેરી-સુવિધા અને શિક્ષણ ક્ષેત્રને લગતા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે દેશભરમાં અગ્રેસર રહી વિકાસના વિવિધ ક્ષેત્રોમાં જે ઉપલબ્ધીઓ મેળવી છે, જે સફળતાઓ પ્રાપ્ત કરી છે તેનો ચિતાર પણ પ્રસ્તુત કર્યો હતો

સતત વિકાસના કાર્યો, વિકાસની વાત, અને વિકાસની રાજનીતિ એ વડાપ્રધાનશ્રીના સ્વભાવમાં વણાયેલા છે તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ કંડારેલા માર્ગ પર ચાલીને ગુજરાતનું ગૌરવ વધુ નવી ઊંચાઇએ લઈ જવાનું આહ્વાન તેમણે કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ,

માર્ગ મકાન મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, રાજ્ય મંત્રી સર્વ શ્રીમતી મનિષાબેન વકીલ, બ્રિજેશકુમાર મેરજા, જીતુભાઈ ચૌધરી, મુકેશભાઈપટેલ, વિનોદભાઈ મોરડિયા, સાંસદો, ધારાસભ્યો, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, પદાધિકારીઓ, વરિષ્ઠ સચિવો સહિત વિશાળ સંખ્યામાં પ્રચંડ માનવ મહેરામણ સહિત નારી શક્તિ ઉપસ્થિત રહી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers