Western Times News

Gujarati News

પોરબંદરના તબીબો શહેરને હરિયાળું બનાવવા આગળ આવ્યાઃ ૩૦૦ વૃક્ષનું વાવેતર કરાયું

પ્રતિકાત્મક

માત્ર વાવેતર નહીં કાયમી ઉછેર માટે બે વર્ષ સુધી દત્તક પણ લીધા

પોરબંદર, ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા ‘ગ્રીન પોરબંદર’ પ્રોજેકટ અંતર્ગત પોરબંદરના તબીબો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યા છે. પ૦૦ વૃક્ષો ઉછેરીને શહેરને હરિયાળુ બનાવાવ પ્રયાસો હાથ ધરાયા છે. પ્રથમ તબકકે ધરમપુર ખાતે આવેલ વેટરનરી કિલનીક ખાતે ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત આગામી દિવસોમાં સાંદીપની સ્પોર્ટસ સંકુલ, હાઈ-વે ઉપર ટોલનાકા આસપાસ વૃક્ષારોપણનું આયોજન હાથ ધરવામાં આવશે.

આ પ્રોજેકટ અંગે માહિતી આપતા પ્રોજેકટ કોર્ડીનેટર ડો. કલ્પિત પરમાર, ડો. આશીષ શેઠ, ડો. સુરેખા શાહ, ડો. દર્શક પટેલ, ડો. કાના ગરેજા, ડો. યુસુફ ભંભાણી વગેરેએ જણાવ્યું હતું કે વૃક્ષોએ તમામ જીવંત જીવોના અસ્તિત્વ માટેના મહત્વપૂર્ણ સંસાધનો છે. વૃક્ષો હવાથી કાર્બન ડાયોકસાઈડ ખેંચી લે અને ઓકસીજન પુરું પાડે છે વૃક્ષોનું છેદન, નિકંદન ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે તેથી વધુમાં વધુ વૃક્ષોનો ઉછેર થાય તે જરૂરી છે.

પોરબંદરમાં ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલા ગ્રીન પોરબંદર પ્રોજેકટમાં ડોકટરોએ તેમની ફેમીલી સાથે વૃક્ષારોપણ કાર્ય હાથ ધર્યંુ હતું. ડો. સુરેખાબેન શાહે જણાવ્યું હતું કે, જેના દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેની બે વર્ષ સુધીની કાળજી પણ તબીબો લેશે અને તેનો ખર્ચો પણ તેઓ જ ભોગવશે.

કારણ કે રોપા વાવ્યા પછી તેનું જતન અને જાળવણી કરવામાં તેની ભાગ્યે જ ગંભીરતા દાખવવામાં આવતી હોય છે. પરંતુ તબીબો બે વર્ષ સુધી આ વૃક્ષોને દત્તક લઈને તેમનો તમામ ખર્ચ ભોગવવા સહિત જતન જાળવણી માટે તેઓ રૂબરૂ આવશે. ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં બાળકોના હસ્તે પણ વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું

અને દરેક વાલીઓ તેમના સંતાનોને વૃક્ષો વાવવા, ઉછેરવા અને તેનું છેદન નહી કરવા સમજ આપે તેવી અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં તબીબોએ હાથ ધરેલ પ્રોજેકટ ‘ગ્રીન પોરબંદર’ની પહેલને બિરાદાવવામાં આવી રહી છે. ડોકટરો દર્દીઓની સેવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે. ત્યારે તેમનો સમય કાઢીને પર્યાવરણ બચાવવા, વૃક્ષો અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પ્રવૃતિ હાથ ધરી છે. જેને પોરબંદર શહેરના શ્રેષ્ઠીઓ, નગરજનો દ્વારા બિરદાવવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.