Western Times News

Latest News from Gujarat India

રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર યોગ દિવસની ઉજવણીમાં સવા કરોડ લોકો જોડાયા

રાજ્યની ૪૫,૦૦૦ પ્રાથમિક શાળાના ૮૪,૬૫,૦૦૦ વિદ્યાર્થીઓ તેમજ ૩,૨૩,૦૦૦ શિક્ષકો, ૧૨,૫૦૦ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૮,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૮૯,૦૦૦ શિક્ષકો, ૨૬૦૦ યુનિવર્સિટી-કોલેજીઝના ૧૬,૧૪,૦૦૦ વિદ્યાર્થીઓ અને ૬૦,૦૦૦ અધ્યાપકો,

રાજ્યની ૨૮૭ આઈ.ટી.આઈ.દીઠ ૧૦૦ વિદ્યાર્થીઓ એમ કુલ ૨૮,૭૦૦ વિદ્યાર્થીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. સાથો સાથ  રાજ્યના ૧૪૭૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૬૫૦૦ પેટાકેન્દ્રો પર કુલ ૧૨,૭૦,૪૦૦ લોકો યોગ કર્યા હતા.

આજે સમગ્ર વિશ્વ યોગ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે યોગ કરી રહ્યા છે ત્યારે ‘ગાર્ડિયન રિંગ ઑફ યોગ’ સાકાર થઈ રહી છે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

યોગ આપણા દેશની અમાનત છે અને આ અમાનતને વિશ્વ કક્ષાએ લઇ જવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડ

આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગ’ રખાઈ હતી

આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી વર્ચુઅલ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડ તેમજ રાજ્યના રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં યોજાયો હતો.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મૈસુરુથી વર્ચુઅલ ઉપસ્થિત રહીને દેશના નાગરિકોને  યોગને પાર્ટ ઑફ લાઇફ નહિ પરંતુ વે ઑફ લાઇફ બનાવવા આહવાન કર્યું છે.

વડાપ્રધાન શ્રીએ જણાવ્યું કે આપણે સૌ  સ્વસ્થ અને શાંતિપૂર્ણ વિશ્વને યોગના માધ્યમથી ગતિ આપીશું. ગ્લોબલ વૉર્મિંગ જેવી સમસ્યા હોય કે આંતરરાષ્ટ્રીય તકરારો હોય, યોગ થકી સામૂહિક ચેતનાથી ઉકેલ લાવી શકાશે અને વિશ્વ શાંતિ સ્થપાશે. યોગ પ્રોબ્લેમ સોલ્વર બની ગયો છે.

વડાપ્રધાન શ્રીએ વધુમાં ઉમેર્યું કે તણાવપૂર્ણ યોગ આપણી ઉત્પાદકતા વધારે છે. યોગને આપણે જાણવાનો છે, જીવવાનો છે, પામવાનો છે, અપનાવવાનો છે, વિકસાવવાનો-વિસ્તારવાનો છે.

આ વર્ષની માનવતા માટે યોગની થીમનો ઉલ્લેખ કરીને વડાપ્રધાને જણાવ્યું કે, આજે સમગ્ર વિશ્વ યોગ દિવસે સૂર્યના પ્રથમ કિરણ સાથે યોગ કરી રહ્યા છે ત્યારે ‘ગાર્ડિયન રિંગ ઑફ યોગ’ સાકાર થઈ રહી છે.

વડાપ્રધાન શ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ યોગ ચેલેન્જનો ઉલ્લેખ કરીને યુવાનોને યોગમાં નવા આઇડિયા લાવવા અને નવતર પ્રયોગો કરવા આહવાન આપ્યું હતું.

આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, આ વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં ૭૫ આઈકોનિક સ્થળો પર યોગપ્રેમીઓ થકી યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાસ્થ્યના અમૃતકાળ બને અને યોગ દરેકના જીવનમાં અમૃત ફેલાવે તેવી શુભેચ્છાઓ મુખ્યમંત્રીશ્રીએ સૌને પાઠવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ વર્ષે આપણે ‘માનવતા માટે યોગ’ની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. શ્રી નરેન્દ્રભાઈએ તમામ દેશ, ધર્મ, નાતિ-જાતિના લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યાં છે અને યોગ-પ્રાણાયમ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન પણ વડાપ્રધાનશ્રીએ આપ્યું છે. એટલું જ  આજે યોગના માધ્યમથી દુનિયાના અનેક લોકો એકબીજા સાથે જોડાઇ રહ્યા છે એમ મુખ્યમંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે, યોગને વિશ્વના ખૂણેખૂણે પહોંચાડવાનું ભગીરથ કાર્ય શ્રી નરેન્દ્રભાઈએ પાર પાડ્યું છે. આખી દુનિયાને યોગનું યોગ્ય મહત્વ તેમણે સમજાવ્યું છે આમ, શ્રી નરેન્દ્રભાઈના “સર્વજન સુખાય”ના પ્રયત્નો સફળ થયા છે.  આજે વિશ્વના ૧૩૦થી પણ વધુ દેશો યોગાભ્યાસ દ્વારા ભારતીય સંસ્કૃતિની ગહનતાનો અનુભવ કરી રહ્યા છે.

યોગનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વિશ્વ આખું કોરોના મહામારી સામે ઝઝૂમ્યું હતું ત્યારે આ કપરાકાળમાં લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી હતી અને એમાંય યોગ-પ્રાણાયામ સાથેની જીવનશૈલી કોરોના જેવા રોગ સામે વધુ ઉપયોગી છે તે વધુને વધુ લોકો સ્વીકારતા થયા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સિદ્ધિ અંગે વાત કરતા કહ્યું કે, શ્રી નરેન્દ્ર ભાઈની પ્રેરણાથી બે વર્ષ પહેલા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ બોર્ડ દ્વારા ગુજરાતમાં ૧ લાખથી વધુ ટ્રેનર ત્યાર કરવામાં આવ્યા છે અને આ ટ્રેનર અન્ય લોકોને યોગ શીખવાડી રહ્યા છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ સૌ નાગરિકોને યોગને જીવનનો ભાગ બનાવવાની તેમજ યોગ અપનાવીને રોગમુક્ત રહેવાની અપીલ પણ કરી હતી.

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રી ડૉ.ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નેતૃત્વમાં દેશ આઝાદીનો ૭૫મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે 75 આકોનિક જગ્યા ઉપર યોગની ઉજવણી થઇ રહી છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

શ્રી ભાગવત કરાડેવ અમદાવાદ અને ગુજરાતમાં મોટા પાયે યોગ દિવસની ઉજવણી કરવા બદલ રાજ્ય યોગ બોર્ડ, આયુષ મંત્રાલય તેમજ રાજ્ય સરકારને અભિનંદન પણ પાઠવ્યા હતા.

તેમણે વધુમાં કહ્યું કે, યોગ આપણી પ્રાકૃતિક સંસ્કૃતી છે. આ આપણા દેશની અમાનત છે અને આ અમાનતને વિશ્વ કક્ષાએ લઇ જવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.

આ પ્રસંગે ગૃહ તથા યુવા અને સાંસ્કૃતિક મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યના ઇતિહાસમાં પહેલી વાર યોગ દિવસની ઉજવણીમાં સવા કરોડ લોકો જોડાયા છે, જે બતાવે છે કે ગુજરાતી લોકો યોગ માટે કેટલા જાગૃત છે.

વધુમાં મંત્રીશ્રીએજણાવ્યું કે આજે દેશમાં જ નહિ, દુનિયાના મોટાભાગના દેશોમાં વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવે છે, એનો શ્રેય યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ભારતીય સંસ્કૃતિની અણમોલ ભેટ સમાન યોગનો લાભ સમગ્ર વિશ્વને મળે અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાના ઉદ્દેશથી નરેન્દ્રભાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ યુનોની સભામાં મૂકેલો.

ગુજરાત યોગ બોર્ડની સ્થાપના પછી ગામે ગામમાં યોગનું શિક્ષણ પહોંચ્યું  હોવાનું જણાવી મંત્રી શ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં યોગાસનોને એક સ્પોર્ટ્સ તરીકે માન્યતા મળી છે અને છેલ્લા ખેલ મહાકુંભમાં 78,000 યુવાનોએ યોગાસનો કરીને ભાગ લીધો.

આઝાદી ના અમૃત મહોત્સવના ભાગરૂપે આજે ગુજરાતનાં 75 આઇકોનિક સ્થાનો પર પણ યોગ દિવસ મનાવવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ થઈ છે ત્યારે સ્વસ્થ ભારતનું નિર્માણ થશે, એવો આશાવાદ પણ મંત્રી શ્રીએ વ્યક્ત કર્યો હતો.

આઝાદી કા અમૃત મહોત્સવ-સ્વતંત્રતાના ૭પ વર્ષ અંતર્ગત આ વર્ષનો વિશ્વ યોગ દિવસ રાજ્યમાં કુલ ૭પ આઇકોનીક સ્થળોએ પણ ઉજવવામાં આવ્યો હતો.

મોઢેરા સૂર્યમંદિર અને અંબાજી મંદિર સહિત ૧૭ ધાર્મિકસ્થળો, દાદા હરિની વાવ અને દાંડી સ્મારક સહિત ૧૮ ઐતિહાસિક સ્થાનો, કચ્છના રણ સહિત રર પ્રવાસન ધામો, માનગઢ હિલ અને સાપુતારા સહિત ૧૭ કુદરતી સૌદર્ય સ્થળો ખાતે આ દિવસે સામુહિક યોગ સાધના કાર્યક્રમ યોજાયા હતા.

આ વર્ષે યોગને પ્રવાસન સાથે જોડીને  રાજ્યના પ્રવાસનને પણ વેગ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. રાજ્યમાં યોગદિવસની ઉજવણી જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, નગરપાલિકા કક્ષાએ તેમજ શાળાઓ, આઈ.ટી.આઈ., આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ કરવામાં આવી હતી.

અમદાવાદનું શાંતિગ્રામ અદાણી, કચ્છનું સફેદ રણ, મહેસાણાનો ધરોઈ ડેમ અને નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે આઈકોનિક સ્થળો ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી પણ કરાઈ હતી.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, રમત – ગમત વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમાર, મ્યુનિસિપલ કમિશનર શ્રી લોચન સહેરા, સર્વે સાંસદશ્રીઓ, સર્વે ધારાસભ્યોશ્રીઓ, સર્વે કોર્પોરેટરશ્રીઓ, અમદાવાદ ભાજપા પ્રમુખ શ્રી અમીત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશુપાલ તેમજ મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers