Western Times News

Gujarati News

શાશ્વત સુખ- શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી- રાજ્યપાલ

ગાંધીનગર, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાજભવન ખાતે યોગ, પ્રાણાયમ અને આસન પ્રસ્તુત કરીને યોગને જીવનનો નિત્યક્રમ બનાવવા અનુરોધ કર્યો હતો. રાજ્યપાલએ જણાવ્યું હતું કે શાશ્વત સુખ અને શાંતિની અનુભૂતિ યોગ વિના શક્ય નથી.

રાજભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિને ગાંધીનગરના દિવ્ય જીવન સંઘના ઉપાધ્યક્ષ અને જાણીતા યોગ અને વેલનેસ કોચ અશ્વિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે મહર્ષિ પતંજલીએ યોગસૂત્રનું નિર્માણ કરીને સમસ્ત વિશ્વના કલ્યાણ માટે યોગ વિદ્યાને વિશ્વના ચરણે ધરી હતી જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

જેના કારણે માનવ કલ્યાણના ઉદ્દાત ધ્યેય સાથે ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યાને વૈશ્વિક મહત્વ મળ્યું છે, એટલું જ નહીં સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કરીને સ્વસ્થ જીવનશૈલી માટે પુરુષાર્થ કર્યો છે રાજ્યપાલશ્રીએ યોગાસન અને પ્રાણાયામનાં મહત્વને સમજાવી જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીના સામના માટે રોગપ્રતિકારક શક્તિ અતિ આવશ્યક છે અને યોગ, પ્રાણાયામથી વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ સબળ બને છે.

તેમણે યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એમ અષ્ટાંગ યોગ અંગે માર્ગદર્શન આપીને શરીર અને મનના સ્વાસ્થ્ય માટે યોગના મહત્વને સમજાવ્યું હતું. વિશ્વ યોગ દિને પ્રત્યેક નાગરિક યોગને જીવનનો નિત્યક્રમ બનાવી નિયમિત યોગ, પ્રાણાયામ અને આસનો દ્વારા શરીર, મનને સ્વસ્થ રાખવા સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ પણ રાજ્યપાએ આ તકે કર્યો હતો.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.