Western Times News

Gujarati News

દિવાળીનાં તહેવારોમાં ડોક્ટર ઓન કોલની સેવા

તા. ૨૭ ઓક્ટોબર થી તા. ૩૧ ઓક્ટોબર સુધી સેવા ઉપલબ્ધ

અમદાવાદ : દિવાળીનાં તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિઅશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા સતત નવમાં વર્ષે દદીર્ઓ માટે તા. ૨૭ ઓક્ટોબર થી તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૯ દરમિયાન ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે. દર્દીઓ માટે આશિર્વાદરૂપ પૂરવાર થયેલી આ સેવામાં બંને એસોસિએશન દ્વારા ઈએમઆરઆઈ 108 અને હોસ્પિટલો સાથે પણ સરળ સંકલન સાધવામાં આવ્યું છે. એએમએ દ્વારા આ ઉપરાંત દિવાળીનાં તહેવારોમાં કાર્યરત ડોક્ટરોનું વોટસ એપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ડોક્ટરોની યાદી તેમજ એરિયા કો-ઓર્ડિનેટરોનાં નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં પ્રેસિડેન્ટ ડો. મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘દિવાળીનાં તહેવારોમાં મર્યાદિત ડોક્ટરો ઉપલબ્ધ હોવાને લીધે દર્દીઓએ ઘણું સહન કરવું પડતુ હોય છે. દર્દીઓને અગવડો ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી ભાવનાથી અમદાવાદ મેડિકલ એસોસિએશન (એએમએ) અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન (એએફપીએ) દ્વારા છેલ્લા નવ વર્ષથી ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાનું આયોજન કરવામાં આવે છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ વર્ષે સ્વાઈન ફ્લુ, ચિકનગુનિયા, કમળો, મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ વાયરલ ઈન્ફેકશન વગેરે જેવા રોગોના દર્દીઓની સંખ્યામાં ખૂબ જ વધારો નોંધાયો છે. ડોક્ટર ઓન કોલ દિવાળી સેવાઓ માટે અમે સ્પેશ્યાલિટી અનુસાર હેલ્પલાઈન નંબરો બનાવ્યા છે. જેના આધારે મદદ મળી રહે છે અને નજીકનાં વિસ્તારમાં કયા ડોક્ટર ઉપલબ્ધ છે તેની જાણકારી મળે છે.’ ડોક્ટર ઓન કોલ દિવાળીનાં પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. પ્રજ્ઞેશ વછરાજાનીએ જણાવ્યું હતું કે, ‘એએમએ દ્વારા ટેક્નોલોજીનો પણ પૂરો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો www.ahmedabadmedicalassociation.com અને અમદાવાદ મેડિકલ એસોસિએશનનાં ફેસબુક પેજ પર ઉપલબ્ધ છે.’ નોન ઈમર્જન્સી કેસોમાં દર્દીઓ વોટસ એપના માધ્યમ દ્વારા ડોક્ટરને પોતાની કવેરી મોકલાવી શકે છે, જેનો ડોક્ટરો જ્યારે ફ્રી પડે ત્યારે જવાબ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.