Western Times News

Gujarati News

સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતા

અમદાવાદ જિલ્લો – સુજલામ-સુફલામ જળ અભિયાનનું પાંચમું ચરણ તા.૧૯ માર્ચથી ૦૭ જૂન સુધી સફળતાપૂર્વક સંપન્ન

તા. ૧૯ માર્ચથી તા. ૦૭  જૂન, ૨૦૨૨ સુધીમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા 484 કામો પૂર્ણ, અંદાજે ૩૬.૭૭ લાખ ઘન મીટર જળસંગ્રહ ક્ષમતા વધી

પાંચ વર્ષમાં ૧૫૭૧ કામો- ૨૫૫૧ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધી – ૧,૦૧,૦૧૨ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી-૭૨,૨૫,૧૧૨ ઘન મીટર માદી ખોદાઈ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દૃષ્ટિવંત નેતૃત્વમાં આ વર્ષે યોજાયેલા સુજલામ સુફલામ જળ અભિયાનને  સફળતા મળી છે. મુખ્યમંત્રીશ્રીએ ૧૯ માર્ચ, ૨૦૨૨ના દિવસે ગાંધીનગરના કોલવડા ગામેથી આ સુજલામ-સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવીને રાજ્યમાં જળસંગ્રહ સ્ત્રોત વધારવા

અને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવાનો મહત્ત્વપૂર્ણ સફળ અભિગમ અપનાવ્યો  છે. આ વર્ષે સતત પાંચમા વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનની જ્વલંત સફળતાને પગલે રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતામાં ૨૪,૪૧૮ લાખ ઘન મીટર વધારો થયો છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે ૩૬.૭૭ લાખ ઘન મીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધી છે.

અમદાવાદ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વર્ષ  ૨૦૧૮માં ૨૬૨ કામો દ્વારા જળ સંગ્રહશક્તિમાં ૩૯૨ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. ૨૦૧૯માં ૨૩૭ કામો થકી પાણીની સંગ્રહશક્તિમાં ૩૮૪ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો. કોરોના કાળમાં વર્ષ ૨૦૨૦માં લોક ડાઉનની કપરી પરિસ્થિતિમાં ૧૬૩ કામો દ્વારા જળ સંગ્રહશક્તિમાં ૨૨૨ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો

અને વર્ષ ૨૦૨૧માં ૪૧૫ કામો દ્વારા જળ સંગ્રહશક્તિમાં ૨૫૫ લાખ ઘન ફૂટ વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે વર્ષ ૨૦૨૨માં અત્યાર સુધીમાં ૪૮૪ કામો દ્વારા જળ સંગ્રહશક્તિમાં ૧૨૯૯ લાખ ઘન ફૂટ વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૫૫૧ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.

આ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઈજનેર શ્રી એમ.સી. મકવાણા કહે છે કે, અમદાવાદ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારના હસ્તે ધોળકા તાલુકાના રનોડા ગામેથી અભિયાનનો પ્રારંભ કરાયો હતો. રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.

રાજ્યમાં કુદરતી પાણીના સ્તર ઊંચા આવે તેમજ પાણીનો જળસંચય વધુને વધુ થાય તેનો લાભ નાગરિકો અને લાખો ખેડૂતોને થાય એ આશયથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી હાથ ધરાયેલ રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાનને વ્યાપક જન પ્રતિસાદ સાંપડ્યો છે.

અમદાવાદ જિલ્લ્લા કલેક્ટર શ્રી સંદીપ સાગલેએ જણાવ્યું છે કે, અમાદાવાદ જિલ્લામાં સંપૂર્ણ લોકભાગીદારીથી કામો હાથ ધરાયાં છે. શ્રમિકોને રોજી-રોટી અને આર્થિક આધાર મેળવવા માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે વધુમાં વધુ શ્રમિકો સુજલામ સુફલામ જળ અભિયાન અને મનરેગા યોજનાના કામોમાં જોડાય તે માટે મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશનમાં વહીવટી તંત્ર દ્વારા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને લોકોનો  ખૂબ જ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે. એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે, જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.

સમગ્ર જિલ્લામાં જળ સંપતિ વિભાગના ૧૮૫ કામો હાથ ધરવામાં આવ્યા અને અન્ય વિભાગના ૩૦૯ કામો થઈને કુલ ૪૯૪ કામો પૂર્ણ કરી ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં ચાલુ વર્ષે સુજલામ સુફલામ જળ સંચય યોજનાના પાંચમા તબ્બક્કાની કામગીરીથી અંદાજે ૬૨ લાખ ઘન ફુટ જળ સંગ્રહ શક્તિનો વધારો થયો છે.

આ કામગીરી સંપૂર્ણ લોકભાગીદારીથી સંપન્ન થઈ છે. રાજ્ય સરકારના એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર લોક ભાગીદારીથી જળ સંગ્રહ શક્તિનાં કામો થયા છે. ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્યમાં નાની નદી, ચેકડેમ, તળાવ ઊંડા કરવાના સુજલામ સુફલામ જળ અભિયાનનાં કામો તેમજ મનરેગાનાં કામો શરૂ કરીને સમગ્ર અભિયાનમાં ૧,૦૧,૦૧૨ માનવદિન રોજગારીનું પણ નિર્માણ થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં આ અભિયાન હેઠળ મુખ્યત્વે તળાવો ઊંડા કરવા, અનુશ્રવણ તળાવ, ચેકડેમ ડિસીલ્ટીંગ, જળાશય ડિસીલ્ટીંગ, ચેકડેમ રીપેરીંગ, નહેરોની તથા સ્ટ્રક્ચરની સાફસફાઈ, નહેરોની મરામત અને જાળવણી, નવા તળાવ, નવા ચેકડેમ, વન તળાવ, ખેતતલાવડી, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નદી, વોંકળા, કાંસ

તથા તળાવની સાફ-સફાઇ, માટીપાળા, ગેબીયન, કન્ટુરટ્રેન્ચ, ચેકવોલ, ફાર્મ બંડીંગ, નદીઓ પુન:જીવિત કરવાની કામગીરી, પીવાના પાણીના સ્ત્રોતની આજુ બાજુની સફાઇ, ટાંકી/ સંપ/ ઇન્ટેક સ્ટ્રક્ચર તથા આસપાસની સાફસફાઇ, WTP, STP  તથા આસપાસની સફાઇ, એચ.આર. ગેટ રીપેરીંગ, તળાવોના પાળા અને વેસ્ટ વિયરનું મજબૂતીકરણ, વરસાદી પાણીની લાઇનની સફાઇ, ગટરની સાફસફાઇ જેવા કામો હાથ ધરાયાં હતાં. આલેખન – હિમાંશુ ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.