Western Times News

Latest News from Gujarat India

પેટલાદમાં દૂષિત પાણીને કારણે રોગચાળાની દહેશત

Fear of epidemic due to contaminated water in Petlad Gujarat

પાલિકામાં રહીશોનો હલ્લાબોલઃ ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડના કેસ નોંધાયા

(પ્રતિનિધિ)પેટલાદ, પેટલાદ શહેરના અંતરિયાળ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવે છે. જે માટે સ્થાનિક રહિશોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી હોવા છતા આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો ન હતો. જેથી આજરોજ મલાવ ભાગોળ વિસ્તારના રહિશોખે પાલિકા ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી.

છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દૂષિત આવતુ હોવથી આવિસ્તારમાં ઘેરઘેર બિમારીના ખાટલા પથરાયેલા છે. આ સમય દરમિયાન ઝાડા-ઉલ્ટી, તાવ અને ટાઈફોઈડના અસંખ્ય કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. અહિયા દૂષિત પાણી આવતુ હોવાને કારણે સ્થાનિક રહિશો રોગચાળાની દહેશત હેઠળ જીવી રહ્યા છે. છતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓના પેટનું પાણી પણ હાલતુ નહી હોવાનીે વાત ટોક ઓફ ધ ટાઉન છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ પેટલાદ નગરપાલિકા ખાતે મલાવ ભાગોળ વિસ્તારના લોકોએ હલ્લાબોલ મચાવ્યો હતો. આ વિસ્તારના સ્થાનિક રહિશોએ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજને લેખિતમાં રજૂઆત કરી હતી જેમા જણાવ્યું હતુ કે મલાવ ભાગોળના નવાકુવા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી દૂષિત આવે છે.

આ રહિશોએ પાલિકાને અવાર નવાર રજૂઆત કરી હતી. પરંતુ રહિશોની ફરિયાદ ધ્યાને લેવાતી ન હતી.છેલ્લા પંદર દિવસ દરમિયાન આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, તાવ, ટાઈફોઈડ જેવો રોગચાળો ઘેરઘેર ફાટી નીકળ્યો છે. આ રહિશોએ વધુમાં જણાવ્યું હતુ કે બે-ત્રણ દિવસમાં દૂષિત પાણી આવતુ બંષ નહી થાય તો પાલિકા પાસે અમે ગાંધી ચીધ્યા માર્ગે આદોલન કરીશું.

આ અંગે ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતુ કે મલાવ ભાગોળ, રોહિતવાસ, તાઈવાડ વગેરે વિસ્તારોમાં દૂષિત પાણી આવવાથી ટાઈફોઈડના કેસ નોંધાયા હોવાની ફરિયાદ અમોને મળી છે. જેના અનુસંધાનમાં આજરોજ સવારથી ક્લોરિનેશન તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત અર્બન હેલ્થ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આશરે પપ૦૦૦ની વસ્તી ધરાવતા શહેરના લોકોને ૧૧૧૧૮ કનેક્શન દ્વારા દૈનિક એક કરોડ લીટર પાણી પુરવઠો પાલિકા દ્વારા પુરો પાડવામાં આવે છે. આ માટે પાલિકા પાસે પાંચ ટાંકી, ૧૪ બોરની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પીવાના પાણીની સુવિધા માટે પાલિકાનું વારીગૃહ વિભાગ દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ વિજબીલ અને મેઈન્ટેનન્શ પાછળ કરે છે.

પરંતુ પાલિકાના સત્તાધીશો કે વારીગૃહના અધિકારીઓ પાસે પાણીનું સમયસર ટેસ્ટિંગ કરવાની ફુરસદ નહી હોવાની ચોકાવનારી વિગત બહાર આવી હતી. ત્રણ ત્રણ વર્ષ સુધી પાલિકા દ્વારા પીવાના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું જ ન હતુ. ત્રણ વર્ષ બાદ તાજેતરમાં પાણીના ટેસ્ટિંગ કરાવ્યા તો સબ સલામતની વાતો અધિકારીઓ અને સત્તાધીશો કરી રહ્યા હોવાની વાત ચર્ચાસ્પદ છે. તો પછી શહેરના કેટલાય વિસ્તારો દૂષિત પાણી, રેતી-માટી વાળુ પાણી કે ડહોળા પાણીથી પ્રભાવિત કેમ છે ?

ડેન્ગ્યુની એન્ટ્રી

પેટલાદ શહેરના ગામતળ વિસ્તારમાં પીવાના પાણી અંગેની ફરીયાદો ઉઠવા પામી છે. છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીમાં રેતી, માટી ઉપરાંત દૂષીત પાણી આવતુ હોવાની ફરિયાદો વારીગૃહના ચોપડે નોંધાઈ છે.

જેથી શહેરના કેટલાક વિસ્તારો પાણીજન્ય રોગોથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત સિવિલમાં ડેન્ગ્યુ પોઝિટીવનો એક કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે. શહેરમા ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડ, વાયરલ ફિવર ઉપરાંત ડેન્ગ્યુની એન્ટ્રી થતા રહિશો રોગચાળાથી ભયભીત થયા હોવાનુ જાણવા મળે છે.

સિવિલમાં દર્દીઓનો ધસારો

આણંદ જીલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે આવેલ છે. સિવિલના ઈ.ચા આરએમઓ ડો.ઠક્કરને રોગચાળા સંદર્ભે પુછતા તેઓએ જણાવ્યું હતુ કે શહેરના કેટલાક વિસ્તારો દૂષિત પાણીથી પ્રભાવિત થયા હોવાની જાણ અમોને થઈ છે. પેટલાદ સિવિલમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જુદા જુદા તાવના ૩ર કેસ નોધાતા તેઓએ સારવાર લીધી છે.

ઉપરાંત આ સમય દરમિયાન ઝાડા-ઉલ્ટીના ર૦ તથા ટાઈફોઈડના ૭ કેસ દાખલ થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સિવિલ હોસ્પિટલના ફિમેલ વોર્ડમાં દર્દીઓનો ધસારો જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કેટલાક દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers