Western Times News

Gujarati News

જળ યાત્રા : શહેર જગન્નાથમય બન્યું

સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, : મેયર સહિતના રાજકીય મહાનુભાવો અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં નદીનું પૂજન કરી ૧૦૮ કળશમાં જળ એકત્ર કરાયું : આજે જયેષ્ઠ નક્ષત્રમાં ભગવાનનો જળાભિષેક

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની છેલ્લા ઘણા સમયથી તડામાર તૈયારી ચાલી રહી છે અને આજે ભગવાન જગન્નાથજીની જલયાત્રા યોજાતા સમગ્ર શહેર જગન્નાથમય બની ગયું છે અને આજથી જ વિધિવત રીતે રથયાત્રાની વિધિ શરૂ થઈ ગઈ છે આજે યોજાયેલી જળયાત્રામાં સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરેથી મોટી સંખ્યામાં સાધુ સંતો, રાજકીય મહાનુભાવો, શ્રધ્ધાળુઓ સહિતના નાગરિકો જાડાયા હતાં અન ભુદરના આરે પહોંચી વિધિવત અને ધાર્મિક મંત્રોચ્ચાર વચ્ચે નદીનું પૂજન કરી ૧૦૮ કળશમાં જલ એકત્ર કરવામાં આવ્યું હતું અને તેના દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામજીનો જળાભિષેક કરવામાં આવ્યો છે.


ભારત દેશમાં પુરી બાદ અમદાવાદ શહેરમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે અષાઢી બીજના દિવસે ભગવનાથ જગન્નાથજી, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ સાથે શહેરની નગરચર્યાએ નીકળે છે ત્યારે દેશભરમાંથી શ્રધ્ધાળુઓ અમદાવાદમાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડે છે શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિરમાં છેલ્લા ઘણા દિવસથી રથયાત્રાની તૈયારી ચાલી રહી છે અને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા છે.

ધાર્મિક પરંપરા મુજબ આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાય છે તે મુજબ આજે વહેલી સવારથી જ જગન્નાથ મંંદિરમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા.જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટીઓ આ વિધિમાં જાડાયા હતાં સવારે જળયાત્રા નિમિત્તે શણગારેલા ગજરાજા, અખાડાઓ, ભજન મંડળીઓ દ્વારા ૧૦૮ કળશ સાથેની બાલિકાઓએ મંદિરેથી પ્રસ્થાન કર્યું ત્યારે જય રણછોડ માખણ ચોર ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.

જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન થયેલી જળયાત્રા માર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે શ્રધ્ધાળુઓ પર ભાવવિભોર બની ગયા હતા પરંપરાગત રીતે જગન્નાથ મંદિરેથી પ્રસ્થાન થયેલી જળયાત્રા સોમનાથ ભુદરના આરે પહોંચી હતી આ સમયે રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શહેરના મેયર તથા અન્ય મહાનુભાવો હાજર હતા આ ઉપરાંત તમામ ધર્મના અનુયાયીઓ પણ આજના શુભ પ્રસંગે હાજર હતાં.

જલયાત્રા ભુદરના આરે પહોંચી ત્યારે સાધુ સંતો દ્વારા સૌ પ્રથમ સાબરમતી નદીનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ધાર્મિકવિધી યોજાઈ હતી સાથે સાથે ૧૦૮ કળશમાં નદીનું પવિત્ર જળ એકત્ર કરવામાં આવ્યું હતું આ તમામ કળશ પાણીથી ભરી મંદિરે પરત લાવવામાં આવ્યા હતાં.જલયાત્રા દરમિયાન શણગારેલા ગજરાજા, ભજનમંડળીઓ તથા અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં અમદાવાદ શહેરમાં સૌથી મોટી રથયાત્રા યોજાતી હોવાથી દેશભરના શ્રધ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા અહીયા આવી પહોંચતા હોય છે.

આજે જલયાત્રા સાથે જ અમદાવાદ શહેરમાં પવિત્ર રથયાત્રાનો પ્રારંભ થઈ ગયો છે આજે જલયાત્રા યોજાયા બાદ હવે અષાઢી બીજ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાવાના છે અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી શહેરની નગરચર્યાએ નીકળવાના છે.

ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામજીનો આજે જયેષ્ઠ નક્ષત્રમાં જળાભિષેક કરવામાં આવશે અને આ માટે યોજાયેલી જલયાત્રામાં ૧૦૮ કળશમાં એકત્ર કરાયેલા પવિત્ર જળનો ઉપયોગ થશે ભગવાન જગન્નાથજીના જળાભિષેક બાદ તેઓ પોતાના મોસાળમાં જવાના છે જેના પગલે સરસપુરમાં આવેલા તેમના મોસાળમાં પણ આજે સવારથી જ શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જાવા મળી રહયો છે.

ભગવાનને આવકારવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથજી મોસાળમાં જવાના છે ત્યારે સરસપુરમાં ઠેરઠેર પ્રસાદ બનાવવામાં આવી રહયો છે એટલું જ નહી પરંતુ ગઈકાલ રાતથી જ શ્રધ્ધાળુઓ ભગવાનને આવકારવા માટે થનગની રહયા છે.

ભગવાન જગન્નાથજીની જલયાત્રામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડયું છે ભજન મંડળીઓ તથા અખાડાઓ અને શણગારેલા ગજરાજા ભુદરના આરે પહોંચ્યા ત્યારે સમગ્ર નદીનો પટ જગન્નાથમય બની ગયો હતો નદી કીનારે તમામ રાજકીય મહાનુભાવો તથા સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિકવિધિ કર્યાં બાદ જળ એકત્ર કરાયું હતું અને ત્યારબાદ જલયાત્રા પરત મંદિરે પહોંચી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.