Western Times News

Gujarati News

રથયાત્રાની સુરક્ષા માટે ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે, ત્રણ લેયરમાં રથની જડબેસલાક સુરક્ષા

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે – રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી

રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના તમામ ધર્મસ્થાનોની યાત્રાઓ માટે દાખલારૂપ સાબિત થશે

25,000થી વધુ પોલીસકર્મચારીઓ રહેશે સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત

અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત 145મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા માટે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. Ahmedabad Rathyatra 2022 police protection

બેઠકની અધ્યક્ષતા કરનાર ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે અમદાવાદ ખાતે યોજાનાર ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા દરમિયાન શાંતિ, સલામતી અને સુરક્ષા માટે જરૂરી તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યાં છે. રાજ્ય સરકાર શાંતિ અને સલામતી જાળવવા કટિબદ્ધ છે. રાજ્યના નાગરિકો આસ્થાપૂર્વક અને શાંત વાતાવરણમાં તહેવાર ઊજવી શકે તે અમારો ધ્યેય છે. આસ્થા અને વ્યવસ્થાના સુભગ સમન્વયથી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રથયાત્રા ગુજરાત જ નહીં દેશ આખા માટે આસ્થાનો વિષય છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ રથયાત્રા દરમિયાન શાંતિ સલામતી અને સુરક્ષાના તમામ જરૂરી તકેદારીનાં પગલાં લેવામાં આવ્યાં છે.

આપણે રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના તમામ ધર્મસ્થાનોની યાત્રાઓ માટે દાખલારૂપ સાબિત થશે. ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે જગન્નાથજી, બળદેવજી અને સુભદ્રાજીની મૂર્તિ સાથે અલગ અલગ ત્રણ રથ સાથેની યાત્રા સવાર કલાક ૦૭/૦૦ વાગ્યે જગન્નાથજી મંદિરથી પરંપરાગત રૂટ ઉપરથી નિકળી નિયત રૂટ ઉપર મ્યુનિસિપલ કોઠા, રાયપુર ચકલા, ખાડીયા ચાર રસ્તા, કાલુપુર સર્કલ, સરસપુર પહોંચશે અને ત્યાં થોડા વિરામ બાદ પરત કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, આર.સી. હાઈસ્કુલ, પિત્તળીયા બંબા,

પાનકોરનાકા, માણેકચોક થઈ નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર રથયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો
છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રામાં આ વર્ષે પણ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાયો છે. રથયાત્રા રૂટમાં
આવતા કારંજ, શાહપુર, માધવપુરા, ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કાલુપુર, ખાડીયા તથા દરિયાપુર એમ ૮ પોલીસ
સ્ટેશનોમાં મિની કંટ્રોલરૂમની વ્યવસ્થા કરાઈ છે. જ્યાંથી પળેપળની ગતિવિધિઓ પર બાજનજર રાખવામાં
આવનાર છે.

રથયાત્રાનું લાઈવ મોનિટરિંગ કરવા રૂટ પર સી.સી.ટી.વી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાનું લાઈવ
મોનિટરિંગ કંટ્રોલરૂમ ઉપરાંત જે તે લોકલ પો.સ્ટે વિસ્તારમાં કરાશે. જ્યારે રૂટ પર આવતા તમામ પોલીસ સ્ટેશનોમાં
સી.સી.ટી.વી વ્હિકલ દ્વારા પેટ્રોલીંગ કરાશે…મૂવિંગ બંદોબસ્તમાં રથયાત્રા મોબાઈલ વાહનો પર સી.સી.ટી.વી કેમેરા
ગોઠવાનાર છે.

આ સિવાય બોડીવોર્ન કેમેરાથી પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખશે. સમગ્ર રથયાત્રા રૂટ પર આતંકવાદી કે અન્ય ભાંગફોડની પ્રવૃત્તિ અટકાવવા માટે બોંબ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડની ૧૦ ટીમ, ચેતક કમાન્ડો, ડોગ સ્કવોડ, નેત્રા જેવી ટીમો ફરજમાં તહેનાત રહેશે. રથના સમગ્ર રુટ ઉપર અલગ અલગ સ્થળો પર તમામ ગતિવવિધીઓ પર નજર રાખવા ડ્રોન કેમેરા દ્વારા પણ બાજ નજર રાખવામાં આવશે, એમ ઉમેર્યું હતું.

ગૃહમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે રથયાત્રાના જરૂરી સ્થળોએ ટ્રાફિક નિયમન ડાયવર્ઝન અને બેરીકેડીંગ પણ કરાશે. ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે રથયાત્રાની સાથે બંદોબસ્તમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓ ત્રણે રથની ત્રણ લેયરમાં જડબેસલક સુરક્ષામાં સાથે રહેશે.

કાયદો અને વ્યવસ્થાની જાણકારી આપતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું કે રથયાત્રાની સમગ્ર સુરક્ષા જવાબદારી DG અને IG રેન્જના 8, SP રેન્જના 30, ACP રેન્કના 135 અધિકારીઓ, SRP તથા CAPFની 68 કંપનીઓ મળીને કુલ 25,000થી વધુ પોલીસકર્મચારીઓ સંભાળશે.

માનવીય અભિગમ દાખવતા ગૃહરાજ્યમંત્રીશ્રીએ રથયાત્રાના આયોજન દરમિયાન ફરજ પર તૈનાત રહેનાર પોલીસકર્મીઓ માટે ગુણવત્તાયુક્ત ભોજન અને પાણી મળે તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને સૂચન કર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સમગ્ર વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ, ધાબા પોઈન્ટ, જર્જરિત મકાનો, ધાર્મિક સ્થળોએ પણ બંદોબસ્ત સાથે વોચ ટાવર, ઘોડેસવાર પોલીસ, સ્નોરકેલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ જગન્નાથ મંદિરના મહંતશ્રી દિલિપદાસજી મહારાજ સહિત ટ્રસ્ટીશ્રીઓ સાથે બેઠક કરી રથયાત્રા સંદર્ભે વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.

તેમજ રથયાત્રાના રૂટમાં આવતાં સ્થળોની મુલાકાત લઇ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. સમગ્ર રથયાત્રાનું ટેકનોલોજીના ઉપયોગથી જીવંત પ્રસારણ થવાનું છે અને વડીલો ઘરે બેઠા ભગવાનના દર્શનનો લ્હાવો મેળવી શકે તેવી વ્યવસ્થા પણ કરવામા આવી છે. રથયાત્રાની પૂર્વતૈયારી અને રૂટ સમીક્ષા શહેર પોલીસ કમિશ્નર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.