ખાનગી કંપનીઓએ ઊંચી કિંમતે પેટ્રોલ-ડિઝલનું વેચાણ શરૂ કર્યું
અમદાવાદ, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અનુભવાઈ રહેલી તંગી વચ્ચે હવે શેલ, રિલાયન્સ તેમજ નાયરાએ સરકારી કંપનીઓના પેટ્રોલપંપો કરતાં ઉંચા ભાવે પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરુ કર્યું છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડની કિંમત વધી છે, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ ભાવવધારાનો બોજ ગ્રાહકો પર નથી નાખ્યો.
જાેકે, પ્રાઈવેટ કંપનીઓએ ક્રુડની કિંમત અનુસાર પ્રાઈસ એડજસ્ટ કરતાં તેમના પંપો પર પેટ્રોલ ૧૦૦ રુપિયાથી પણ વધુની કિંમતે વેચાઈ રહ્યું છે.
એક અખબારના અહેવાલ અનુસાર, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીજેવી સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી કર્યો.
ઉલ્ટાનું કેન્દ્ર સરકારે ટેક્સના દરમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. જાેકે, પ્રાઈવેટ કંપનીઓના પેટ્રોલ પંપો પર તેનાથી ઉલ્ટી સ્થિતિ જાેવા મળી રહી છે. ૨૨ જૂનના આંકડા ટાંકી અખબાર જણાવે છે કે, આ દિવસે શેલના પેટ્રોલ પંપ પર ડીઝલ ૧૨૫.૮૭ રુપિયા જ્યારે પેટ્રોલ ૧૦૫.૮૪ રુપિયા પ્રતિ લિટર મળી રહ્યું હતું, જ્યારે નાયરાના પંપો પર ડીઝલનો ભાવ ૯૭.૧૮ જ્યારે પેટ્રોલનો ભાવ ૧૦૧.૬૯ રુપિયા પ્રતિ લિટર હતો. આ જ દિવસે રિલાયન્સના પંપો પર ડીઝલ ૯૭.૩૦ અને પેટ્રોલ ૧૦૩.૬૦ રુપિયાના ભાવે વેચાઈ રહ્યું હતું.
૨૨ જૂને સરકારી પેટ્રોલ પંપો વેચાતા પેટ્રોલ અને ડીઝલના ભાવની વિગતો આપતા અહેવાલમાં જણાવાયું છે કે, આ પંપો પર ડીઝલ ૯૨.૧૯ રુપિયા જ્યારે પેટ્રોલ ૯૬.૪૫ રુપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યા હતા. આમ, શેલના પેટ્રોલપંપો પર સરકારી પેટ્રોલ પંપોની સરખામણીએ પ્રતિ લિટર ડીઝલ ૩૩.૬૮ રુપિયા જ્યારે પેટ્રોલ ૯.૩૯ રુપિયા વધુના ભાવે વેચાઈ રહ્યા હતા.
પ્રાઈવેટ કંપનીઓના પંપ પર પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવ વધારે હોવાથી હવે અમદાવાદીઓએ સરકારી પંપો પરથી જ પેટ્રોલ ભરાવવાનું શરુ કરતાં ત્યાં ભીડ પણ વધી રહી છે. અગાઉ પ્રાઈવેટ અને સરકારી પંપો પર વેચાતા પેટ્રોલ ડીઝલના ભાવમાં લિટરે માંડ એકાદ-બે રુપિયાનો ફરક હતો. જાેકે, હાલ તેમાં ખાસ્સો ફરક પડી જતાં તેની સીધી અસર લોકોના બજેટ પર પડી રહી છે.
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરને ટાંકી અખબાર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાલ ક્રુડમાં અફરાતફરી મચી છે. વળી, રશિયા-યુક્રેન યુદ્ધ અને સતત ધોવાતા રુપિયાના કારણે પણ ક્રુડ મોંઘું પડી રહ્યું છે.
પ્રાઈવેટ પેટ્રોલિયમ કંપનીઓ હાલ ક્રુડની કિંમતમાં થયેલા વધારાનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે, પરંતુ સરકારી કંપનીઓ હાલ ભાવવધારો ટાળી રહી છે. જાે ક્રુડના ભાવ આ રીતે જ વધતા રહ્યા તો પ્રાઈવેટ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ હજુય વધારશે તેમ પણ એક કંપનીના અધિકારીએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું.SS2KP