Western Times News

Gujarati News

વૃદ્ધને ગુમ પુત્રનું મૃત્યુ પ્રમાણપત્ર આપવા કોર્ટ દ્વારા આદેશ કરાયો

અમદાવાદ, એક દાયકા સુધી ચાલેલી લાંબી લડત બાદ ૮૬ વર્ષના વૃદ્ધ માનસિંહ દેવધરાને પોતાના ગુમ થયેલા ૩૮ વર્ષના દીકરાનું મૃત્યુનું પ્રમાણપત્ર મળ્યું છે. પિતા માનસિંહે વર્ષ ૨૦૧૨માં પોતાના દીકરા જીતેન્દ્રસિંહનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે કાયદાકીય લડત શરુ કરી હતી. નીચલી કોર્ટે જણાવ્યું કે પિતાએ કોર્ટ આવવામાં મોડું કરી દીધું હતું. વધુમાં કોર્ટે તેમની અરજીને નકારી કાઢી હતી.

જ્યારે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે નીચલી કોર્ટે જે બાબત કહીને અરજીને ફગાવી દીધી હતી તેની સામે કોર્ટે કહ્યું, આ માણસની પ્રકૃતિ એવી છે કે જ્યારે ઘરમાંથી કોઈ સભ્ય ગાયબ થઈ જાય તો તેની વર્ષો સુધી તે પરત આવી જશે તેની રાહ જાેવામાં આવતી હોય છે. કોર્ટે એ પણ કહ્યું કે આ પ્રકારની બાબતમાં કાયદાને સીમાથી બાંધી શકાય નહીં.

માનસિંહ દેવધરાનો દીકરો તેના પિતરાઈના ઘરે સુરતમાં રહેતો હતો અને ત્યાં કૉલેજનો અભ્યાસ કરતો હતો. જે ૩૧ જાન્યુઆરી ૧૯૮૪માં ગુમ થઈ ગયો હતો. પરિવારે આ અંગે પોલીસને જાણ કરી અને ગુમ થયાની જાહેરાત પણ છપાવી હતી, પરંતુ આ પછી તેમણે ક્યારેય જિતેન્દ્રસિંહને જાેયો નથી.

આ પછી પિતાએ સુરતની સિવિલ કોર્ટમાં દીકરાનું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી દાખલ કરી, મિલકત પરના ગેરકાયદેસરના દાવાઓને ટાળવા માટે તેમણે જણાવ્યું હતું. જાેકે, કોર્ટે તેમનો દીકરો ગુમ થયો હોવાના પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું. પિતા પાસે જે હતું તે દર્શાવ્યું અને કોર્ટને જણાવ્યું કે ૨૦૦૬માં આવેલા પૂરમાં પોલીસના જે પુરાવા હતા તે ધોવાઈ ગયા છે.

વર્ષ ૨૦૧૬માં કોર્ટ દ્વારા તેમનો દીકરો ગુમ થયો હતો તે પછીના ૧૦ વર્ષની સમય સીમા કરતા વધુ સમય થઈ ગયો હોવાનું કહીને તેમની અરજીને ફગાવી દેવામાં આવી હતી. નીચલી કોર્ટમાંથી ન્યાય ના મળતા આખરે તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

આ મામલે ગુજરાત હાઈકોર્ટના જજ એપી ઠાકરે તેમની અરજી સ્વીકારી અને સરકારને ઓર્ડર કર્યો કે તેમનો દીકરો જે દિવસે ગુમ થયો છે તે તારીખનું મૃત્યુનું પ્રમાણપત્ર તેમને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે એવું જરુરી નથી કે પરિવારના સભ્યની માત્ર ૭ વર્ષ સુધી રાહ જાેવામાં આવે, ઘણાં કિસ્સામાં દાયકાઓ સુધી સુધી પણ રાહ જાેવામાં આવતી હોય છે.

એવી કોઈ ધારણા ના હોઈ શકે કે તે એક નિશ્ચિત સમય પછી, પરિવારના સભ્યો પોતે એવું માની લે કે ગુમ થયેલી વ્યક્તિ કઈ તારીખે કે ચોક્કસ સમયમા મૃત્યુ પામી હશે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.