Western Times News

Gujarati News

જસદણ તાલુકા પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચારની રાવ

રાજકોટ, જસદણ તાલુકા પંચાયત કચેરીમાં અંદરખાને વ્યાપેલા ભ્રષ્ટાચારના ગણગણાટ વચ્ચે ભ્રષ્ટાચાર ખૂલીને બહાર આવ્યો છે. તાલુકા પંચાયતના ૨ ઈજનેર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની રાવ ઉઠી રહી છે. જેમાં આ ઈજનેરોએ ફાઈલો પાસ કરવા સહિતના કામ માટે મકાન ભાડે રાખી તેમાં ઓફિસ બનાવી દીધી છે.

Corruption by 2 engineers in Jasdan taluka panchayat office

જ્યાં ફાઈલો પાસ કરાવવા જેવા ગ્રાહક અને ગરજ તે મુજબ જબરું કમિશન લઈ તંત્રને ધુંબો મારવામાં આવી આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મામલે મદાવા ગામના સરપંચ જયેશ જતારાએ આક્ષેપો કરી આ મામલે સ્ટીંગ ઓપરેશન પણ કર્યું હતું.

જાણવા મળતી વિગત અનુસાર ઈજનેરો દ્વારા એક, બે નહી પરંતુ છેલ્લા ૪ વર્ષથી આ પ્રકારનો ખેલ આચરવામાં આવતો હોવાનો સ્થાનિકોમાં સૂર ઉઠ્‌યો છે. તગડી કામણી રોળવા સરકારી ફાઇલ અને સ્ટેમ્પ સહિતના સાહિત્યને કચેરીની બહાર ભાડાની ઓફીસે પણ ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

જસદણના વાજસુરપરા શેરી નંબર-૩ માં એક ભાડાના મકાનમાં ગેરકાયદેસર ચાલતી તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાનો પર્દાફાશ થયો છે. જેમાં બે અધિક મદદનીશ ઈજનેર સરકારી દસ્તાવેજાે સાથે રંગેહાથ ઝડપાયા હતા.

છેલ્લા ચારેક વર્ષથી બન્ને ઈજનેરો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની ફાઈલો, ટીડીઓ સહિતના રબ્બર સ્ટેમ્પ, કોમ્પ્યુટર સીસ્ટમ સહિતનો ઉપયોગ કરી બીલ પાસ કરાવવાની ટકાવારી લેવા માટે આ મકાનનો ઉપયોગ કરતા હોવાનો સરપંચોએ આક્ષેપો કર્યા છે.

જસદણ તાલુકા પંચાયત કચેરીમાં અધિક મદદનીશ ઈજનેર તરીકે નોકરી કરતા મૂળ મેસવડાના અને હાલ રાજકોટના નવાગામમાં રહેતા ઠાકરશી કોબીયા અને ગઢડા(સ્વામી) રહેતા નીરવ મકવાણા દ્વારા કચેરી હેઠળ આવતા દરેક ગામોના સરપંચો સહિતના કોન્ટ્રાક્ટરો પાસે કામનું બીલ પાસ કરાવવાનો ૭ ટકાથી ૯ ટકા સુધી વહીવટ કરતાં હતા.

જેનું મદાવા ગામના સરપંચ સહિતનાની સ્ટીંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બંને ઇજનેરો તથા રમેશ સાંકળીયા નામનો વચેટીયો ગ્રામપંચાયતના કામોની માપણી શીટ સહિતની અગત્યની સરકારી દસ્તાવેજી ફાઈલોનો ઉપયોગકરતાં ઝડપાયા હતા.

ત્યારબાદ ઈજનેર અને વચેટીયા સહિતના લોકો સરકારી દસ્તાવેજાે તેમજ મોબાઈલ સહિતનું તમામ સાહિત્ય રેઢું મૂકીને ભાગી ગયા હતા. મકાનમાથી સ્ટેમ સહિતની સામગ્રી મળી હતી.

જસદણ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના બે અધિકારી સમાંતર કચેરી ચલાવતા હોવાનો સ્ટિંગ ઓપરેશનમાં પર્દાફાશ કર્યા બાદ રાજકોટના ડીડીઓ દેવ ચૌધરીએ ત્વરિત કાર્યવાહી હાથ ધરી તપાસના આદેશ આપ્યા હતા તેના અનુસંધાને ડેપ્યુટી ડીડીઓએ જસદણ જઈ સજ્જડ પુરાવા એકત્રિત કર્યા છે.

જ્યારે જે બે અધિકારી ભ્રષ્ટાચારની કચેરી ચલાવતા હતા તે બન્નેને રાજકોટ હેડક્વાર્ટર ખાતે બેસાડી દઈ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી ન કરવા આદેશ કરી દેવાયો છે ત્રણ અધિકારીની ટીમની રચના કરવામાં આવી છે.

આ ટીમ ૧૦ દિવસ સુધી સમગ્ર મામલે તપાસ કરશે ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીને રિપોર્ટ આપશે ડેપ્યુટી ડીડીઓ બ્રિજેશ કાલરિયાને જસદણ દોડાવાયા હતા. તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સજ્જડ પુરાવા મળ્યા છે. આ ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવામાં આવતા જસદણના ટીડીઓ કૌશિકકુમાર પરમારની તાલાલા બદલી કરી દેવામાં આવી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.