Western Times News

Gujarati News

જાતીય શોષણનો ભોગ બનેલા બાળકને ઝડપી ન્યાય અપાવવામાં ત્વરિત પોલીસની મદદ લેવા અપીલ

Appeal to the police for immediate help in getting speedy justice to the child victim of sexual abuse

બાળકો પરના જાતીય શોષણના ગુનાઓના ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં કડક સજા અપાવી ગુજરાતે ઈતિહાસ સર્જ્યો છે : ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ગુન્હાની ગભીરતાને સમજી રાત દિવસ જોયા વિના ગુનાની ઝડપી તપાસ કરનાર પોલીસ અધિકારીઓ તથા ન્યાયતંત્રની કામગીરીને મંત્રીશ્રીએ બિરદાવી

ગુજરાતમાં ૬૦ દિવસોમાં ચાર્જશીટને બદલે ચુકાદોઃ ત્વરિત ન્યાય વ્યવસ્થાથી હવે ગુનેગારો પર લગામ લાગી છે

“બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો” વિષય પર NFSU ખાતે એક સલાહકારી બેઠક યોજાઈ

 

View this post on Instagram

 

A post shared by Western Times (@westerntimesguj)

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળ, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તેમજ  બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના સંયુક્ત ઉપક્રમે “બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં ભોગ બનનારને મદદરૂપ થવા

માટેના પાસાંઓ અને પોક્સો એક્ટ અમલીકરણમાં અવરોધક પરિબળો” વિષય પર આજે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક સલાહકારી બેઠક યોજવામાં આવી હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા કોર્ટના ન્યાયાધીશશ્રીઓ, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના વકીલો, ફોરેન્સિક નિષ્ણાંતો તથા આઠ રાજ્યના પોલીસ અધિકારીઓ તથા રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

બાળકો પરના જાતીય શોષણના ગુનાઓમાં કન્વીક્શન રેટ વધારવાની દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં આયોજિત કરવા બદલ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગનો આભાર વ્યક્ત કરી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, બાળકો ઉપર થતી જાતીય સતામણી અટકે

તથા આ પ્રકારના ગુનાઓ આચરતા વિકૃત નરાધમોને કડકમાં કડક સજા થાય તે બાબતમાં વિશેષ ગંભીરતા ખૂબ જ જરૂરી છે. આ પરિસંવાદ તે દિશામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે. બાળકો ઉપર જાતીય સતામણીના ગુનાઓમાં પોલીસ ફરિયાદથી માંડીને ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ,

સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવા માટે ફોરેન્સિક સપોર્ટ તેમજ કોર્ટ કાર્યવાહી અને ગુનામાં સજા સુધીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન સવિશેષ બારીક તકેદારી રાખવી જરૂરી છે. જેના કારણે જ ગુજરાતમાં આવા ગુનેગારોને ખૂબ જ ટૂંકા સમયગાળામાં ચાર્જશીટ અને કડક સજા અપાવવામાં સફળતા મળી છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, બાળકોની સુરક્ષા એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહનો પણ હરહંમેશથી સંકલ્પ રહ્યો છે ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાત અવિરત આગળ વધી રહ્યું છે અને પોક્સો એક્ટનું પાલન ગુજરાતમાં ખૂબ જ કઠોરતા, કડકાઈ અને ગંભીરતાથી કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં બાળકો ઉપર થતી જાતીય સતામણીના ગુનાઓમાં વિશેષ ગંભીરતા દાખવીને ગણતરીના દિવસોમાં જ ગુનાની ચાર્જશીટ અને તે ગુનાના આરોપીઓને કડક સજા આપ્યાના અનેક દાખલાઓ છે. તેના માટે રાત દિવસ જોયા વિના ગુનાની તપાસ કરનાર પોલીસ અધિકારીઓનો તથા ન્યાયતંત્રનો મંત્રીશ્રીએ ખાસ આભાર માન્યો હતો.

ગુજરાતમાં નાગરિકોને પોક્સો એક્ટના પાલન ઉપર વિશ્વાસ છે તેની પાછળ આ ગુનાઓમાં ગુજરાત પોલીસનું ઝડપી ઇન્વેસ્ટિગેશન, ચાર્જશીટ અને જસ્ટિસ ડિલિવરી સ્પીડ કારણભૂત છે. મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૬૦ દિવસોમાં ચાર્જશીટને બદલે ગુજરાતમાં ૬૦ દિવસમાં ચુકાદો આવી જાય અને‌ આ ગુનામાં ભોગ બનનાર બાળકો તથા તેના પરિવારને ત્વરિત ન્યાય મળે તે પ્રકારની વ્યવસ્થાને કારણે ગુજરાતમાં હવે આવા ગુનેગારો પર લગામ લાગી છે.

મંત્રીશ્રીએ છેલ્લા સાત-આઠ મહિનામાં પોક્સો અંતર્ગત ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ અને તે પહેલા ગુનામાં પોલીસે રાત-દિવસ એક કરીને ખુબ જ ઝડપી કરેલી તપાસ અને ચાર્જશીટના દાખલા આપી જણાવ્યું હતું કે, બાળકોની સુરક્ષા એ આપણા સૌની સૌથી મોટી જવાબદારી છે.

વિવિધ સરકારની રાજકીય વિચારધારા અલગ હોઈ શકે પણ સમાજ પ્રત્યેની જવાબદારી એક જ હોવી જોઈએ. બાળકો સાથે જાતીય સતામણી કરતા તત્વોને કડકમાં કડક સજા થાય તે આપણી સૌની જવાબદારી છે અને તે માટે આપણે સૌ પોલીસ તંત્ર, ન્યાય તંત્ર તેમજ બાળ અધિકાર સંરક્ષક સંસ્થાઓએ એક થઈને જાગૃતતા લાવવી પડશે.

સમાજના અગ્રણીઓને નમ્ર અપીલ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, બાળક જ્યારે જાતીય શોષણનો શિકાર બને છે ત્યારે સમાજ શું કહેશે તે ડર પરિવાર-સમાજનું સૌથી મોટું દૂષણ છે. આ દૂષણ દૂર કરવાની જરૂર છે અને જાતીય શોષણનો ભોગ બનેલા બાળકને ન્યાય અપાવવામાં ત્વરિત પોલીસની મદદ લેવામા આવે તો આ પ્રકારના ગુનાઓને નિયંત્રણમાં લાવવામાં ખુબ જ ઝડપી સફળતા મળશે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ કે, બાળકો વિરૂદ્ધ થતા જાતીય અત્યાચારના ગુનાઓમાં એક સ્પષ્ટ તારણ બહાર આવે છે કે, ભોગ બનનાર બાળકનુ જાતીય શોષણ અજાણ્યા તત્વો ઉપરાંત મહદંશે પડોશી, સંબંધી-ઓળખીતાઓ કે જાણભેદુ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે. જે અંગે બાળકો તથા પરિવારજનોમાં જાગૃતતા લાવવા આ દિશામાં વિશેષ અભ્યાસ કરવાની જરૂર છે.

શ્રી સંઘવીએ કહ્યુ કે, ગુનેગારોમાં આ પ્રકારના ગુના આચરતા પહેલા ગુનાની ગંભીરતા સમજાય તે માટે દક્ષીણ ગુજરાતમાં અમે એક પહેલ શરૂ કરી છે. સજા પામેલા ગુનેગારોની મનોસ્થિતિ, પસ્તાવા તથા પરિવારની માનસિક સ્થિતિ દર્શાવતી દસ્તાવેજી ફિલ્મો બનાવી નાગરિકો વચ્ચે જઇ પોલીસ તંત્ર દ્વારા તેને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેનાથી સમાજમાં જાગૃતિ આવે અને આવા ગંભીર ગુનાઓ આચરતા પહેલા ગુનેગારોમાં ડર પેદા થાય.

આ સલાહકારી બેઠકમાં પોક્સો એક્ટના અમલીકરણમાં અવરોધરૂપ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી હતી. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન શ્રી પ્રિયાંક કાનુનગોએ જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં આવી જ વિવિધ ઝોનની બેઠકો ઓરિસ્સા, અરુણાચલ પ્રદેશ અને મણિપુર ખાતે યોજાઇ ગઇ છે. જેમા પોક્સો અધિનિયમ-૨૦૧૨ના અમલીકરણમાં રહેલી ખામીઓ અને પડકારરૂપ મુદ્દાઓના નિરાકરણ અંગે ચર્ચાઓ કરી તેના માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

જેના નિષ્કર્ષ સ્વરૂપે પોક્સોની જોગવાઈઓને જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અને બાળ સંરક્ષણની યોજનાઓ સાથે જોડવામાં આવશે. તપાસકર્તા પોલીસ અધિકારીઓ, મેડિકલ અને ફોરેન્સિક નિષ્ણાતો, વકીલો, પબ્લિક પ્રોસિક્યુટર વગેરેની આવા ગંભીર કેસોની સંવેદનશીલતા અંગેની તાલીમ આપી ટ્રાયલ કોર્ટમાં પોક્સો અંગેના કેસોનું ભારણ ઘટાડવા માટેના નિરાકરણમાં મદદ લેવા સહિતના પગલાઓ રોડમેપમાં સામેલ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય સચિવ શ્રીમતી રૂપાલી બેનર્જી, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ.પૂર્વી પોખરિયાલ, બ્યુરો ઑફ  પોલીસ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના નાયબ નિયામક શ્રી અનુરાગ કુમાર, સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડેમીના સેન્ટર ફોર ચિલ્ડ્રનના ફેકલ્ટી ઇન્ચાર્જ ડૉ.કે.પી.એ ઇલિયાસ, રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ શ્રી અશોકકુમાર જૈન તેમજ મધ્ય પ્રદેશ, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, છત્તીસગઢ તેમજ ઝારખંડ મળી આઠ રાજ્યના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.