Western Times News

Latest News from Gujarat India

નિરમા યુનિવર્સિટીમાં નવનિર્મિત ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ – ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીના રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરના હસ્તે કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે નિરમા યુનિવર્સિટીના નવનિર્મિત ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ ટ્રિલિયન ડોલરની ભારતની ઈકોનોમી બનાવવાના સ્વપ્નને સાકાર કરવા સ્ટાર્ટઅપ અને ઈનોવેશન ખૂબ મોટી ભૂમિકા ભજવશે. આ પાંચ ટ્રિલિયન ડોલરની ઈકોનોમીમાં એક ટ્રિલિયન ડોલરનું પ્રદાન ડિજિટલ ઈકોનોમીનું હશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિરમા યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર ઉદ્યોગસાહસિક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી એવા ઇનોવેશન, પ્રિ-ઇન્ક્યુબેશન અને ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ સપોર્ટ પૂરો પાડે છે જે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે મુખ્ય જરૂરી બાબતો છે. ઇન્ક્યુબેશન સેન્ટરમાં અનુભવી ફેકલ્ટી સભ્યો,  સંશોધકો અને ઉત્કૃષ્ટ ઉદ્યોગ સાહસિક સુવિધાઓ થકી યુનિવર્સિટી સિસ્ટમમાં જ નવા વિચારોને એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.

યુવા સંશોધકોની ઉદ્યોગ સાહસિકતાને ખીલવવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર એક મહત્વનું પાસું છે.  ઇન્ક્યુબેટર સેન્ટરનો અનુભવી શિક્ષકગણ સ્ટાર્ટઅપ માટે ટેક્નોલોજી, ઇન્કેલેચ્ય્અલ પ્રોપર્ટી રાઇટ્સ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને વિસ્તરણના ક્ષેત્રોમાં વિવિધ તબક્કાઓ પર માર્ગદર્શન પૂરું પાડે છે.

ઇન્ક્યુબેશન સેન્ટરને યુનિવર્સિટી દ્વારા તેમજ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની SSIP નીતિ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી ટીમને રૂ. 2 લાખ સુધીની SSIP –(સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી) ગ્રાન્ટ મળે છે ઉપરાંત પેટન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ફાઇલ કરવા માટે નાણાકીય સહાય પણ મળે છે. યુનિવર્સિટી પાસે 10,000 ચોરસ ફૂટની સમર્પિત જગ્યા છે જેમાં કો-વર્કિંગ સ્પેસ, ઓફિસો, કોન્ફરન્સ રૂમ અને પ્રયોગશાળાઓ છે.

કેન્દ્રિય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે આગામી સમયમાં ભારતમાં રહેલી યુવાનો માટેની તકો અંગે વાત કરતાં કહ્યું કે, આગામી વર્ષોમાં ભારતમાં ભરપૂર તકો રહેલી છે. આ તકનો લાભ આજના યુવાનોએ જરૂરથી લેવો જોઈએ.

ગુજરાતના સ્ટાર્ટ અપ ક્ષેત્ર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. આવનારા સમયમાં ગુજરાત સ્ટાર્ટ અપ હબ તરીકે પણ ઉભરી આવે એ દિશામાં આગળ વધી રહ્યું છે. આ ક્ષેત્રમાં કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને તમામ પ્રકારની મદદ પણ કરવામાં આવી રહી છે.

Nirma University Incubation centre ahmedabad

તેમણે ઉમેર્યું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીનું દેશના યુવાનોને લઇને જે વિઝન છે તેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાકાર કરી રહી છે.

આ અવસરે સ્ટાર્ટઅપ આંત્રપ્રિન્યોર સાથે સંવાદ સાધતા કેન્દ્રિય મંત્રીશ્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયાના સ્તંભ પર નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ પ્રસંગે શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, આવનારો દાયકો ઇન્ડિયાનો છે. આવનારા 10 વર્ષ “ન્યૂ ઇન્ડિયા ફોર યંગ ઇન્ડિયા”ના સૂત્રને સરકાર યુવાઓ સાથે મળીને સાર્થક કરશે. ભારતમાં ટેકનોલોજી અને સ્કીલ ડેવલપમેન્ટ ક્ષેત્રે રહેલી વિશાળ તકો દેશમાં “Techade of opportunities” સર્જશે. આજે ડિજિટલ ટેક્નોલોજી વડે સરકાર દ્વારા પહોંચાડાતી સહાય સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં DBTના માધ્યમથી પહોંચે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આજે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કોઈ મોટા ફેમિલીમાંથી હોવું જરૂરી નથી. સરકારની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી અને અન્ય સહાયો સ્ટાર્ટઅપને વિચારબીજની શરૂઆતથી લઇને માર્કેટમાં લઇ જઇને સ્કેલઅપ કરવા સુધીનું પ્લેટફોર્મ પૂરું પાડે છે એમ શ્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આજે ભારત સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સહિસકતાના મોટા માર્કેટ તરીકે ઉભરી રહ્યું છે અને ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ઈન્ટરનેટ, ટેકનોલોજી,  ડિજિટલ,  સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં ભારતના ઘણા સ્ટાર્ટઅપ ઊભરી આવ્યા છે. એટલું જ નહીં, આજે ભારત સેમીકન્ડકટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે એ આપણા સૌ માટે એક ગૌરવની વાત છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરની ઉપસ્થિતિમાં નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સફળ સ્ટાર્ટ-અપને સર્ટિફિકેટ અને મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે,  ‘વિદ્યા થકી સમાજનો ઉત્કર્ષ’ એ વિધાનને નિરમા યુનિવર્સિટીએ ખરેખર ચરિતાર્થ કરી બતાવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, નિરમા યુનિવર્સીટીમાં વિવિધ વિદ્યાર્થીઓના સર્જનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરીને તેને સફળ પ્રોજેક્ટમાં મુકવા માટે તથા તમામ પ્રકારની સહાય પૂરી પાડવા ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના પણ કરવામાં આવી છે. આ સેન્ટરને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલીસી હેઠળ ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે માન્યતા પણ મળી છે.

નિરમા યુનિવર્સિટીમાં આશરે ૫૦૦થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ ‘જોબસિકરને બદલે જોબ ક્રીએટર’ બન્યા છે. તેઓએ IOT, નેટવર્કિંગ વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન ડેવલોપમેન્ટ, સોફ્ટવેર ક્વોલિટી એસ્યુરન્સ, હાઈ પરફોર્મન્સ કોમ્યુટિંગ ઓટોમોબાઈલ મેનેજમેન્ટ, બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સર્વિસ, હેલ્થકેર, ઇન્સ્ટુમેન્ટ કંટ્રોલ સિસ્ટમ, ઇલેક્ટ્રોનીક્સ સિસ્ટમ, સોલાર એનર્જી, ઇલેક્ટ્રિક વ્હિકલ મેનેજમેન્ટ સિસ્ટમ જેવા વિવિધ ક્ષેત્રો વિકસાવ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા  શ્રી કુબેરભાઈ ડીંડોરે કહ્યું કે, વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૦ એમ સતત બે વર્ષ સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર-૧ પર રહ્યું છે. ભારત સરકાર તરફથી ગુજરાતને શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘બેસ્ટ પર્ફોમન્સ સ્ટેટ’નો  એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

આઇ-હબની વાત કરતા તેમણે કહ્યું કે, ૩૨૫ જેટલા સ્ટાર્ટઅપ ઇનોવેશન આઇ હબ ( i-Hub ) ખાતે કાર્યરત છે. આવનાર દિવસોમાં ૧.૫ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં એક સાથે ૫૦૦થી પણ વધુ સ્ટાર્ટઅપ કામ કરી શકે તેવું અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડીંગ તૈયાર થઇ રહ્યું છે જેનું ખુબ જ ટુંકા ગાળામાં ઉદ્ગાટન કરવામાં આવશે.

આપણો દેશ ટેકનોલોજી ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. દેશ દુનિયાના લોકો આ ક્ષેત્રોમાં વધુમાં વધુ રોકાણ કરી રહ્યા છે ત્યારે ભારત અને ગુજરાતના યુવાનો માટે નવી તકો રહેલી છે.  આજનો યુવાન સમાજને મદદરૂપ થવા માટે સ્ટાર્ટટઅપ ક્ષેત્રમાં નવા નવા ઇનોવેશન પણ કરી રહ્યો છે જે ભારત અને ગુજરાત માટે ગૌરવની વાત છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના હાયર એજ્યુકેશનના કમિશ્નર શ્રી એમ.નાગરાજન, ટેક્નિકલ એજ્યુકેશનના કમિશ્નર શ્રી જી.ટી.પંડ્યા, નિરમા યુનિવર્સિટીના ચેરમેનશ્રી કરસનભાઇ પટેલ, નિરમા યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી કે.કે. પટેલ, નિરમા યુનિવર્સિટના ડાયરેક્ટર જનરલ શ્રી ડૉ.અનુપ કે સિંઘ, રજિસ્ટ્રાર શ્રી જી.આર.નાયર,  શિક્ષણ વિભાગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers