Western Times News

Gujarati News

રથયાત્રાની રુટ સમીક્ષા દરમિયાન લાગ્યા કોમી એકતા જિંદાબાદના નારા

ahmedabad rathyatra route

ખાડિયા, રાયપુર, કાલુપુર, પ્રેમદરવાજા, તંબુ ચોકી સહિતના વિસ્તારોમાં સામાજિક-ધાર્મિક આગેવાનોએ કર્યું સ્વાગત, સન્માન

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં  અમદાવાદ પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’-ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’

અમદાવાદ પોલીસનું આ આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે
આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા રથયાત્રાના રૂટના એક પછી એક પડાવો પસાર કરતી આગળ વધી હતી. 16 કિલોમીટરના રથયાત્રાના રુટ પરનાં ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

પોલીસ કાફલો જ્યાં જ્યાંથી પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તાઓ પર ‘કોમી એકતા ઝિંદાબાદ’, ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’, ‘જય રણછોડ, માખણચોર’ના નારા લગાવવામાં આવ્યા હતા. જેનાથી આખોય રુટ પર ભક્તિમય ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

રથયાત્રાના મહત્ત્વના પડાવ એવા તંબુ ચોકીમાં સામાજિક આગેવાનોએ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીનું શાલ ઓઢાડી સન્માન કર્યું. અહીં પત્રકાર પરિષદને સંબોધતાં શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,  145મી જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ખૂબ સારી રીતે ચાલી રહી છે. આસ્થા અને વ્યવસ્થા સાથે એકતાનો સંદેશ આપતી આ રથયાત્રા છે. મોટી સંખ્યામાં શહેરીજનો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ માટે અમદાવાદ પોલીસ દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના 25,000 જવાનો જોડાયા છે, જેમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિયલ ટાઈમ રિહર્સલ કર્યું છે.

15થી વધુ વિભાગો સાથેનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે. અમદાવાદ પોલીસનું આ આયોજન આસ્થા અને વ્યવસ્થાના ક્ષેત્રે શૈક્ષણિક સંસ્થાઓ માટે કેસ સ્ટડી સમાન છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થનાર છે એ તમામ સ્થળો પર સલામતી સંબંધી તમામ પાસાંઓને આવરી લેતી  360 ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટ પરમાર, સ્થાનિક રાજકીય આગેવાનો અને વિવિધ NGOના પ્રતિનિધો અને સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આમ, રથયાત્રા પહેલાની આ ‘સલામતી સમીક્ષા યાત્રા’ ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બની રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.