Western Times News

Gujarati News

૧લી ઓકટોબરે ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાનો મતદાર નોંધણી કરાવી મતાધિકાર પ્રાપ્ત કરી શકશે 

voting rights for 18 year old

ખાસ મતદાર સુધારણા કાર્યક્રમનો ૧લી ઓગસ્ટથી પ્રારંભ -રાજ્યભરમાં મતદાર સુધારણા કાર્યક્રમ અન્વયે મતદારયાદીમાં સુધારા-વધારા કરાવી શકાશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તેવા ગુજરાત રાજ્ય  માટે મતદારયાદીમાં નામ નોંધણી, સુધારા-વધારા કરાવવા અને નામ કમી કરવા માટેનો ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે અન્વયે તા.૧લી ઓકટોબર, ૨૦૨૨ની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.મતદારયાદીને અંતિમ કરવા માટે ૧લી ઓકટોબર, ૨૦૨૨ની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓ અને ફોટા સાથેની મતદારયાદીને અંતિમ કરવા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

જે અન્વયે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્વેની પ્રવૃત્તિઓના ભાગરૂપે તા.૩૧-૭-૨૦૨૨ સુધીમાં મતદાન મથકોની ભૌતિક ચકાસણી અને મતદાન મથકોની પુન: ગોઠવણી, મતદારોની વિગતોમાં પુનરાવર્તન દુર કરવા, ફોટાઓનું પુનરાવર્તન દૂર કરવા

તેમજ EPIC ( Electors Photo Identity Card) સબંધી પ્રશ્નો નો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. તા.૧-૮-૨૦૨૨થી ૧૦-૮-૨૦૨૨ સુધી ફોર્મેટ ૧ થી ૮ ને  તૈયાર કરવા તથા તા.૧-૧૦-૨૨ની લાયકાતની તારીખને અનુરૂપ પૂરવણી અને સંકલિત મતદાર યાદીનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે.

ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે તા. ૧૨-૮-૨૦૨૨ના રોજ સંકલિત મતદારયાદીના   મુસદ્દાની પ્રસિધ્ધિ કરવામાં આવશે. તા.૧૨-૮-૨૦૨૨ થી ૧૧-૯-૨૦૨૨ સુધી હક્ક-દાવા અને વાંધા રજૂ કરી શકાશે. આજ સમયગાળા દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા નક્કી

કરાયેલા શનિવાર-રવિવારે  આ પ્રકારના હક્ક-દાવા અને વાંધાના નિકાલ માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મતદારો દ્વારા રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધાઓનો તા.૨૬-૯-૨૦૨૨ સુધીમાં નિકાલ કરવામાં આવશે. તા.૧૦-૧૦-૨૦૨૨ના રોજ અંતિમ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે.

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને  તાલીમ અને ઓરિએન્ટેશન તથા બુથ લેવલ અધિકારીઓને નિમણૂક તા.૩૧-૭-૨૦૨૨  સુધીમાં  પૂર્ણ કરી દેવાની રહેશે. મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રવૃત્તિઓ ભારતના ચૂંટણી પંચની વખતોવખતની સૂચનાઓ અને નિર્દેશ પ્રમાણે તથા મતદારયાદી મેન્યુઅલ , ૨૦૧૬ અને મતદાન મથક. મેન્યુઅલ,  ૨૦૨૦ પ્રમાણે હાથ ધરવાની રહે છે.

કેન્દ્રિય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચ સાથે પરામર્શ કર્યા બાદ લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ (૧૯૫૦નો ૪૩મો)ની કલમ -૨૮માં મળેલી સત્તાની રૂએ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારા અંગે તા.૧૭મી જૂન,૨૦૨૨ના જાહેરનામા દ્વારા જરૂરી અધિસૂચના જારી કરવામાં આવી છે. તે મુજબ મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦માં સુધારો કરવામાં આવતા હવે મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ તરીકે ઓળખાશે.

હાલની મતદાર યાદીમાં સમાવિષ્ટ મતદાર અથવા તો નવા સામેલ થનાર મતદારો માટે આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરવા તથા મતદાર તરીકે યાદીમાં સુધારા-વધારા કરવા માટેના ફોર્મ નં. ૬, ૭, ૮ માં સુધારો કરી નવા ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી લાગુ પડશે.મતદારો ફોર્મ- ૬બી ભરીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા ઉપરોક્ત નિયમોના નિયમ-૨૬માં મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નિયમ-૨૬ના પેટા નિયમ-૧એ મુજબ હવે મતદાર તરીકે નામ નોધણી માટે વર્ષ દરમ્યાન ચાર જુદી-જુદી લાયકાતની તારીખો નક્કી કરવામાં આવી છે.

એટલે કે, તા.૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓકટોબરના રોજ મતદાર તરીકેની યોગ્યતા ધરાવતા હોવ એટલે કે ૧૮ વર્ષ પૂ્ર્ણ થતા હોય તો મતદાર યાદીમાં નામ નોંધાવી શકાશે.અગાઉ વર્ષમાં માત્ર એક જ વાર એટલે કે, ૧લી જાન્યુઆરીના દિવસની લાયકાત ધ્યાનમાં લેવાની રહેતી હતી.  પ્રવિણ સોનારીયા / દિનેશ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.