Western Times News

Gujarati News

ઉ. ગુજરાત અને સૌરાષ્ટ્રની નહેરોમા 7 દિવસ સુધી પ્રતિદિન  ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડાશે

પ્રતિકાત્મક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો  ખેડૂતોના હિતલક્ષી વધુ એક નિર્ણય

ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી  વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે

પાણી પુરવઠા અને જળસંપતિ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે નહેરો થકી અને નર્મદાની નહેરો સાથે જોડાયેલા તળાવો ભરીને ખેડૂતોને ખરીફ પાકની વાવણીનો મહત્તમ લાભ આપવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નર્મદા મુખ્ય નહેરોમાં પ્રતિદિન ૧૭૦૦૦ ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

સતત એક અઠવાડિયા સુધી છોડવામાં આવનાર પાણીથી 11 લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ બનશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો અને આગેવાનોની લાગણી અને માંગણીઓને ધ્યાને લઇ

આ વિસ્તારોમાં સિંચાઇ માટે પૂરતુ પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.  ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે.

ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધુ તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે. રાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું છે.

આ પ્રસંગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાજેતરમાં કરમાવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈધ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. કરમાવત માટે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પંસદ કરીને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. અંદાજીત રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૧૧૨ હેક્ટર વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાંખીને ૭૦ જેટલા ગામોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.   -અમિતસિંહ ચૌહાણ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.