ચોટીલાના જાનીવડલા ગામના લોકો ઇયળોથી પરેશાન
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના ચોટીલા આસપાસના ગામોને લાલ ઇયળોએ બાનમાં લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે.
નોંધનિય છે કે, ચોમાસાની ઋતુના પ્રારંભની સાથે જ માખી, મચ્છર અને જીવાત ઉપરાંત પાણી ભરાવા અને બીમારીના સંક્રમણ સહિત અનેક સમસ્યાઓ માથું ઉચકતી હોય છે. તેવામા ચોટીલા પંથકના લોકોને વિચિત્ર સમસ્યા જાગી છે.
ચોટીલા આસપાસના ગામોમાં ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. ગામોમાં શેરીઓમાં, દીવાલોમાં અને ઘરમાં જ્યાં જુઓ ત્યાં ઈયળો જ દેખાતી હોય તેવી સ્થિતિ જન્મી છે. જેને લઈને લોકોને ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે.ચોટીલાના જાનીવડલા સહિત અનેક ગામોના લોકો ઇયળના આતંકથી પરેશાન થયા છે.
દર વર્ષની સમસ્યાની જેમ ચોમાસું નજીક આવતાની સાથે ઇયળો ઉભરાઈ આવતી હોવાથી સ્થાનિકો તોબા પોકારી ગયા છે. ઘરની દીવાલો અને ચીજવસ્તુઓ પર ઇયળો ચોંટી જતી હોવાથી લોકોને પોતાના ઘરમાં પગ મૂકવો કપરૂ બની રહ્યું છે.
જેથી ઈયળોનો ત્રાસ માથાના દુખાવા સમાન સમસ્યા બની છે. એટલુ જ નહી ઇયળના કારણે મહિલાઓ ખુલ્લામાં રસોઇ બનાવવા મજબૂર બની છે. ઇયળના ઉપદ્રવને કંટાળી ગામલોકોએ તંત્રને પણ રજૂઆત કરી છે.
પરંતુ આ બાબતે તંત્ર પણ ઈયળોને દૂર કરવામા ક્યાંકને ક્યાંક વામણું પુરવાર થઈ રહ્યું હોય તેવું લોકોને લાગી રહ્યું છે.
નાની સાઇઝની દેખાતી ઈયળોને દૂર કરવા ગ્રામજનો દવાનો છંટકાવ કરવા ઉપરાંત, આગ લગાડી આડસ કરવા સહિતના અનેક પ્રયત્નો કરવા છતાં પણ લોકો ઇયળોના ત્રાસમાંથી મુક્ત થયા નથી.
એટલું જ નહી ઈયળો નથી શાંતિથી લોકોને જમવા દેતી કે નથી સૂવા દેતી. આથી નવી ઉપાધિથી કંટાળી ગયેલા લોકો તંત્ર પાસેથી રાહતની માંગ કરી રહ્યા છે.SS3KP