Western Times News

Gujarati News

૪ લાખ જેટલા ડાક કર્મયોગીઓ ઓનલાઇન તાલીમ મેળવી શકે તેવું “e-learning portal” વિકસાવ્યું

e-learning software for postman

પ્રતિકાત્મક

(માહિતી) વડોદરા, વડોદરામાં ડાક વિભાગનું એક મધ્યમ સ્તરનું પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટર(પી.ટી.સી.)છે અને દેશમાં વડોદરા સહિત આવા કુલ ૬ પીટીસી છે.આ પૈકી વડોદરાના પોસ્ટલ ટ્રેનિંગ સેન્ટરે સમગ્ર ડાક વિભાગને ડિજિટલ તાલીમમાં ખૂબ ઉપયોગી એવું ભગીરથ કામ રાત દિવસ સખત મહેનત કરીને કર્યું છે જેની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. Developed an e-learning portal where 4 lakh postal workers can get online training

આ સેન્ટરના નિયામક શ્રી દિનેશકુમાર શર્માના સઘન માર્ગદર્શન અને નાયબ નિયામક શ્રી આર.એસ. રઘુવંશીના સક્રિય નેતૃત્વ હેઠળ ૧૫ સદસ્યોની ટીમે એક ડેડિકેટેડ વેબસાઈટ આધારિત ઓનલાઇન ડાક કર્મયોગી ઈ લરનીંગ પોર્ટલ વિકસાવ્યું છે જે ચાર લાખથી વધુ કર્મચારીઓને ઘેર બેઠા બે પ્રકારના કોર્સની તાલીમ મેળવવામાં ઉપયોગી બનવાની સાથે આખા દેશમાં આવેલા આ વિભાગના ૫૦૦ જેટલા નાના મોટા તાલીમ કેન્દ્રોમાં પણ ખૂબ ઉપયોગી બનશે.વડોદરા પી.ટી.સી.ની આ ઘણી મોટી સિદ્ધિ છે.

તાજેતરમાં આ પોર્ટલનું નવી દિલ્હીમાં કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ અને સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુંસિંહ ચૌહાણે વિમોચન કર્યું હતું તથા તેની નિર્માતા ટીમને બિરદાવી હતી.

પી.ટી.સી.વડોદરાના નાયબ નિયામક શ્રી આર.એસ. રઘુવંશીએ જણાવ્યું કે સમગ્ર ભારતના ડાક વિભાગના ૪ લાખથી વધુ કર્મચારીઓના એમ્પ્લોયી આઇ.ડી.તેમાં દાખલ કરવામાં આવ્યા છે જેઓ આ પોર્ટલમાં લોગીન કરી શકશે અને ઘેર બેઠા ઉપલબ્ધ કોર્સની ઓનલાઇન તાલીમ લઈ શકશે,ઓનલાઇન પરીક્ષા આપી શકશે

અને ઉત્તીર્ણ કર્યાનું પ્રમાણપત્ર પ્રાપ્ત ગુણના નિર્ધારિત યોગ્યતા માપદંડોને આધીન મેળવી શકશે. હાલમાં આ ઓનલાઇન તાલીમ વ્યવસ્થા હેઠળ બે પ્રકારના કોર્સનું કન્ટેન્ટ ઉપલબ્ધ છે. જે પૈકી ગ્રામીણ ડાક સેવકો માટે ગ્રામીણ ડાક કર્મયોગી કોર્સ દેશની બાર ભાષાઓમાં ઉપલબ્ધ છે.

જ્યારે ડાક વિભાગના જેઓ કર્મચારી છે એવા પાર્સલ બુકિંગ સ્ટાફ માટે પાર્સલ દીપ કોર્સ હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે આ પોર્ટલમાં નવા કોર્સ કન્ટેન્ટ દાખલ કરી શકાશે.વડોદરા કેન્દ્રના ૧૫ સદસ્યોની સમર્પિત ટીમે લગભગ ૬ મહિના સુધી રાત દિવસનો ભેદ રાખ્યા વગર અવિરત પરિશ્રમ કરીને સર્વર, પ્રોપર નેટવર્કિંગ અને કોર્સ કન્ટેન્ટનું નિર્માણ કર્યું છે

જે ડિજિટલ ઇન્ડિયાની પ્રધાનમંત્રીશ્રી ની વિચારધારાને ડાક વિભાગની તાલીમમાં સાકાર કરે છે.આ કોર્સ સંબંધિત કર્મચારીઓ એ વિભાગના નિયમો અને તેના ધારાધોરણો પ્રમાણે કેવી રીતે પોતાનું કામ કરવું એની સરળ સમજણ આપે છે. ડાક વિભાગનું દેશનું મુખ્ય તાલીમ કેન્દ્ર ગાઝિયાબાદ માં છે.

તે પછી વડોદરા જેવા મધ્યમ સ્તરના ૬ તાલીમ કેન્દ્રો અને ૪૭૦ થી વધુ જિલ્લા કક્ષાના તાલીમ કેન્દ્રો છે.આ બધી જ તાલીમ સંસ્થાઓ માટે આ ઓનલાઈન તાલીમ સુવિધા ઉપયોગી બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.