Western Times News

Gujarati News

ખારીકટ કેનાલને 1152 કરોડના ખર્ચે ડેવલપ કરાશે

Kharikat canal to be delevoped at the cost of 1152 cr

File

(એજન્સી)અમદાવાદ, દર ચોમાસામાં પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના કારણે તબાહી સર્જનારી ખારીકટ કેનાલ પર વર્ષાે બાદ મ્યુનિ.તંત્રની મીઠી નજર પડી છે. સામાન્ય દિવસોમાં એશિયાની સૌથી મોટાં ડસ્ટબિન તરીકે ખારીકટ કેનાલ લોકોમાં જાણીતી છે. ખારીકટ કેનાલ લોકોમાં જાણીતી છે.

ખારીકટ કેનાલને સ્વચ્છ રાખવા માટે તંત્રએ ચારેક વર્ષ પહેલાં અભિયાન હાથ ધર્યું હતું. પરંતુ આરંભે શૂરા એવા મ્યુનિ.સત્તાધીશોએ ત્યારબાદ ખારીકટ કેનાલની સ્વચ્છતાને અભરાઈએ ચડાવી દીધી હતી.

ખારીકટ કેનાલની નીચાણવાળી સોસાયટીઓમાં તેમાં ઠલવાતા કચરાને કારણે મચ્છરોના ઉપદ્રવથી બારે મહિના માંદગીના ખાટલાં જાેવા મળે છે. જાેકે હવે આ બધી ત્રાસદીમાંથી લોકોને રાહત મળે તેમ છે, કેમ કે તંત્રે રૂા.૧૧૫૨ કરોડના ખર્ચે તેના વિકાસનું નક્કર આયોજન ઘડી કાઢ્યું છે.

આમ તો ખારીકટ કેનાલના વિકાસ માટે તંત્ર દ્વારા ત્રણ પ્લાન તૈયાર કરાયા હતા, જે પૈકી રૂા.૧૨૦૦ કરોડનો અંદાજ ધરાવતો ત્રીજાે અને સૌથી વધુ ખર્ચાળ વિકલ્પ તંત્રે પસંદ કર્યાે છે, જેમાં સિંચાઈના પાણીના વહન માટે ૨.૬૦ ટ ૨.૬૦ મીટરના બે પ્રિકાસ્ટ આરસીસીના બોક્સ બનાવાશે તેમજ ૬ ટ ૩.૩૦ મીટરના બે સ્ટ્રોમ વોટર બોક્સ બનાવાશે.

ખારીકટ કેનાલની પાણીની વહનક્ષમતા ૭૩.૬૩ ક્યુબિક મીટર/સેકન્ડ થશે એટલે તેની વહનક્ષમતા વધવાથી આસપાસના વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી પૂર જેવી સમસ્યા હળવી થશે.

ખાસ તો કેનાલને ઉપરથી બંધ કરીને તેના પર આશરે ૮૦થી ૯૦ ફૂટના ડામરના રોડ બનાવાશે, જેના કારણે નરોડા-નારોલ રોડ પરનો ટ્રાફિક હળવો થશે. ખારીકટ કેનાલનાં નવનીકરણથી વાહનચાલકોને નવા અને પહોળા રોડની સુવિધા મળશે.

કેનાલને બંધ કરવાથી આસપાસ રહેતા લોકો કે લારી-ગલ્લાવાળા તેમાં ક્ચરો નાખતાં અટકશે. તેની પાણીની વહનક્ષમતા વધારવાથી ચોમાસા દરમિયાનની પૂર જેવી સમસ્યા હળવી બનશે. આમ આ ડેવલપમેન્ટ પ્લાનના લોકોને અનેક ફાયદાઓ થતાં હોઈ તંત્રે તેને લગતાં કુલ પાંચ ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે.

નરોડા સ્મશાનગૃહથી વિંઝોલ વહેળા સુધીની ખારીકટ કેનાલ માટેના રૂ.૨૩૫.૮૦ કરોડનાં પહેલા ટેન્ડરમાં નરોડા સ્મશાનગૃહથી નવયુગ સ્કૂલ ક્રોસિંગનો સમાવેશ થાય છે. રૂા.૨૨૯.૯૨ કરોડનાં બીજા ટેન્ડરનાં નવયુગ સ્કૂલ કેનાલ ક્રોસિંગથી નિધિ પાર્ક સોસાયટીનો સમાવેશ થાય છે.

૨૪૧.૩૪ કરોડના ત્રીજા ટેન્ડરમાં નિધિ પાર્ક સોસાયટીની ઓઢવ ફાયર સ્ટેશન, રૂ.૨૩૧.૮૭ કરોડના ચોથા ટેન્ડરમાં ઓઢવ ફાયર સ્ટેશનથી થોમસ ઈંગ્લિશ હાઈસ્કૂલ અને રૂ.૨૫૩.૭૫ કરોડના પાંચમા અને છેલ્લા ટેન્ડરમાં થોમસ ઈંગ્લિશ હાઈસ્કૂલથી વિંઝોલ વહેળા સમાવેશ કરાયો છે.

આ સમગ્ર પ્રોજેક્ટમાં રાજ્યનો સિંચાઈ વિભાગ ૫૦ ટકા ખર્ચ ઉઠાવશે, જ્યારે ૫૦ ટકા ખર્ચ મ્યુનિ.તંત્ર કરશે. સિંચાઈ વિભાગ સાથેના સંકલનમાં રહીને આ પ્રોજેક્ટ હાથ ધરાયો હોઈ મ્યુનિ.તંત્રે તે માટે તૈયાર કરતા ત્રણે વિકલ્પ સિંચાઈ વિભાગને પાઠવ્યા હતાં. છેવટે સિંચાઈ વિભાગે રૂા.૧૨૦૦ કરોડનો વિકલ્પ પસંદ કર્યાે છે.

મ્યુનિ.તંત્ર દ્વારા કુલ ૧૨.૭૫ કિ.મી.લંબાઈ ધરાવતી ખારીકટ કેનાલ માટે પાંચ ટેન્ડર બહાર પડાયાં હોઈ તેની પ્રી-બિડ મિટિંગ તા.૬ જુલાઈ છે, જ્યારે તા.૩૦ જુલાઈએ ટેકનિકલ બિડ ખૂલશે. તંત્રે સમગ્ર પ્રોજેક્ટને બે વર્ષમાં એટલે કે જુલાઈ-૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યાે છે. જાેકે કેનાલમાં વચ્ચે વચ્ચે આવતી નરોડા જીઆઈડીસીથી પીરાણા જતી મેગાલાઈનને શિફ્ટ કરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers