Western Times News

Gujarati News

સૌને આરોગ્ય સુખાકારી, સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના: મુખ્યમંત્રી

સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી-શ્રદ્ધાપૂર્ણ માહોલમાં મુખ્યમંત્રીશ્રીને પ્રથમ વખત પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો  ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ પણ તેઓને કોરોનાનાં માત્ર હળવા લક્ષણો જ હતાં અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ જ હતા. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પહિન્દ વિધિનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં  ભક્તિભાવપૂર્વક સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજે પરંપરાગત યોજાતી રથયાત્રામાં આ વર્ષે ભગવાનના રથની સોનાની સાવરણીથી સેવા સફાઈ કરી પહિંદ વિધિ સંપન્ન કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ અષાઢી બીજે કચ્છી નૂતન વર્ષ અવસરે કચ્છી સમાજના સૌ ભાઈ બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ આપી હતી.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રીશ્રી  ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. આ પરંપરાને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને દાયકાઓ જૂની પરંપરા જાળવી રાખી છે

 

મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને  ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને  નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી  ભક્તિભાવપૂર્વક બહાર લાવવામાં સહભાગી થયા હતા

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ-બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશીષ વરસાવે અને સમાજ જીવનમાં સૌને આરોગ્ય સુખાકારી, સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે.

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભગવાન જગન્નાથજી આજે શહેરના નાગરિકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. સમગ્ર નગરજનો ઉત્સાહથી જગતના નાથને આવકારવા આતુર છે. વધુમાં તેમણે કહ્યું કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ભગવાનના દર્શન કરવા પધાર્યા હતા અને મંગળા આરતી કરી હતી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પરંપરાગત પહિંદ વિધિ કરી હતી.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ  સંઘવીએ રથયાત્રા સંદર્ભે સુરક્ષા વ્યવસ્થાનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આ યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ રથયાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ દ્વારા સંપુર્ણ રૂટમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર યાત્રાના રૂટમાં 25 હજાર જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે તૈનાત રહેશે.

આ અવસરે  મહંત દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર તેમજ ભાજપ અગ્રણીઓ અને અન્ય પદાધિકારીઓ – શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.