Western Times News

Gujarati News

2 જુલાઇ ૧૯૨૪, ના રોજ પેરિસમાં ઓલિમ્પિક દરમ્યાન ઇન્ટરનેશનલ સ્પોર્ટસ પ્રેસ એસો.ની રચના કરાઈ હતી

વિશ્વ ખેલ પત્રકાર દિવસ- લેખકઃ અજય સી. ઇન્દ્રેકર

વિશ્વ ખેલ પત્રકાર દિવસ દર વર્ષે બીજી જુલાઇએ સમગ્ર વિશ્વમાં ઉજ્વવામાં આવે છે. આ દિવસને આંતરરાષ્ટ્રીય ખેલ પત્રકાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

૧૯૯૪ માં ઇન્ટરનેશનલ સ્પોર્ટસ પ્રેસ એસોસિએશન એ તેની ૭૦મી વર્ષગાંઠ નિમિતે પ્રથમ વખત વિશ્વ ખેલ પત્રકારની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ સ્પોર્ટસ પ્રેસ એસોસિએશનની રચના બીજી જુલાઇ ૧૯૨૪ માં પેરિસમાં ગીષ્મકાલીન ઓલિમ્પિક દરમ્યાન કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ સ્પોર્ટસ પ્રેસ એસોસિએશનમાં મહાદ્વીપીય ઉપ-સંઘ અને રાષ્ટ્રીય સંઘ સામેલ છે.The International Sports Press Association was formed during the Olympics in Paris on July 2, 19.

આના સિવાય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ, ફીફા, આઇ.એ.એ.એફ. જેવા ખેલ સંગઠનો પણ સામેલ છે. આ સંઘ વિશ્વના પત્રકારોની વચ્ચે ચૈમપિયનશીપ, બંધન, પસંદ અને નાપસંદને મજબૂત કરવા માટે કાર્ય કરે છે. એટલા માટે બીજી જુલાઇએ વિશ્વ ખેલ પત્રકાર દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે.

આપણી સામે સંશોધન તથ્યોને રજૂ કરીને પત્રકાર સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખેલ પત્રકાર જુદા જુદા સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલો અંગે વિસ્તૃત માહિતી લોકોને પહોંચાડે છે. આ ખેલ પત્રકારોના કૌશલ્યને કારણે જ આપણને વિશ્વના ખેલ ચાહકોને ખેલના આયોજનો અને ખેલાડીઓ વિશે નવી નવી જાણકારી મળે છે.

વિશ્વ ખેલ પત્રકાર દિવસની ઉજ્વણીનો ઉદયેશ રમત ગમતના પત્રકારોને પોતાના કાર્યમાં ઉત્કૃષ્ટતા માટેના પ્રયાસને વિશ્વ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સાથે સાથે વિશ્વ ખેલ પત્રકાર દિવસ પત્રકારોને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને વધુ લોકોને ખેલ પત્રકારત્વમાં આકર્ષિત કરે છે.

ગામડાઓથી લઇને પ્રદેશ, સંઘ, દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમત ગમતનું મહત્વ વધ્યું છે. ખાનગી ક્ષેત્રથી લઇને સરકારી ક્ષેત્રમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલ કવોટા નક્કી કરવામાં આવ્યો છે. ઇલેકટ્રોનિક મીડિયામાં રમતગમતના પ્રસારણ માટે પ્રોડ્યુસર હોય છે. પ્રિન્ટ મીડિયા અને પત્ર-પત્રિકાઓમાં રમતગમત સંબંધિત જાહેરાતો મોટા પાયે જાેવા મળે છે. આવી જ રીતે ખેલ પત્રકારોની રમતગમતની સમીક્ષાએ ખેલ પત્રકારત્વને લોકપ્રિય બનાવ્યું છે. પત્રકારત્વના ક્ષેત્રમાં ખેલ પત્રકારત્વે મહત્વનું સ્થાન મેળવ્યું છે.

રમતગમતના સમાચારો વિના આજે પત્ર-પત્રિકાઓ, ટીવી અને અન્ય માહિતીસ્ત્રોતોને અધુરા માનવામાં આવે છે, કારણકે આજનો વાચક રમતગમતના સમાચારોને ખુબ જ ઉત્સાહપૂર્વક વાંચે છે અને જુવે છે. આજના યુવકો તો સવારે ઉઠીને અખબારમાં સૌથી પહેલા રમતગમતનું પાનું વાંચે છે. યુવાનો માટે મનોરંજનનું સૌથી મોટું સાધન બની ગયું છે. ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતા એટલી છે કે આપણે આપણી રાષ્ટ્રીય રમત હોકીને નજરઅંદાજ કરીએ છીએ.

રમતગમત માત્ર મનોરંજનનું સાધન નથી પરંતુ સારા સ્વાસ્થય અને બૌધ્ધિક ક્ષમતાનું પ્રતિક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં પ્રાચીન સમયથી રમતગમતનું પ્રચલન રહ્યું છે. કુસ્તી, તિરંદાજી, ઘોડેસવારી, તરણ સ્પર્ધા, ગુલ્લી-ડંડા, પોલો, દોરડાખેંચ, કબડ્ડી, ખો-ખો જેવી આઉટડોર કે મેદાનમાં રમાતી રમતો સિવાય ચૌપડ, ચૌસર, શતરંજ જેવી ઇન્ડોર રમતો પ્રાચીનકાળથી જ લોકપ્રિય રહી છે. આધુનિક સમયમાં આ જુની રમતો સિવાય અન્ય આધુનિક રમતો જેવી કે ક્રિકેટ, ટેનિસ, વેઇટ લિફટિંગ, એથ્લેટિક્સ, હોકી જેવી અનેક રમતોએ સમગ્ર વિશ્વમાં પોતાનું વર્ચસ્વ જમાવી લીધું છે.

આધુનિક રમતો હોય કે પ્રાચીન પરંતુ રમતગમતમાં થતાં વિશ્વવિક્રમોને વિશ્વમાં પ્રસિધ્ધિ આપવા માટે અને રમતગમતનું વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા માટે ખેલ પત્રકારત્વનું મહત્વનું યોગદાન રહ્યું છે. આજે વિશ્વમાં ખેલ પત્રકારત્વ લોકપ્રિયતાની ટોચ પર છે તો તેનો શ્રેય ખેલ પત્રકારને આપવામાં આવે છે.

ખેલ પત્રકાર બનવા માટે જુદી જુદી રમતોની વિસ્તૃત માહિતી અને એ રમતોનું જ્ઞાન હોવું જરૂરી છે. ખેલ પત્રકારમાં પોતાની ઓળખ ઉભી કરવા માટે ધગશ હોવી જાેઇએ. ખેલ પત્રકારત્વ વધુ મહેનત અને જવાબદારીવાળું કામ છે. જો કે સારો પગાર પણ ખેલ પત્રકારને પ્રોત્સાહિત કરે છે.

ભારતના શ્રેષ્ઠ રમત પત્રકારોની વાત કરીએ તો સુશીલ દોશીનું નામ સૌથી આગવી હરોળમાં આવે છે. સુશીલ દોશી ખેલ પત્રકાર હોવાની સાથે સાથે એક સારા લેખક અને ક્રિકેટમાં હિન્દીમાં કોમેન્ટેટર હતા. તેમણે નવ ક્રિકેટ વિશ્વ કપ, ૪૦૦ એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચો, ૮૫ ટેસ્ટમેચો અને અનેક ટુવેન્ટી ટુવેન્ટી ક્રિકેટ મેચોનું કવરેજ કર્યું છે.

સંજીવ મુખર્જી પણ ભારતીય ખેલ પત્રકાર છે. તેઓ સંશોધનાત્મક પત્રકારત્વ માટે જાણીતા છે. ૨૦૧૦ ના બ્રેકિંગ સમાચારો માટે મુખર્જી જાણીતા છે જેમાં ઇન્ડિયન પ્રીમીયર લીગ વિવાદનો સમાવેશ થાય છે.

જતિન સાયરુ ભારતીય ટીવી ખેલ પત્રકાર છે. તેઓ ક્રિકેટ કોમેન્ટેટર, બ્રોડકાસ્ટર અને ટીવીના હોસ્ટ હતા.

કાદમ્બરી મુરલી લાંબા સમય સુધી રાષ્ટ્રીય સંપાદક હતા. તેમને વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭ માં સ્પોર્ટસ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ક્રિકેટ રાઇટર અવોર્ડ મળ્યો હતો. આ સિવાય અનેક ભારતીય ખેલ પત્રકારો છે જેમણે રાષ્ટ્રીય ક્ષેત્રે ઘણી નામના મેળવી છે.

ભારતમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. જેમાં ટોકયોમાં ઓલિમ્પિક્સ અને પેરાઓલિમ્પિક્સમાં ચંદ્રકો મેળવનાર રમતવીરોને રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ દર વર્ષે રમતગમત ક્ષેત્રે સારૂ યોગદાન આપનારા રમતવીરોને મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચંદ્રક મેળવનાર રમતવીરોને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી રોકડ ઇનામ તેમજ સરકારી નોકરી આપવામાં આવે છે.

ભારતમાં “ખેલો ઇન્ડિયા” કાર્યક્રમ પાયાના સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણા દેશમાં રમાતી તમામ રમતો માટે મજબૂત માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તેમની સાથે ટેલીફોન કે વીડીયો કોન્ફ્રન્સ ના માધ્યમથી વાત કરે છે અને તેમને પ્રોત્સહિત કરે છે. ભારતના અનેક રાજ્યોમાં રમતગમત માટેના મેદાનો, સ્પોર્ટસ કોમ્પેલક્ષ અને પાયાની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. રમતવીરોને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

ભારતના મહાન રમતવીર દેશ તરીકે સ્થાપિત કરવાનો છે. ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા વિવિધ સ્તરે પ્રાથમિકતા ધરાવતી રમતો માં પ્રતિભાશાળી રમતવીરોની ઓળખ કરવામાં આવે છે અને તેમને આઠ વર્ષ માટે દર વર્ષે ૫ લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

૨૬મી જુને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત “મન કી બાત” કાર્યક્રમમાં કહ્યું હતું કે રમત ગમત ક્ષેત્રમાં હવે ભારતીય રમતવીરોની પ્રતિષ્ઠા વધી રહી છે. સાથે સાથે ભારતીય રમતોની પણ ઓળખ ઉભી થઇ રહી છે. ૨૮મી જુલાઇ થી ભારતમાં શતરંજ ઓલમ્પિયાડ શરૂ થઇ રહ્યું છે જેમાં વિશ્વના ૧૮૦ દેશો કરતા વધુ દેશો ભાગ લેશે આ ઓલમ્પિયાડ ભારત માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.