Western Times News

Gujarati News

રાજયભરમાં ‘કયાર’ વાવાઝોડાનો કહેર

File

(પ્રતિનિધિ) અમદાવાદ : ગુજરાત રાજયમાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ પડવા છતાં હજુ પણ વરસાદ પડવાનો ચાલુ રહેતા રાજયભરમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ગંભીર બાબત એ છે કે ગઈકાલથી શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે પશુઓનો ઘાસચારો પણ કોહવાઈ ગયો છે.

બીજીબાજુ હવામાન વિભાગે રાજયમાં ક્યાર વાવાઝોડા બાદ નવી સીસ્ટમ સક્રિય બનતા આગામી પાંચ દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરતા તંત્ર સક્રિય બન્યું છે. અતિવૃષ્ટિના પગલે ગુજરાતમાં હવે લીલો દુષ્કાળ પડયો છે જેના પરિણામે આગામી દિવસોમાં તેની કારમી અસર જાવા મળશે. ગઈકાલથી રાજયભરમાં સતત વરસાદ પડતાં ઠેરઠેર નુકસાનીના સમાચાર મળી રહયા છે. અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે મોડીરાત સુધી સતત વરસાદ પડવાનો ચાલુ રહયો હતો. રાજયમાં અતિવૃષ્ટિના પગલે કૃષિને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.

આણંદ: ૪ા ઈંચ,  વઢવાણ: ૪ ઈંચ, વાંકાનેર: ૩ ઈંચ, અંકલેશ્વર: ર ઈંચ, દહેગામ: ૩ ઈંચ, ટંકારા :૩ ઈંચ, મોડાસા: ર ઈંચ, છાટોઉદેપુર: રા ઈંચ, નાંદોદ: રા ઈંચ, લખતર: ૩ા ઈંચ, ધંધુકા: ર ઈંચ સાયલા: ૩ ઈંચ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજયમાં દિવાળી સુધી વરસાદ પડશે તે હવે આગાહી સાચી પડી રહી છે. રાજયભરમાં કયાર વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પડી રહયો છે અને ગંભીર બાબત એ છે કે હવે અરબી સમુદ્રમાં વાવાઝોડાની નવી સિસ્ટમ સક્રિય બની છે. જેના પરિણામે રાજયના દરિયાકાંઠાના વિસ્તાર ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવોથી ભારે વરસાદ પડવાનો ચાલુ રહેશે.

રાજયભરમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સતત વરસાદ પડતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદના પગલે ડાગર, મગફળી, તલ, મકાઈ તથા ઘાસચારાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આ પરિસ્થિતિમાં  હવે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

અમદાવાદ શહેરમાં નવા વર્ષના દિવસે બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડયો હતો પરંતુ ભાઈબીજના દિવસે બપોર બાદ આકાશ કાળા ડીંબાગ વાદળોથી છવાઈ ગયું હતું અને રાત પડતા જ સમગ્ર શહેરમાં ધીમીધારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. ઠંડા પવન વચ્ચે વરસાદ પડવાનો શરૂ થતાં તાપમાનનો પારો પણ ગગડયો હતો. ભાઈબીજના પવિત્ર દિવસે ઠંડા પવન સાથે વરસાદ પડતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત ઉપરાંત દ.ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહયો છે. સુરત, નવસારી, વલસાડ,
ભરૂચ, સહિતના જિલ્લાઓમાં વરસાદના કારણે ડાંગર સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખેતરોમાં સતત પાણી ભરાઈ જવાથી પાક બળી ગયો છે અને ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. સમગ્ર રાજયમાં વાવાઝોડાની અસરના પગલે વરસાદ પડવાનો શરૂ થયો છે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયાર વાવાઝોડા બાદ હવે નવી સિસ્ટમ સક્રિય બનતા માછીમારોને દરિયો નહી ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે અને કિનારાના વિસ્તારોમાં દરિયાઈ મોજા ઉંચા ઉછળતા એનડીઆરએફની ટીમોને પણ સક્રિય કરવામાં આવી છે. આ ઉપરાંત કિનારાના ગામોમાં સતત પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વાવાઝોડુ વધુ તીવ્ર બનતા કેન્દ્રીય હવામાન વિભાગે પણ ગુજરાત, મહારાષ્ટ્રને એલર્ટ કરી દીધા છે. આગામી પાંચ દિવસ સુધી સક્રિય બનેલા નવા વાવાઝોડાના કારણે રાજયભરમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ  પરિસ્થિતિમાં  હવે ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. અમદાવાદ શહેરમાં પણ આજે સવારે આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ થઈ જતા નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે

પરંતુ અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલ બપોર બાદ વરસાદ પડવાનો શરૂ થયો છે અને હજુ પણ આજે સવારે વાદળ છાયા વાતાવરણના કારણે હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ પણ વરસાદ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહયો છે.

સુરેન્દ્રનગરમાં પણ ગઈકાલે બપોર બાદ ભારે વરસાદ પડયો હતો. જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજયમાં ૧૪૦ ટકાથી વધુ વરસાદ પડતાં પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે પરંતુ કૃષિને થયેલા વ્યાપક નુકસાનના પગલે આગામી દિવસોમાં શાકભાજી અને કઠોળ તથા અનાજના ભાવો  આસમાને પહોંચશે તેવી દહેશત સેવાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.