Western Times News

Gujarati News

ઝીંઝુવાડા રણમાં ફસાયેલા ૧૧૦૦ પ્રવાસીઓને સહી સલામત બહાર કઢાયા

અમદાવાદ : દિવાળીના પવિત્ર તહેવારોમાં રાજયના જાણીતા ધાર્મિક સ્થાનો પર દર્શન કરવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જાવા મળતો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા રણમાં આવેલા પવિત્ર ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે ગઈકાલે મોડી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં પરંતુ અચાનક જ ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં ૧૧૦૦થી વધુ પ્રવાસીઓ રણમાં ફસાઈ ગયા હતાં.

આ અંગેની જાણ થતાં બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી અને તમામ દર્શનાર્થીઓને ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં. રાજયભરમાં વાવાઝોડાની અસરના કારણે વરસાદ પડી રહયો છે. બીજીબાજુ દિવાળીના તહેવારોના કારણે પર્યટન સ્થળો તથા ધાર્મિક સ્થાનો પર ભારે ધસારો જાવા મળી રહયો છે.

ગઈકાલે સુરેન્દ્રનગરના રણમાં ઝીંઝુવાડા પાસે ધાર્મિક સ્થાનમાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતાં અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી આ દરમિયાનમાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતાં રણમાં ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતાં

જેના પરિણામે રર૦ જેટલા વાહનો સાથે ૧૧૦૦ જેટલા પ્રવાસીઓ ફસાયા હતાં આ અંગેની જાણ થતાં રાજય સરકારે તાત્કાલિક સુરેન્દ્રનગર તથા આસપાસના પ્રશાસન તંત્રોને એલર્ટ કર્યા હતા અને તાત્કાલિક બચાવ ટુકડીઓને મોકલવામાં આવી હતી ભારે જહેમત બાદ એક પછી એક વાહનોને બહાર કાઢવામાં આવ્યા હતાં અને તમામ પ્રવાસીઓને સહી સલામત બહાર કઢાતા સરકારી તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.