Western Times News

Latest News from Gujarat India

બોરસદમાં મેઘ તાંડવને કારણે જાન ગુમાવનાર યુવકના પરિવારને ૪ લાખની સહાય અપાઈ

મહેસૂલ મંત્રીશ્રીએ જ્યારે મેઘ તાંડવના મૃતકના માતાપિતાના આંસુ લૂછ્યા

સ્વ.કૃણાલ પટેલના પરિવારને મૃત્યુ સહાયની સાથે રાજેન્દ્ર ત્રિવેદી પરિવારના દુઃખમાં સહભાગી થયાં ત્યારે સર્જાયા લાગણીસભર દૃશ્યો

આણંદ, આણંદ જિલ્લામાં મોસમનો પ્રથમ વરસાદ વેરી બન્યો છે. જિલ્લા પ્રભારી અને મહેસૂલ તથા કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રે કુદરતના પડકાર સામે લોકોને તત્કાળ રાહત આપવા કમર કસી છે. શ્રી ત્રિવેદી જાતે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ રહ્યા છે નિયમોનુસાર રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર તમામ મદદ અસરગ્રસ્તોને મળે તેની દેખરેખ રાખી રહ્યાં છે.

મહેસુલ  મંત્રીશ્રી પૂરની આફતમાં જાન ગુમાવનારા સ્વ.કૃણાલ પટેલના ઘેર જઈને મૃત્યુ સહાયની રૂ. ૪ લાખની સહાયનો ચેક એમના માતાપિતાને અર્પણ કર્યો ત્યારે શોકાતુર માતાપિતા અને પરિવારની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો.

તે સમયે દ્રવિત થયેલા મહેસૂલ મંત્રીશ્રીએ પુત્રવત સ્નેહથી પોતાના રૂમાલ વડે બંને વડીલોના આંસુ લૂછ્યા ત્યારે ભાવનાસભર દૃશ્ય સર્જાયું હતું. તેઓ જાણે કે મુક પણે કહી રહ્યાં હતાં કે સંકટની આ ઘડીએ સંવેદનાસભર રાજ્ય સરકાર તમારા પડખે છે. આ આંસુ લુંછનારી સરકાર છે.

મહેસુલ  મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મેઘકહેરને કારણે અસરગ્રસ્ત એવા બોરસદ શહેર અને અસરગ્રસ્ત ગામડાઓની મુલાકાત લઈ ભારે વરસાદથી થયેલ જાન માલ અને નુકસાનીની વિગતો મેળવી હતી.

મહેસુલ મંત્રીશ્રીએ  બોરસદમાં મેઘ તાંડવને કારણે જાન ગુમાવનાર  કૃણાલ પટેલના ઘરની મુલાકાત લઇ સ્વ. કૃણાલના પિતા ભાઈલાલભાઈ  પટેલ અને માતા શોભાબેન પટેલની રૂબરૂ મુલાકાત લઈ સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે મૃતકના પરિવારજનોને  રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર રૂ.ચાર લાખની  સહાયનો ચેક અર્પણ કર્યો હતો.

મંત્રીશ્રીએ પરિવારનો મોભી ગુમાવનાર શોકતુર પરિવારને આશ્વાસન આપતા જણાવ્યું કે તમે નવયુવાન દીકરો ગુમાવ્યો છે તેની ખોટ કોઈ પૂરું કરી શકે તેમ નથી પરંતુ મૃતક કુણાલ પટેલના ધો. સાતમાં અભ્યાસ કરતા કાવ્ય પટેલ અને ધો.૯ માં અભ્યાસ કરતા દીકરા અભી પટેલને મદદરૂપ થશે અને આ દુઃખદ ઘડીમાં રાજ્ય સરકાર તમારી સાથે જ છે. મંત્રીશ્રીએ  આ બાળકોને અભ્યાસમાં કોઈ તકલીફ ના પડે તેની જવાબદારી નિભાવી રાજ્ય સરકાર દ્વારા જે કોઈ મદદ કરવાની થાય તે  કરવા પણ તેમણે કલેકટરશ્રીને સૂચના આપી હતી.

મંત્રીશ્રીએ મૃતક કુણાલ પટેલની તસવીર સમકક્ષ  નમન કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કૃણાલ પટેલના બંને બાળકો અભિ અને કાવ્યને માથે હાથ ફેરવી પિતૃ વાત્સલ્યસભર સંવેદના વ્યક્ત કરી હતી.

મૃતક કુણાલ પટેલના માતાપિતાને  જ્યારે મંત્રીશ્રીએ સરકાર તરફથી રૂ. ચાર લાખની સહાયનો ચેક અર્પણ કર્યો ત્યારે માતાપિતાની આંખમાંથી આંસુ વહેતા હતા તે જોઈને મંત્રીશ્રીએ  પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢીને બંનેના આંસુ જાતે લૂછ્યા ત્યારે સંવેદના અને લાગણી સભર દ્ર્શ્યો સર્જાયા હતા. મંત્રીશ્રીએ  સરકાર મૃતકના  બંને સંતાનો અને તમારી ચિંતા કરશે અને કોઈ પણ તકલીફ હશે તો તમને મદદરૂપ બનીશું એવી હૈયાધારણ  પણ આપી હતી.

મંત્રીશ્રીએ વન તળાવ વિસ્તારમાં  આશ્રયસ્થાનમાં આશરો લઈ રહેલા અને જેમના ઘરનું સર્વસ્વ નાશ પામ્યું છે એવી મહિલાઓને ખાદ્ય સામગ્રીની કીટ અને સાડીઓનું વિતરણ કર્યું હતું.

મંત્રીશ્રીએ સરકારી તંત્ર તમારી સાથે જ છે એમ જણાવતાં ઉમેર્યું કે  સરકારશ્રીના નિયમો મુજબ મળવા પાત્ર તમામ સહાયની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુકવવામાં આવશે. હાલમાં ભારે વરસાદને કારણે કાચા પાકા મકાનો, ઝૂંપડાઓને થયેલ નુકસાન અંગેનો  સર્વે ચાલી રહ્યો છે.

આ મુલાકાત વેળાએ સાંસદશ્રી  શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, અગ્રણી શ્રી વિપુલભાઈ પટેલ, રમણભાઈ સોલંકી ,કલેકટરશ્રી મનોજ દક્ષિણી ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિન્દ બાપના, પ્રાંત અધિકારીશ્રી જય કુમાર બારોટ, મામલતદાર સુશ્રી આરતી ગોસ્વામી, ચીફ ઓફિસર સહિત ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને ગામના આગેવાનો પણ જોડાયા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers